આ મહોત્સવથી દેશની આવક પણ વધશે અને કરોડો લોકોને રોજી-રોટી મળશે એ અલગ.
શુભ મેળો-કુંભ મેળો
કુંભ મેળો
આ વર્ષે ભારતના તીર્થરાજ એવા પ્રયાગરાજમાં જે માનવમહેરામણ ઊભરાશે એ કુંભ નહીં, પણ મહાકુંભના સાક્ષી બનશે. જીવનમાં ફક્ત એક વાર કે કદાચ એક જીવનમાં ન પણ આવે એવી આ વિરલ ઘટના છે. કુંભમેળો દર બાર વર્ષે આવે છે, પણ આવા ૧૧ કુંભમેળા ઊજવાય પછી ૧૨મો કુંભ મહાકુંભ તરીકે ઊજવાય છે. મતલબ એ થયો કે મહાકુંભ ૧૪૪ વર્ષે રિપીટ થાય છે. આજથી ૧૪૪ વર્ષ પહેલાં મહાકુંભ ઊજવાયો હતો અને હવે ૧૪૪ વર્ષ પછી એ ઊજવાશે. માણસનું આયુષ્ય ૧૦૦ વર્ષનું ગણીએ (સરેરાશ આયુષ્ય તો ૭૦ વર્ષનું જ હોય છે) તો જિંદગીમાં ફક્ત એક જ વાર આ પ્રસંગ આવે અને ન પણ આવે. આપણા હાલના જીવનમાં અગાઉના મહાકુંભમાં આપણે હયાત ન હોતા અને હવે પછીના મહાકુંભમાં પણ આપણી મનુષ્ય તરીકેની હાજરી નહીં હોય, અર્થાત્ ૧૩ જાન્યુઆરીથી શરૂ થતો આ મહામેળો ખરા અર્થમાં ન ભૂતો ન ભવિષ્યતિ બની રહેશે.
બીજી એક સાફ વાત. હાલમાં કેન્દ્રમાં અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં જે સરકાર છે એ અન્ય સંપ્રદાયો ઉપરાંત સનાતનના સાયન્સમાં માનનારી અને એ પરંપરાને આગળ ધપાવવાની ખેવના રાખતી સરકાર છે. હાલ આ અવસર માટે જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે એમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્ય પ્રધાન યોગીજી પણ અંગત રસ લઈ રહ્યા છે. આ અવસરને આંતરરાષ્ટ્રીય ટૂરિસ્ટોના એક આકર્ષણ તરીકે પણ વિકસાવાઈ રહ્યું છે. ૪૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આ ઉત્સવના સાક્ષી બનશે એ પણ એક વિશ્વવિક્રમ બનશે.
ADVERTISEMENT
આ મહોત્સવથી દેશની આવક પણ વધશે અને કરોડો લોકોને રોજી-રોટી મળશે એ અલગ.
આ ખાસ સમયમાં ખાસ જગ્યાએ સ્નાનનું મહત્ત્વ શા માટે છે એ વિશે સાધુ, સંતો કે ધર્મગુરુઓ તો સમજાવે જ છે, પરંતુ અનેક વૈજ્ઞાનિકો પણ એ વિશે સંશોધન કરતા જોવા મળશે. બીજી બાજુ આટલી મોટી ઇવેન્ટને મૅનેજ કઈ રીતે કરી શકાય એ જોવા અને શીખવા મૅનેજમેન્ટના વિદ્યાર્થીઓ પણ અહીં બહોળી સંખ્યામાં આવશે.
ત્રીજી વાત.
અત્યારે મહાકુંભ માટે જે તૈયારીઓ ચાલી રહી છે એમાં ડિજિટલ વિજ્ઞાન અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં ન જોયેલી કે કલ્પનામાં પણ ન વિચારી હોય એવી અદ્યતન સગવડ અને સુવિધાઓ યાત્રાળુઓ ભોગવશે એવી આશા સેવાઈ રહી છે. આ પ્રસંગ ખરા અર્થમાં ધર્મ અને વિજ્ઞાનનો સંગમ બની રહેશે.
ચોથી વાત.
આ રાજ્યને જોડતા તમામ માર્ગોમાં વાહનોની સંખ્યા અને સુવિધા અનેકગણી વધારવામાં આવશે. રેલવે ખાતું આ સમય પર વિશેષ ટ્રેનો દોડાવશે. હવાઈ માર્ગે પણ પ્લેનની સંખ્યા અને ફ્રિક્વન્સી વધારવામાં આવશે.
અહીં સુધી પહોંચતા તમામ જમીની માર્ગો પણ સુરક્ષિત રીતે સજાવવામાં આવશે.
કોઈ પણ યાત્રાળુ ભોજન, રહેઠાણ કે સગવડોથી વંચિત ન રહે એની તકેદારી લેવાશે.
નાગરિક-સુરક્ષા માટે પોલીસ, અર્ધ લશ્કરી બળો, હોમગાર્ડ્સ અને તમામ સરકારી-બિન સરકારી સંસ્થાઓનો સાથસહકાર લેવામાં આવશે.
આ આયોજન સફળ રહ્યું તો ભારત ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક રમતોત્સવ યોજવા માટે પણ સક્ષમ બની જશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
આ ઉત્સવ માટે કેમ મહિનાઓથી તૈયારી ચાલી રહી છે? શા માટે વડા પ્રધાન અને મુખ્ય પ્રધાન પણ અહીં વારંવાર મુલાકાત લઈ રહ્યા છે? શું છે આ અમૃતકુંભ?
કેમ આજના સમયમાં પણ આ ઇવેન્ટને આટલું મહત્ત્વ અપાઈ રહ્યું છે? શું છે આ ઉત્સવના લાભાલાભ? ઇતિહાસ, ખગોળ અને વિજ્ઞાનની દૃષ્ટિએ આ ઉત્સવ માનવજાત પર કેવી અસર કરે છે?
કુંભ એટલે શું? અમૃત એટલે શું? ચાલો, વિસ્તારપૂર્વક જાણીએ.
(ક્રમશ:)