બાહ્ય જગતમાં મનુષ્ય પા૫કર્મમાં બંધાય છે તો આંતર જગતમાં એનાથી મુક્તિ મળે છે
શુભ મેળો-કુંભ મેળો
કુંભ મેળો
બાહ્ય જગતની યાત્રા જીવને પાપકર્મમાં બાંધે છે તો આંતર જગતની યાત્રા પાપકર્મથી છોડાવે છે.
કુંભમેળામાં અત્યારે અનેક અખાડાના સંતો-મહંતો એકબીજાને પ્રેમથી મળી રહ્યા છે. ગળે વળગાડી રહ્યા છે. એકમેકને દંડવત પ્રણામ કરીને માન આપી રહ્યા છે. પ્રયાગરાજનુ આ સંગમસ્થાન વિશ્વના ખૂણે-ખૂણેથી આવતા સાધુઓ માટે એક મિલનસ્થાન બની રહ્યું છે. બે અલગ-અલગ જૂથના સાધુઓ વચ્ચે કોઈ પ્રતિસ્પર્ધા નથી. બાહ્ય જગતમાં બે વેપારીઓ વચ્ચે, બે ક્રિકેટ-ટીમ વચ્ચે, બે ફિલ્મો વચ્ચે, બે રાજકીય પક્ષો વચ્ચે કે બે રાજકારણીઓ વચ્ચે સ્પર્ધા હોય છે, કટ્ટર કૉમ્પિટિશન હોય છે; જે જીતે તે ઉચ્ચ સ્થાન કે ઉચ્ચ પદ ભોગવે છે, અવૉર્ડ મેળવે છે. આવી સ્પર્ધાઓમાં શામ, દામ, દંડ કે ભેદ થકી કોઈ કોઈને હરાવી શકે છે. પ્રપંચ રચી શકે છે.
ADVERTISEMENT
બીજી બાજુ આંતર જગતમાં પરમપદ સુધી પહોંચવા દરેક સાધુઓ પ્રયાસ કરી શકે છે. પરમપદ ઈશ્વરનું એટલું વિરાટ સ્વરૂપ છે જ્યાં હર કોઈ એને મોડું-વહેલું પામી શકે છે, એમાં ભળી જઈ શકે છે. એટલે અહીં કોઈ હરીફાઈ નથી. સ્પર્ધા હોય તો પોતાની સાથે જ હોય છે. કોઈ અન્ય સાથે છળ-કપટથી જીતી શકાતું નથી.
અસત્ય કે અવળો પ્રચાર કામ લાગતો નથી. લાંચરુશવતથી કાર્યો પાર પાડી શકાતાં નથી. આ જગતમાં માત્ર ઈશ્વર પ્રત્યેની અખૂટ શ્રદ્ધા, તન-મનની શુદ્ધતા અને પવિત્રતા જ કામ લાગે છે. બાહ્ય જગતમાં અન્યને માત કરીને ઉચ્ચ પદ કે હોદ્દો મેળવવાનો હોય છે. જ્યારે પરમપદના ઇચ્છુકે પોતાની જ ઇન્દ્રિયોને માત કરીને આગળ વધવાનું હોય છે. પરમપદ માટે કોઈ પણ વ્યક્તિ પ્રયાસ કરી શકે છે. બધાને એેક સાથે પરમપદ મળી શકે છે એટલે અહીં બે સાધુ-સંતો વચ્ચે કોઈ અદેખાઈ, હુંસાતુંસી કે તિરસ્કારનો ભાવ હોતો નથી અને જરૂરી પણ નથી. બાહ્ય જગતમાં ઉચ્ચપદ જેમ કે પ્રમુખપદ કે કૅપ્ટનપદ એક જ હોય છે એટલે હરીફો નડી શકે છે. પરમપદ અનંત લોકોને પોતાનામાં સમાવી શકે છે. દરેક અલગ-અલગ જૂથ કે અખાડાના સાચા સાધુ-સંતોને ખબર છે કે બીજાને પછાડીને પોતાની પ્રગતિ કરી શકાય એવું આ અંતરની યાત્રામાં શક્ય નથી. એકબીજાને હરાવીને ઈશ્વિરની પ્રાપ્તિ થવાની નથી; એકબીજાને ગળે વળગાડી, એકબીજાનો આદર કરીને જ તથા એક બીજાને મદદરૂપ થઈને જ આગળ વધી શકાય છે. બાહ્ય યાત્રા અને અંદર તરફની યાત્રામાં આ બધા તફાવત છે. બીજાને નહીં, પણ પોતાને જીતવા જ કલ્પવાસની તાલીમ લેવી જોઈએ. વધુમાં વધુ સાધુ-સંતોને મળવું જોઈએ. તેમના ઉપદેશનું શ્રવણ કરીને આચરણમાં મૂકવા જોઈએ. અસત્ય છોડીને સત્ય તરફ જવું. મન, વચન અને કર્મથી અહિંસા પાળવી, શરીર શુદ્ધિ માટે ઉપવાસ કરવા, મનની શુદ્ધિ માટે ધ્યાન ધરવું; આ બધી જ ક્રિયાઓ કરવા માટે કોઈ પૈસા ખર્ચવા નથી પડતા, કોઈ ખોટાં કામ કરવાં નથી પડતાં, કોઈ લાંચ આપવી પડતી નથી. ફક્ત અને ફક્ત શ્રદ્ધાપૂર્વક કરેલો પ્રયાસ અને નિરંતર પ્રયાસ જ જરૂરી છે. આવા પ્રયાસો જ આપણને પાપકર્મથી મુક્તિ આપે છે.
ટૂંકમાં, બાહ્ય જગતમાં મનુષ્ય પા૫કર્મમાં બંધાય છે તો આંતર જગતમાં એનાથી મુક્તિ મળે છે. આંતર જગતમાં વસતા સાધુ-સંતો કુંભમેળામાં એકબીજા સાથે જે પ્રેમભાવથી મળે છે, હળે છે, ભળે છે એ દૃશ્યો ગંગા-યમુનાના સંગમ કરતા કંઈ ઓછાં આહ્લાદક નથી હોતાં. વળી નદીઓના સંગમસ્થળે સાધુ-સંતોનો સમાગમ જાણે સોનામાં સુગંધ ભળે છે, જાણે અજ્ઞાનના નીરમાં જ્ઞાનનું અમૃત ભળે છે.
જળસંગમ અને સંતસમાગમ બન્નેના સાક્ષી બનવું હોય તો કુંભમેળામાં અવશ્ય જજો. તમને અજ્ઞાન, શોક અને પાપમુક્તિ સિવાય બીજું કશું જ પ્રાપ્ત નહીં થાય.
(ક્રમશ:)