કુંભમેળામાં માત્ર સાધુબાવાનાં દર્શન કરીને ખુશ રહેતા લોકોને જણાવવાનું કે તેમના લલાટે શોભતા તિલક પરથી આપણે પ્રેરણા પણ લેવી જોઈએ. કોઈ પણ જાતની શેહશરમ વગર કમસે કમ મસ્તક પર તો લગાડવું જોઈએ
શુભ મેળો-કુંભ મેળો
કુંભ મેળો
કુંભમેળામાં માત્ર સાધુબાવાનાં દર્શન કરીને ખુશ રહેતા લોકોને જણાવવાનું કે તેમના લલાટે શોભતા તિલક પરથી આપણે પ્રેરણા પણ લેવી જોઈએ. કોઈ પણ જાતની શેહશરમ વગર કમસે કમ મસ્તક પર તો લગાડવું જોઈએ. યુવાનો તો આ પ્રથા ભૂલી ગયા છે, પરંતુ યુવતીઓ પણ હવે ફૅશનના નામે શુદ્ધ તિલકદ્રવ્યો વાપરવાને બદલે પ્લાસ્ટિક અને વેલ્વેટના ગુંદરિયા નકલી ચાંદલા વાપરતી થઈ ગઈ છે. રોજ નહીં તો વાર-તહેવારે કે શુભપ્રસંગે કપાળ પર ચાંદલાવિધિ થવી જોઈએ. જોકે મહારાજ ચાંલ્લો કરે તો ઘણા યુવાનો એક વાર કચવાતા મને કરાવી તો લે પછી તરત બાથરૂમમાં જઈને મોં ધોઈ આવે છે. આ લોકોને એટલું જ કહેવાનું કે સાધુઓને સાધના માટે જ તિલક ઉપયોગી પ્રથા છે એવું નથી સંસારીઓ માટે પણ તિલક કરવા વપરાતાં દ્રવ્યો લાભકારક છે. શારીરિક અને માનસિક બળ પૂરું પાડે છે. સનાતન ધર્મીઓ આ પ્રથા ભૂલતા જાય છે, પણ જૈનધર્મીઓ હોંશે-હોંશે કોઈ પણ જાતના સંકોચ વગર કપાળ પર ચાંલ્લો કરે છે. આમ તો દરેક જાતનાં તિલકદ્રવ્યો બારેમાસ વાપરી શકાય એવાં હોય છે, પરંતુ કયા સમયમાં કયું તિલક કેમ વધુ લાભકારક બની રહે છે એ હવે આપણે જોઈએ.
શિયાળામા કેસરનું તિલક લાભકારી છે. અલબત્ત, કોઈ પણ તિલક કોઈ પણ ઋતુમાં લગાડી શકાય, પરંતુ શિયાળામા કેસરનો વપરાશ વધુ લાભ આપે છે. ઔષધિયુક્ત ગુણોને કારણે કેસરનો આયુર્વેદિક દવાઓમાં પણ ઉપયોગ થાય છે. સ્વાદ અને સુગંધને કારણે એનો ખાદ્ય પદાર્થો અને પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે કેસરની તાસીર ગરમ હોય છે. જેથી ઠંડીમાં કેસરના સેવનથી ઇમ્યુનિટી પાવરમાં વધારો થાય છે, એ બીમારીને દૂર રાખે છે. કેસરનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે, મસ્તક અને સ્નાયુઓના દુખાવામાં રાહત મળે છે. એના સેવનથી લોહીનું પરિભ્રમણ પણ સુધરે છે. શિયાળામાં આર્થ્રાઇટિસની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે કેસરનો ઉપયોગ કરી શકાય છે. એમાં રહેલું ક્રોસેટિન શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે. કેસરનું સેવન કરવા ઉપરાંત કેસરનાં પાનની પેસ્ટ બનાવી એને સાંધાઓ પર લગાવવાથી લાભ થાય છે. ચહેરાનો રંગ નિખારવા અને તેજસ્વી બનાવવા માટે કેસરનો માસ્ક સપ્તાહમાં એકવાર ચહેરા પર જરૂર લગાવવો જોઈએ. વધુપડતો તણાવ અને થાકને લીધે મોટા ભાગના લોકોને ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. એક સંશોધન મુજબ કેસરમાં રહેલાં તત્ત્વો અનિદ્રાની સમસ્યા દૂર કરે છે. ઊંઘ સારી આવે છે.
ADVERTISEMENT
ચંદન પણ ખૂબ જ સુગંધ ધરાવતું વૃક્ષ છે, એ શીતળ પ્રકૃતિ ધરાવતું હોવાથી ઉનાળામાં વધુ લાભકારી છે. ચંદનનો ઉપયોગ પ્રાચીન સમયથી આયુર્વેદિક ઔષધિ તરીકે કરવામાં આવે છે. ચંદન ચામડીના રોગોને દૂર કરવામાં મદદ કરે છે. ચંદનમાં શીતળ અને ચોક્કસ પ્રકારના બળતરા વિરોધી ગુણો જોવા મળે છે જે ચહેરા પર સોજો, લાલાશ અને બળતરા જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. સૉરાયસિસ અને ખરજવું જેવી બીમારીઓમાં ચંદનનો ઉપયોગ લાભદાયી છે. ચંદન પેટના રોગોને દૂર કરવામાં મદદરૂપ બને છે. ચંદન તાવ ઘટાડવામાં મદદ કરે છે. જેમને હળવો તાવ હોય તેમના માટે ચંદન ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચંદનની સુગંધથી તણાવ (સ્ટ્રેસ) ઓછો થાય છે. ચંદન માનસિક શાંતિ પ્રદાન કરવામાં મદદ કરે છે. ચંદનના ઉપયોગથી મનની એકાગ્રતા વધે છે. ધ્યાન (મેડિટેશન)માં મગ્ન બનવામાં સહાયરૂપ છે. ચંદનની સુગંધ મનને તરબતર અને પ્રફુલ્લિત રાખે છે. ચોમાસામાં કુમકુમ કે હળદર કંકુનું સાંનિધ્ય વધુ લાભ આપે છે. હવે એના વિશે જાણીએ.
(ક્રમશઃ)