Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૪ : જ્ઞાનનો ખજાનો ખોલે બાર વર્ષે બાવો બોલે!

શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૪ : જ્ઞાનનો ખજાનો ખોલે બાર વર્ષે બાવો બોલે!

Published : 04 January, 2025 12:44 PM | IST | Mumbai
Mukesh Pandya | feedbackgmd@mid-day.com

લૌકિક અને અલૌકિક જ્ઞાન મેળવવાનો એક જ રસ્તો એ હતો કે ૧૨-૧૨ વર્ષથી એકાંતમાં તપ અને સાધનાથી સાધુ-સંતોએ જે જ્ઞાન મેળવ્યું હોય એ સાંભળીને ગ્રહણ કરવું

ફાઇલ તસવીર

શુભ મેળો-કુંભ મેળો

ફાઇલ તસવીર


ગઈ કાલે આપણે જોયું કે ઇતિહાસની દૃષ્ટિએ દેવો અને દાનવો વચ્ચે સમુદ્રમાંથી નીકળેલા અમૃતકુંભ માટે યુદ્ધ થયું હતું. આ યુદ્ધ ૧૨ દિવસ સુધી ચાલેલું. દેવતાઓનો એક દિવસ એટલે આપણું એક વર્ષ. આમ ૧૨ દિવસ એટલે ૧૨ વર્ષ પ્રમાણે દર ૧૨ વર્ષે પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાશિક આ ૪ શહેરોમાં કુંભમેળાનું આયોજન થાય છે. જોકે વર્ષો પહેલાં જ્યારે નિરક્ષરતાનું પ્રમાણ વધારે હતું ત્યારે આવી કથાઓ દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવતા.


જોકે આજે જ્યારે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, વિજ્ઞાનની બોલબોલા વધી છે ત્યારે કુંભમેળા વખતે જે ખગોળીય ઘટનાઓ બને છે એ પણ સમજવી અને સમજાવવી જરૂરી છે.



હકીકતમાં આપણી ગ્રહમાળા (સોલર સિસ્ટમ)ના કેન્દ્રમાં રહેલા સૂર્યદેવતા અને બ્રહ્માંડના સૌથી મોટા ગ્રહ ગુરુની ચાલ અને એની પૃથ્વી પર થતી અસરને કારણે કુંભમેળાના આ યોગ ઉત્પન્ન થાય છે. સૂર્યને તો આપણે દેવ તરીકે જ નવાજીએ છીએ. તેમના થકી જ પૃથ્વી પર આપણું જીવન શક્ય બને છે . સૂર્યની અસર શારીરિક રીતે તો આપણા પર પડે જ છે, પણ આ બ્રહ્માંડના આત્મા એવા રવિ મહારાજની અસર આપણા મન અને આત્મા પર પણ પડે છે. જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને મનનો તો સૂર્યને આત્માનો કારક કહ્યો છે. બીજી બાજુ સૃષ્ટિનો સૌથી મોટો ગ્રહ પણ આપણા જીવન પર અસર કરે છે. ગુરુને જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનનો કારક કહે છે. એટલે જ તો એ ‘ગુરુ’ કહેવાય છે. એ કદમાં, વજનમાં અને જ્ઞાનમાં દરેક રીતે ગુરુ છે. આમ સૂર્ય અને ગુરુનો વિશિષ્ટ સંયોગ એટલે આત્મા અને જ્ઞાનનો સંયોગ. પ્રયાગરાજમાં આ સંયોગ ત્યારે રચાશે જ્યારે ગુરુ વૃષભ રાશિમાં હશે અને ૧૩ જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશશે. સૂર્ય તો દર મહિને રાશિ બદલે છે, પણ ગુરુ દર વર્ષે રાશિ બદલે છે. ૧૨ રાશિઓ હોવાથી ગુરુ દર ૧૨ વર્ષે પાછો વૃષભ રાશિમાં આવે છે. મતલબ કે દર ૧૨ વર્ષે સૂર્ય અને ગુરુનો આ વિશિષ્ટ સંયોગ રચાય છે જે પ્રયાગરાજ જેવા વિશિષ્ટ સ્થાનને વધુ પ્રભાવિત કરે છે.


સૂર્ય અને ગુરુ જેવા ગ્રહોની અસર માત્ર આપણા શરીર પર જ નહીં; આપણા મન, આત્મા, પૃથ્વી, પાણી અને વાયુ પર પણ થતી હોય છે. એમ કહોને કે પૂરા વાતાવરણ પર થતી હોય છે. ૧૨ વર્ષે કુંભમેળા સમયે રચાતો આ વિશિષ્ટ સંયોગ પ્રયાગરાજની નદીઓ સહિત પૂરા પર્યાવરણને શુદ્ધ કરે છે અને અજોડ એવા અધ્યાત્મજ્ઞાનના પ્રસાર માટે યોગ્ય વાતાવરણ ઊભું કરે છે. એટલે જ તો આ સમયમાં હિમાલયના યોગીઓ, સાધુ-સંતો અને તપસ્વીઓ પણ તળેટીમાં આવી ગંગા, જમના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરવા ઉત્સુક હોય છે. પવિત્ર સ્નાન દ્વારા તેઓ શરીર અને મનથી શુદ્ધ અને પવિત્ર થવાની અને જ્ઞાનયોગથી મોક્ષ મેળવવાની સિદ્ધિ તરફ આગળ વધવાની ખેવના રાખતા હોય છે. આ સમયે થતું સ્નાન અને જ્ઞાનનું આદાન-પ્રદાન અનેક સિદ્ધિઓ અપાવે છે, જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ અપાવે છે. સામાન્ય જનો પણ આ હેતુ સાધવા જ અહીં આવે છે અને તન-મનથી શુદ્ધ થવાની અર્થાત્ જાણ્યે-અજાણ્યે કરેલાં પાપને ધોઈ નાખવાની ઇચ્છા સાથે પવિત્ર સંગમમાં ડૂબકી લગાવે છે. સાથે-સાથે અનેક જ્ઞાની સતગુરુઓના સીધા સંપર્કમાં આવે છે. અગાઉના સમયમાં વર્તમાનપત્રો, પુસ્તકો, ટીવી, સોશ્યલ મીડિયા વગેરે કંઈ જ હતું નહીં. લોકોમાં અક્ષરજ્ઞાન પણ હતું નહીં.

લૌકિક અને અલૌકિક જ્ઞાન મેળવવાનો એક જ રસ્તો એ હતો કે ૧૨-૧૨ વર્ષથી એકાંતમાં તપ અને સાધનાથી સાધુ-સંતોએ જે જ્ઞાન મેળવ્યું હોય એ સાંભળીને ગ્રહણ કરવું. અગાઉના સમયમાં આ રીતે બોલવા-સાંભળવાથી જ શિક્ષણ અને જ્ઞાન પ્રાપ્ત થતું હતું. પ્રસિદ્ધિને ગૌણ સમજતા અને પરમસિદ્ધિ માટે મથતા સાધુ-સંતો, મહારાજો, નાગાબાવાઓ ૧૨ વર્ષે જાહેરમાં આવતા અને પોતાની વાણીથી જ્ઞાન આપતા. આવી ઘટનાઓથી જ પેલી કહેવત જનમાનસમાં ઘર કરી ગઈ હશે કે ‘૧૨ વર્ષે બાવો બોલ્યો.’


આ કારણે જ દર ૧૨ વર્ષે તેમના જ્ઞાન અને સરિતાસ્નાનનો કુંભમેળામાં લાભ લેવા સામાન્ય જનો પણ ઘણા ઉત્સુક હોય છે.

 

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2025 12:44 PM IST | Mumbai | Mukesh Pandya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK