Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૨૪ : અંગે રાખ સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી

શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૨૪ : અંગે રાખ સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી

Published : 24 January, 2025 10:03 AM | IST | Mumbai
Mukesh Pandya | feedbackgmd@mid-day.com

અગાઉના સમયમાં ઘરમાં ટૉઇલેટ નહોતાં ત્યારે લોકો હાજતે જવા નજીકના સીમ કે પાદરે પહોંચતા અને ઘરે પાછા આવીને આ જંતુનાશક રાખથી જ હાથ સાફ કરતા.

કુંભ મેળો

શુભ મેળો-કુંભ મેળો

કુંભ મેળો


આપણે ત્યાં વર્ષો પહેલાં જ્યારે સાબુનું ચલણ નહોતું ત્યારે સ્મશાનની રાખ અને નાળિયેરના કૂચાથી ગૃહિણીઓ વાસણ ધોતી હતી. અગાઉના સમયમાં ઘરમાં ટૉઇલેટ નહોતાં ત્યારે લોકો હાજતે જવા નજીકના સીમ કે પાદરે પહોંચતા અને ઘરે પાછા આવીને આ જંતુનાશક રાખથી જ હાથ સાફ કરતા.


રાખ ખરબચડી હોવાથી સાબુ ઉપરાંત સ્ક્રબરનું કામ પણ આપે છે. મતલબ કે જંતુનાશકનું કામ તો કરે જ છે, એ ઉપરાંત ચામડીના મૃત કોષો (ડેડ સેલ્સ) પણ દૂર થાય છે. ચામડી વધુ સુંવાળી બને છે.



આપણે સાધુમહાત્મા જેવા મોટા યજ્ઞ ન કરી શકીએ, પણ રોજ ઘરે નાનકડો હોમ કરીએ તો પર્યાવરણ તો શુદ્ધ થાય, ઉપરાંત બાયપ્રોડક્ટ તરીકે મળેલી રાખનો શરીરના રક્ષણ માટે ઉપયોગ કરી શકીએ. રાખ માત્ર રક્ષણ જ નહીં પણ એનામાં રહેલા વિવિધ ક્ષાર અને એના ઑક્સાઇડને કારણે પોષણ પણ આપે છે. રાખને પાણીમાં ભેળવીને ઘણા લોકો પી જતા હોય છે. ઘણા સાચા સાધુબાવા અસલી રાખ (ભસ્મ) પ્રસાદી તરીકે આપતા હોય છે. રાખનો ઉપયોગ ખેતરોમાં ખાતર તરીકે પણ થઈ શકે. પહેલાંના જમાનામાં ચૂલા હતા એમાં લાકડાં બાળીને રસોઈ થતી ત્યારે રાખ રોજેરોજ મળતી. ત્યારે થર્મોસ નહોતાં. અમે રજાઓમાં મોસાળ જઈએ ત્યારે સવારે મોડા ઊઠીએ તોયે નાનીએ કલાક પહેલાં બનાવેલી ચા-કૉફી પણ ગરમાગરમ મળતાં. નાની વહેલી ઊઠી હોવાથી પોતે ચા પી લેતી અને અમારી ચાની તપેલી ચૂલાની ગરમ રાખમાં રાખી મૂકતી. ચા ગરમ પણ રહેતી અને રાખને કારણે આસપાસ કીડી-મંકોડા પણ ભટકી નહોતાં શકતાં.


ગઈ કાલથી આપણે રાખના શારીરિક ફાયદા ગણાવવાનું શરૂ કર્યું છે પણ એનો આધ્યાત્મિક ફાયદો પણ છે. રાખ આપણને સતત એ વાતની યાદ અપાવે છે કે જીવન ક્ષણભંગુર છે. શરીર નાશવંત છે. ગમે ત્યારે ભસ્મ થઈ જશે. શંકર ભગવાનના ઉપાસકો એવા નાગા બાવાઓ સતત આ વાત સ્મરણમાં રહે એટલા માટે શરીરે રાખ ચોળે છે.

ઘણા સંસારીઓ અને ખાસ કરીને યુવાનોને બાવાઓની આવી ભસ્મયુક્ત વેશભૂષા જોઈને અણગમો પણ ઉત્પન્ન થતો હશે પરંતુ સંન્યાસને માર્ગે ગયેલા અને હિમાલય કે જંગલોમાં રહેતા સાધુસંતો માટે તો ભસ્મ એવો વૈજ્ઞાનિક અને તાર્કિક શણગાર છે જે તન, મન અને આત્માના શુદ્વીકરણ માટે ખૂબ ઉપયોગી છે.


આજે આપણા ઘરેથી ચૂલા ગાયબ થઈ ગયા છે. રોજેરોજ હોમહવન ઘેર-ઘેર થતા એ પણ નહીંવત્ થઈ ગયા છે. અગ્નિની સાક્ષીએ સોળે સંસ્કાર થતા એ પણ ઓછા થતા જાય છે. અરે લગ્નો પણ હવે અગ્નિની સાક્ષીએ નહીં, પણ કોર્ટમાં રજિસ્ટ્રારની સાક્ષીએ થાય છે. આજની પેઢીને અગ્નિ કે હવનનું મહત્ત્વ જ નથી ખબર, તો પછી રાખ કે ભસ્મના મહત્ત્વની તો ક્યાંથી ખબર હોય? તેમને ભગવદ્ગીતા વાંચવા મળે કે પછી શાળામાં ભણાવાય તો ખબર પડે. શ્રીકૃષ્ણએ સ્પષ્ટ કહ્યું છે કે યજ્ઞથી જ વરસાદ આવે છે. વરસાદથી જ અન્ન પાકે છે અને અન્નથી જ વળી પાછો યજ્ઞ થાય છે. આમ પર્યાવરણનું ચક્ર (રોલિંગ) ચાલતું રહે છે. બિઝનેસમાં પૈસાનું રોલિંગ ચાલતુ રહેવું જોઈએ એવી આપણને ખબર છે, પરંતુ પર્યાવરણનું રોલિંગ અટકે એની આપણને પડી નથી. આ સંજોગોમાં આપણે જે કામ નથી કરી શકતા એ કામ આ સાધુસંતો નિયમિત કરે છે. ધૂણી ધખાવવી,  નિત્ય હોમહવન કરવા, ભસ્મને રક્ષક અને પોષક સમજીને અંગે ચોળવી એ બધી ક્રિયાઓ તેમની દિનચર્યાનો એક ભાગ બની ગઈ છે. આમ કરીને તેઓ માત્ર તેમની જ સુરક્ષાનો કે પોષણનો પ્રબંધ નથી કરતા, પણ પૂરા પર્યાવરણના રક્ષણ અને પોષણ માટે નિમિત્ત બને છે.

કુંભમેળામાં પધારતા આવા ત્યાગી, પર્યાવરણવિદ ભસ્મધારી બાવાઓને જોઈને વંદન કરવાનું મન ન થાય તો કંઈ નહીં, પરંતુ તમારા મિત્રવર્ગમાં તેમને મજાકનો વિષય ન બનાવતા. આજે પશ્ચિમના દેશોમાં પણ કુદરત તરફ પાછા ફરવાનો, બૅક ટુ નેચર થવાનો વાયરો વાયો છે ત્યારે કુદરતના ખોળે રહેતા અને કુદરતી શણગાર સજતા આ બાવાઓ અને તેમના આરાધ્યદેવ શંકરને યાદ કરીને એટલું ગાઈ લેજો,

‘અંગે રાખ સ્મશાનની ચોળી

સંગે રાખો સદા ભૂત ટોળી

ભાલે તિલક કર્યું. કંઠે વિષ ધર્યું

દયા કરી દર્શન શિવ આપો હરિ.’

 (ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

24 January, 2025 10:03 AM IST | Mumbai | Mukesh Pandya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK