આપણા વર્ષ અને તહેવાર ચંદ્ર પર આધારિત તિથિ પ્રમાણે હોય છે, પરંતુ ખ્રિસ્તી વર્ષ અને તહેવાર સૂર્ય પર આધારિત હોય છે. ખાસ વાત એ છે કે સૂર્ય પર આધારિત એકમાત્ર તહેવાર જે આપણે ઊજવીએ છીએ.
કુંભ મેળો ૨૦૨૫
કુંભ મેળો
આજથી શરૂ થતું નૂતન વર્ષ અનેક રીતે યાદગાર બની રહેશે.
આપણા વર્ષ અને તહેવાર ચંદ્ર પર આધારિત તિથિ પ્રમાણે હોય છે, પરંતુ ખ્રિસ્તી વર્ષ અને તહેવાર સૂર્ય પર આધારિત હોય છે. ખાસ વાત એ છે કે સૂર્ય પર આધારિત એકમાત્ર તહેવાર જે આપણે ઊજવીએ છીએ એ મકરસંક્રાન્તિનો સમય સૂર્ય અને તારીખ પર આધારિત છે. થોડું ઊંડાણમાં સમજવું હોય તો ઉદાહરણો દ્વારા સમજીએ. મોટા ભાગના ગુજરાતમાં અને ગુજરાતીઓ દ્વારા ઊજવાતા તહેવારો ગુજરાતી મહિના અને તિથિ મુજબ ઊજવાય છે. દર વર્ષે દિવાળી આસો વદ અમાસ અને વિક્રમ નૂતન વર્ષ કારતક સુદ એકમના દિવસે ઊજવાય છે. હોળી ફાગણ સુદ પૂનમના દિવસે ઊજવાય છે. આ બધા તિથિ પ્રમાણેના તહેવારો છે જેમાં દર વર્ષે તારીખો બદલાતી રહે છે, જ્યારે મકરસંક્રાન્તિ એકમાત્ર એવો હિન્દુ તહેવાર છે જે તારીખ પ્રમાણે ૧૪-૧૫ જાન્યુઆરીએ ઊજવાતો હોય છે.
ADVERTISEMENT
નવા વર્ષના પ્રારંભિક મહિનામાં જ આ તહેવાર ઊજવાય છે અને આ વર્ષે મહાકુંભની શરૂઆત એની પૂર્વ સંધ્યાથી થશે. ૧૪ જાન્યુઆરી મકરસંક્રાન્તિથી મહાકુંભના દિવ્ય (શાહી) સ્નાનની પણ શરૂઆત થશે.
વર્ષ ૨૦૨૫નો સરવાળો ૨+૦+ર+૫ =૯ થાય છે જે યુનિક આંક છે. નવ પૂણાંક છે. માનવજીવન પર અસર કરતા ગ્રહોની સંખ્યા ૯ છે. સંસારને અટપટો અને ચટપટો બનાવતા રસની સંખ્યા ૯ હોય છે. જૈનોમાં રટાતો ઉત્તમ મંત્ર નવકાર મંત્ર ગણાય છે. શાકંભરી નવરાત્રિ એટલે નવ રાત્રિઓનો સમૂહ જે દરમ્યાન શક્તિની પૂજા થાય છે.
એ પણ પોષ મહિનામાં ઊજવાય છે. શાકંભરી નવરાત્રિની પૂર્ણાહુતિ અર્થાત્ પોષી પૂનમના દિવસ ૧૩ જાન્યુઆરીથી જ પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત થશે. ૨૮ ફેબ્રુઆરી-મહાશિવરાત્રી સુધી ચાલનારા આ મહાકુંભ સુધી આપણે આ કુંભ વિશે અનેક વાતો જાણીશું અને માણીશું.
આપણે માણીશું:-
મહાકુંભ, પૂર્ણકુંભ અને અર્ધકુંભ વચ્ચેના તફાવતની વાતો.
ગંગા, જમના અને સરસ્વતી નદીના સંગમ પર ઊજવાતા મહાકુંભમાં અનેક સંગમો રચાશે
એમ આ લેખમાળામાં પણ અનેક સંગમો રચાશે.
કુંભનો ઇતિહાસ, ભૂગોળ (ખગોળ ) અને વિજ્ઞાનનો સંગમ.
પ્રાચીન અને અર્વાચીનનો સંગમ.
સાધુ અને સાધકોનો સંગમ.
નાગાબાવા અને સંસારીઓનો સંગમ.
જ્ઞાન, વિજ્ઞાન અને કળાનો સંગમ.
કથાકાર અને શ્રાવકોનો સંગમ.
ફિઝિકલ અને ડિજિટલ સુવિધાઓનો સંગમ
મૅનેજમેન્ટ અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓનો સંગમ.
જળવાયુ પરિવર્તનની ચિંતા સતાવી રહી છે ત્યારે યોજાશે અહીં જળ અને વાયુનો સંગમ.
શ્રીમંત અને ગરીબોનો સંગમ.
દેશી અને વિદેશીઓનો સંગમ.
પંચરંગી પ્રજાનો સંગમ.
શુદ્ધીકરણ અને પવિત્રતાનો સંગમ .
શ્રદ્ધા, પ્રાર્થના અને પૂજાનો સંગમ.
પરંપરા અને પરિવર્તનનો સંગમ.
દાન અને સેવાનો સંગમ.
સરકારી સુવિધા અને વ્યક્તિગત શિસ્તનો સંગમ.
દર્શન અને માર્ગદર્શનનો સંગમ.
ધર્મ અને અધ્યાત્મનો સંગમ.
આ ઉપરાંત આપણે જાણીશું
પોષી પૂનમ વિશે
મકરસંક્રાન્તિના ભૌગોલિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક મહત્ત્વ વિશે.
સ્નાનના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભ વિશે.
કુંભ સ્નાનના મહત્ત્વ વિશે.
દિવ્ય (શાહી) સ્નાનના દિવસો વિશે.
મૌની અમાવસ્યા વિશે.
વસંતપંચમી વિશે.
માઘી પૂર્ણિમા વિશે.
મહા શિવરાત્રિ વિશે.
આપણે કુંભમેળાનું A to Z નહીં પણ ‘અ’થી ‘જ્ઞ’ (અજ્ઞાનથી જ્ઞાન) સુધી જાણીશું. પહેલાંના સમયમાં કુંભમેળામાં બાળકો ખોવાઈ જતાં હતાં, પણ આજે ડિજિટલ યુગમાં એ શક્ય નથી; પણ હા, જો તમે ત્યાં જઈ શકો તો ઠીક, બાકી આપણે આ લેખોરૂપી જ્ઞાનમાં અવશ્ય ખોવાઈ જઈશું એની પૂરેપૂરી ખાતરી જ નહીં શ્રદ્ધા છે.
(ક્રમશઃ)