બે દિવસ પહેલાં એક વાચકમિત્રે પૂછ્યું હતું કે સંન્યાસી, સાધુ, સંતોને શસ્ત્રો સાથે શું લાગે વળગે? તેમણે શસ્ત્રો રાખવાની શું જરૂર હોય?
શુભ મેળો-કુંભ મેળો
કુંભ મેળો
બે દિવસ પહેલાં એક વાચકમિત્રે પૂછ્યું હતું કે સંન્યાસી, સાધુ, સંતોને શસ્ત્રો સાથે શું લાગે વળગે? તેમણે શસ્ત્રો રાખવાની શું જરૂર હોય? આવા પ્રશ્ન અનેક જિજ્ઞાસુઓના મનમાં પણ થતા જ હશે. આના જવાબરૂપે જ શસ્ત્ર અને સાધુ વિશે આ કૉલમમાં લખાયું અને લખાઈ રહ્યું છે.
ગઈ કાલે આપણે જોયું કે ઇતિહાસ આપણને ગોખતાં આવડી ગયો છે પણ શીખતાં ન આવડ્યો.
ADVERTISEMENT
આપણે એ પણ જોયું કે ભારતને સ્વતંત્રતા મળી એમાં ગાધીજીની અહિંસક ચળવળની ભારોભાર વિવિધ પ્રકારે બતાવવામાં આવેલી શસ્ત્રોની ધાકનું પણ મહત્ત્વ હતું જ. જોકે ભારતને ૧૯૪૭માં અંગ્રેજી શાસનથી મુક્તિ મળી પછી પણ કૉન્ગ્રેસ સરકારે જનતાને એવું જ ઠસાવ્યે રાખ્યું કે દેશને આઝાદી માત્ર અહિંસાથી મળી છે. ભારતના નેવીના બળવાને અને સુભાષચંદ્રની આઝાદ હિંદ ફોજને સિફતથી ભુલાવી દેવામાં આવ્યાં, પરંતુ હકીકત એ છે કે અહિંસાથી દિલ જીતી શકાતું હશે, પણ જંગ નથી જીતી શકાતો. એ વખતની સરકાર અહિંસાના નશામાં મસ્ત રહી. સાધુ તો ઠીક, ભારતીય સૈન્ય પણ પૂરી રીતે શસ્ત્રસજ્જ નહોતું. આનો લાભ વિસ્તારવાદી ચીને ઉઠાવી લીધો. તેણે હુમલો કરી દેશની જમીન પચાવી પાડી. ભારતને યુદ્ધમાં નામોશીભરી હાર મળી. સ્વતંત્રતા મળી એ સમયે પાકિસ્તાને કાશ્મીરમાં કબીલા મોકલી અમુક ભાગ પચાવી પાડ્યો. જો સરદાર પટેલે સમયસર સશસ્ત્ર દળ ન મોકલ્યું હોત તો આજે રહ્યુસહ્યું કાશ્મીર પણ ભારત પાસે ન હોત. આ કાશ્મીર એટલે ઋષિ કશ્યપની તપોભૂમિ અને કર્મભૂમિ. ભારત વર્ષોથી આવા અનેક તપસ્વી અને જ્ઞાની ઋષિ પુરુષોના શાસ્ત્રજ્ઞાનથી સમૃદ્ધ રહ્યું છે, પરંતુ શસ્ત્ર વાપરીને સલામત રહેતાં ન શીખ્યું. ૧૯૪૭થી શરૂ થયેલી ભારતની ઢીલી નીતિ ૨૦૧૪ સુધી કાયમ રહી. તત્કાલીન કૉન્ગ્રેસી સંરક્ષણપ્રધાન એવું દર્શાવતા રહ્યા કે ભારત પાસે પૂરતું સંરક્ષણ-બજેટ નથી, બુલેટપ્રૂફ જૅકેટ્સ માટે પણ પૈસા નથી અને જરૂર પણ નથી. એ વખતનું ભારતનું સંરક્ષણ ખાતું ભારતનું સૌથી ખરાબ અને બેદરકાર ખાતું સાબિત થયું હતું. બીજી બાજુ પડોશી દેશ પાકિસ્તાનમાં તાલીમ પામીને આતંકવાદીઓ અદ્યતન શસ્ત્રો વડે ભારત પર હુમલા કરતા રહ્યા. દેશમાં બૉમ્બધડાકા થતા રહ્યા. નિર્દોષ લોકો સાથે ભારતીય સૈનિકોનાં માથાં પણ કપાતાં ૨હ્યાં.
જોકે ૨૦૧૪ પછી ભાજપની મોદી સરકાર આવી. પૂરો રાજકીય તખ્તો પલટાઈ ગયો. પ્રથમ પાંચ વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શસ્ત્રોની ખરીદી અને ભારતના સૈન્યને સમૃદ્ધ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. સંરક્ષણ-બજેટ વધારવામાં આવ્યું. શસ્ત્રો અને રાફેલ જેવાં લડાકુ વિમાનો ખરીદવા સામે વિપક્ષોની ગાળો સાંભળીને પણ સરહદને પૂરી સલામતી બક્ષી. આજે દેશમાં ક્યાંય બૉમ્બધડાકા નથી થતા. આતંકીઓનો સફાયો તેમના જ ગઢમાં ઘૂસીને થઈ રહ્યો છે. કોઈ પણ દેશનો વિકાસ શાંતિના વાતાવરણમાં જ થઈ શકે અને આવી શાંતિ માત્ર અહિંસાની વાતોથી નહીં પણ શસ્ત્રની ધાકથી અને ભયથી આવે છે એવું શીખતાં આપણને વર્ષો લાગ્યાં. આક્રમણ માટે કે અંગત સ્વાર્થ માટે નહીં, પણ સંરક્ષણ અને સલામતી માટે શસ્ત્રવિદ્યા શીખવી જરૂરી છે. સંન્યાસી, સાધુએ શા માટે શસ્ત્રો ધારણ કરવાં પડે એનો જવાબ પણ તમને આ લેખો દ્વારા મળી ગયો હશે. વળી સનાતની હિન્દુ ધર્મ પાળતા સાધુ-સંતોમાં જ આ પ્રથા છે એવું નથી. સિખોમાં કિરપાણ રાખવી જરૂરી છે.
આત્મરક્ષા અને ધર્મરક્ષા આવશ્યક છે. ભગવાન બુદ્ધે અહિંસાનો મહિમા ફેલાવ્યો, પણ સાથે-સાથે તેમના અનુયાયીઓ ધર્મના રક્ષણ માટે કરાટે અને જુડો દ્વારા શત્રુને મહાત કરવાનું શિક્ષણ પણ મેળવતા રહેતા હતા.
ભય બિન પ્રીત નહીં એવું તો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ પણ શીખવી ગયા છે. સમુદ્રદેવે લંકા સુધી પહોંચવા રસ્તો નહોતો આપ્યો ત્યારે તેમને પણ બાણ ઉઠાવવું પડ્યું હતું.
ટૂંકમાં નાગા બાવાઓેની શસ્ત્ર રાખવાની પ્રથા અને ઇતિહાસ વિશે આપણે જાણ્યું અને હવે તેમનાં મૂળ કર્તવ્યો- જ્ઞાન, ધ્યાન તેમ જ સ્નાન વિશે જાણવું પણ જરૂરી છે.
(ક્રમશઃ)