રાખ પણ લાખની કિંમત વટાવી જાય એટલી કીમતી છે. જેમણે વસ્ત્રોનો પણ ત્યાગ કર્યો છે એવા બાવાઓ માટે રાખ ખરેખર તનને રક્ષણ આપતું વસ્ત્ર બની જાય છે. રાખના વિવિધ ઉપયોગો વિશે જાણ્યું
શુભ મેળો-કુંભ મેળો
કુંભ મેળો
ગઈ કાલે આપણે જોયું કે રાખ પણ લાખની કિંમત વટાવી જાય એટલી કીમતી છે. જેમણે વસ્ત્રોનો પણ ત્યાગ કર્યો છે એવા બાવાઓ માટે રાખ ખરેખર તનને રક્ષણ આપતું વસ્ત્ર બની જાય છે. રાખના વિવિધ ઉપયોગો વિશે જાણ્યું. સતત ધૂણી ધખાવતા અને યજ્ઞકાર્યો કરતા બાવાઓ આ ક્રિયાઓની બાય પ્રોડક્ટ એવી ભસ્મનો શરીર પર શણગાર કરે છે એમ આંખમાં બીજી એક બાય પ્રોડક્ટ ‘કાજળ’ પણ લગાડે છે. યજ્ઞમાં ભભૂકતી જ્વાળા આડે કોઈ ઘાતુનું પાત્ર અડકાવીએ તો કાળો મેશ પાઉડર જમા થાય છે, એનો ઉપયોગ આંખમાં આંજવાના કાજળ તરીકે પણ કરી શકાય છે. આ કાજળ આંખોને અનેક બીમારીઓ અને ચેપથી દૂર રાખે છે, આંખોનું નૂર વધારે છે, ઠંડી-ગરમ ઋતુથી રક્ષણ આપે છે, આંખોનું તેજ વધારે છે. પૂરા મસ્તક પર જો સૌથી વધારે કોમળ, નાજુક અને સંવેદનશીલ અંગ હોય તો એ છે આપણી આંખો.
વિવિધ સમિધ, ગાયનાં ઘી-છાણ, ચોખા, જવ, તલ, હળદર વગેરેને હોમીને એમના થકી પ્રગટ થયેલા અગ્નિની જ્યોતમાંથી મેળવાતું કાજળ ઔષધિયુક્ત, ઍન્ટિસેપ્ટિક અને ઍન્ટિ-બૅક્ટેરિયલ બની આંખોનું રક્ષણ કરે છે, એને વધુ સક્ષમ બનાવે છે.
ADVERTISEMENT
હવે સાધુબાવાઓના હાથમાં રહેતા ચીપિયાની વાત કરીએ.
હાથમાં ચીપિયો લઈને જ્યાં જાય ત્યાં ‘અલખ નિરંજન’નો રણકાર કરતા સાધુ-સંતો તમે જોયા હશે. આ ચીપિયો યજ્ઞકુંડમાં ધગધગતા અંગારાને ઉપર-નીચે કરવા કે એમની ઉપર જામેલી રાખને સાફ કરવા માટે ઘણો ઉપયોગી છે. ચીપિયાની મદદથી અંગારને પકડી શકાય છે, હેરફેર કરી શકાય છે. નરસિંહ મહેતા જેમ મંજીરા વગાડી ભજન ગાતા એમ ચીપિયાના રણકારથી પ્રભુભજનમાં મસ્ત બનીને ભક્તિનો આનંદ લઈ શકાય છે, હુમલાખોર નાનાં-મોટાં પ્રાણીઓ કે જીવોનો સામનો કરી શકાય છે.
સાધુબાવાઓના હાથ ચીપિયાથી શોભે છે. આંખ કાજળથી શોભે છે તો કપાળ વિવિધ તિલકથી શોભે છે.
લલાટ પર તિલક કરવું એ માત્ર સાધુઓનો જ શણગાર નથી, સનાતન ધર્મ પાળતી સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ કપાળ પર ભાત-ભાતનાં તિલક કરે છે. અગાઉના સમયમાં મહિલા હોય કે પુરુષ, વેપારી હોય કે ડાકુ, વિદ્યાર્થી હોય કે વરિષ્ઠ, રાજા હોય કે સૈનિક દરેક લોકો કપાળે તિલક અવશ્ય લગાડતા. આ તિલક માટે બે આંખોની ભ્રમરોની વચ્ચેનો ભાગ પસંદ કરવામાં આવ્યો છે એ પણ વૈજ્ઞાનિક છે. શરીરનું બીજા નંબરનું મહત્ત્વનું ચક્ર એવું આજ્ઞાચક્ર આ સ્થાને આવ્યું છે. પાંચ-છ ફુટના માણસની બધી જ જ્ઞાનેન્દ્રિયો માત્ર એક ફુટના મસ્તકમાં આવી છે; જેમ કે આંખ, નાક, કાન, જીભ ચામડી વગેરે. આ જ્ઞાનેન્દ્રિયો વડે અનુક્રમે દૃશ્ય, સુગંધ, શ્રવણ, સ્વાદ અને સ્પર્શનો અનુભવ થાય છે અને આ અનુભવને કેવો પ્રતિસાદ આપવો એની આજ્ઞા આ ચક્ર દ્વારા અપાય છે. આજનું વિજ્ઞાન પણ કહે છે કે મસ્તકમાં રહેલું મગજ જ હુકમ છોડે છે અને હાથ-પગ જેવી કર્મેન્દ્રિયો એ મુજબ કાર્ય કરે છે. દરેક ઇન્દ્રિયોની અને અંગોની સમસ્યા જાણવી પછી પાછો એનો ઉકેલ મગજ પાસેથી મેળવીને દરેક અંગો સુધી પહોંચાડવાની આજ્ઞા આ આજ્ઞાચક્ર દ્વારા થાય છે, માટે આ આજ્ઞાચક્રને સતેજ રાખવું જરૂરી છે. એને પોષણ અને રક્ષણ આપવું જરૂરી છે. આ આજ્ઞાચક્રનું પોષણ કહો તો પોષણ, રક્ષણ કહો તો રક્ષણ અને એનામાં રહેલી બુદ્ધિનું સન્માન કહો તો સન્માન આવા તિલક વડે થાય છે. કપાળ પર કરેલા તિલકથી આજ્ઞાચક્રની સક્રિયતા વધી જાય છે, બુદ્ધિ ખીલે છે, સમજશક્તિ અને સ્મરણશક્તિ વધે છે.
સાધુ, સંતો ઈશ્વરનું ધ્યાન ધરે ત્યારે તેઓ આ આજ્ઞાચક્ર પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. આ ચક્ર પર લગાડેલું તિલક તેમની એકાગ્રતા વધારવા માટે પણ ઉપયોગી નીવડે છે.
આ તિલકોમાં વપરાતાં દ્રવ્યો પણ અનેક ઔષધિયુક્ત ગુણો ધરાવે છે; જેમ કે ચંદન, હળદર, કેસર, કુમકુમ, સિંદૂર, ભસ્મ વગેરે-વગેરે. જુદી-જુદી ઋતુઓમાં સમય અને સંજોગને અનુરૂપ જુદાં-જુદાં દ્રવ્યો ઉપયોગમાં લઈ શકાય છે.
હવે આ વિવિધ તિલકદ્રવ્યોના ગુણધર્મો અને ઉપયોગિતા વિશે આપણે વિસ્તારપૂર્વક જાણીએ.
(ક્રમશ:)