Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૧૬ : કલ્પવાસ : શ્રદ્ધા, અધ્યાત્મ અને વિજ્ઞાનનો ત્રિવેણી સંગમ

શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૧૬ : કલ્પવાસ : શ્રદ્ધા, અધ્યાત્મ અને વિજ્ઞાનનો ત્રિવેણી સંગમ

Published : 16 January, 2025 01:06 PM | IST | Mumbai
Mukesh Pandya | feedbackgmd@mid-day.com

આધુનિક વિજ્ઞાન દ્વારા જે પણ શોધખોળ થાય છે એ ઉપકરણ બનીને સામાન્ય જનતાના હાથ સુધી પહોંચી જાય છે જેમ કે કૉમ્પ્યુટર, મોબાઇલ, ટીવી, દવા, ઇન્જેક્શન, કાર, બાઇક, વિમાન વગેરે વગેરે.

કુંભ મેળો

શુભ મેળો-કુંભ મેળો

કુંભ મેળો


આધુનિક વિજ્ઞાન દ્વારા જે પણ શોધખોળ થાય છે એ ઉપકરણ બનીને સામાન્ય જનતાના હાથ સુધી પહોંચી જાય છે જેમ કે કૉમ્પ્યુટર, મોબાઇલ, ટીવી, દવા, ઇન્જેક્શન, કાર, બાઇક, વિમાન વગેરે વગેરે. વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવેલી આ શોધખોળ માણસની ભૌતિક સગવડોમાં ખૂબ વધારો કરે છે.


શરીરને ભરપૂર આનંદ આપે છે.



આ ભૌતિક સાધનો નરી આંખે દેખાય છે. કૉમનમાં કૉમન માણસ પણ એનો સરળતાની ઉપયોગ અને ઉપભોગ કરી શકે છે. આ જ કારણસર લોકોને વિજ્ઞાન પર શ્રદ્ધા હોય એ તદ્દન સ્વાભાવિક છે, નૅચરલ ફિનૉમિના છે. આ ભૌતિક ઇન્દ્રિયો, ભૌતિક શરીર અને ભૌતિક સુખસગવડો આપતાં સાધનોની ભરમારમાં નરી આંખે જોઈ ન શકાતા આત્માનો ક્યાં ગજ વાગવાનો? આત્મા જેવી કોઈ ચીજ છે કે નહીં એના પર પણ દુનિયાભરમાં વાદ-વિવાદ થતા હોય, શંકા-કુશંકા થતી હોય ત્યાં શ્રદ્ધા તો ક્યાંથી બેસે? અજ્ઞાની માણસો એક વાર માટે ધર્મગુરુની વાતો માની લે, પરંતુ અર્જુન જેવા જ્ઞાની પુરુષો હંમેશાં શંકામાં હોય છે. જેટલા વધુ જ્ઞાની એટલા વધુ શંકાશીલ.


અર્જુનના શંકાશીલ માનસને દૂર કરવા શ્રીકૃષ્ણ એને દિવ્ય દૃષ્ટિ આપીને પોતાનું વિરાટ વિશ્વરૂપ બતાવે છે. આપણી પાસે તો એવી દિવ્ય દૃષ્ટિ પણ નથી જેનાથી પરમાત્માના અસ્તિત્વ અને વ્યક્તિત્વનાં દર્શન થાય. આપણે જો પરમેશ્વરને પામવાની ઇચ્છા રાખતા હોઈએ તો સૌપ્રથમ તો એના અસ્તિત્વ પર શ્રદ્ધા રાખતાં શીખવું પડે. આવી શ્રદ્ધા કેળવી શકાય એ માટે જ ભારતમાં ગુરુ -શિષ્યની પરંપરા હતી. ભગવાન ક્યાં છે? એવી શંકા હમણાં જ ૧૨ જાન્યુઆરીએ જેમનો જન્મદિવસ ઊજવાયો એ સ્વામી વિવેકાનંદને પણ થઈ હતી. જેમ અર્જુનને જગદગુરુ શ્રીકૃષ્ણે માર્ગ બતાવ્યો એમ વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસ મળી ગયા હતા. આ જ રીતે સૈકાઓ પહેલાં આદિ શંકરાચાર્યે અનેક વિદ્યાર્થીઓને સાધુ-સંત બનાવ્યા. પોતાની વિદ્યા અને શક્તિથી મોક્ષ તરફ ગતિ કરવાનું શિક્ષણ આપ્યું. આવા અનેક સાધુબાવા અને નાગાબાવાનો સંસર્ગ અને સત્સંગ કરવા જો અનુકૂળતા હોય તો થોડો વધુ સમય ત્રિવેણી સંગમના કિનારે કલ્પવાસ કરવો જોઈએ. નિ:સ્વાર્થ સંન્યાસીઓ પાસેથી ઉપદેશ સાંભળી પ્રથમ તો ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા દૃઢ કરવી પડશે.

એક વાર શ્રદ્ધા દૃઢ થયા પછી કલ્પવાસ નામનો કઠોર ઉપવાસ કરવાનુ થોડું  સહજ બનશે. આપણે સાંસારિક કાર્યો કરીએ છીએે એ પણ વિશ્વાસપૂર્વક કરીએ-મનમાં કૉ​ન્ફિડન્સ સાથે કરીએ તો જ સફળતા મળે છે. તો ઈશ્વરની સમીપ જવા પણ સૌપ્રથમ તો પૂર્ણ શ્રદ્ધા સાથે સમર્પિત થવું જરૂરી છે.


ભગવાનમાં શ્રદ્ધા દૃઢ રાખીને હવે કલ્પવાસ દરમ્યાન ધીરે-ધીરે ભૌતિક જગત છોડીને અધ્યાત્મના વાતાવરણ તરફ સરકવું જોઈએ. આ ક્રિયા કરવા માટે જે જ્ઞાન-વિજ્ઞાન છે એ સમજવું જોઈએ. જેમ આધુનિક શોધખોળ માટે વિજ્ઞાન અર્થાત્ વિશેષ જ્ઞાન જરૂરી છે એમ ઈશ્વરની શોધ માટે પણ વિશેષ જ્ઞાનની જરૂર છે. જેમ કોઈ પણ વ્યવસાયિક કાર્યની સફળતા માટે આત્મવિશ્વાસ સાથે એકાગ્રતાની જરૂર પડે છે એમ ઈશ્વર-પ્રાપ્તિરૂપી સફળતા માટે શ્રદ્ધાપૂર્વક ધ્યાન ધરવાની જરૂર પડે છે. એને માટેની સગવડ અને અનુકુળતા કલ્પવાસ દ્વારા મળે છે, કલ્પવાસના નિયમો પાળવાથી મળે છે. આ નિયમો કેમ રાખવામાં આવ્યા હશે એ આ નિયમોનું જ્ઞાન-વિજ્ઞાન સમજવાથી મળે છે.

કલ્પવાસ તો ૧૩ તારીખથી શરૂ થયો, પરંતુ એ પાળવા માટેનું જ્ઞાન આપણે ૧ જાન્યુઆરીથી  આ કૉલમના માધ્યમ દ્વારા મેળવ્યું. જ્ઞાન સાથે ધ્યાન અને સ્નાનના લાભાલાભ પણ જોયા. આ બધી ક્રિયાઓ પાછળ માત્ર ધર્મ નહીં, પણ નખશિખ વિજ્ઞાન જ છે. પરમાત્મા મેળવવા કે સિદ્ધિ મેળવવી એ કોઈ ચમત્કાર નથી, પણ સંયમ અને શ્રદ્ધા સાથે ભક્તિ, ધ્યાન અને સ્નાન પાછળનું વિજ્ઞાન સમજીને એને અમલમાં મૂકીને મેળવેલી સફળતા જ છે. કલ્પવાસ દરમ્યાન પાળેલું બ્રહ્મચર્ય સ્પર્શેન્દ્રિય પર સંયમ રાખે છે. ઉપવાસ કરવાથી જીભના ચટાકા ઓછા થાય છે. સ્વાદેન્દ્રિય પર સંયમ આવે છે. ભજન કે કથા સાંભળવાથી શ્રવણેન્દ્રિય પર સંયમ આવે છે. જેમ-જેમ ઇન્દ્રિયો  સંયમમાં આવે એમ-એમ ચંચળ મન પણ સંયમમાં આવે છે. આ મનને સ્થિરતા બક્ષવા ધ્યાન અને શુદ્ધતા બક્ષવા સ્નાન જરૂરી છે. મન પાણી જેવું ચંચળ છે. પાણી ખળખળ વહેતું હોય તો એની નીચે રહેલા પદાર્થ દેખાતા નથી. પાણી સ્થિર થાય પછી જ એની નીચે રહેલા પદાર્થનાં દર્શન થાય છે. આ જ રીતે પાણી ડહોળાયેલું હોય, અશુદ્ધ હોય ત્યારે પણ એની અંદર રહેલી ચીજો દેખાતી નથી, પણ જેવું પાણી શુદ્ધ થાય એવા એની અંદરના પદાર્થોનાં દર્શન શક્ય બને છે. બસ મનનું પણ આવું જ છે. મન સ્થિર અને શુદ્ધ થાય તો જ ઈશ્વર દેખાય. ઈશ્વરીય આત્મા આપણી અંદર જ છે. બહાર શોધવાની જરૂર નથી. ફક્ત તન-મનની સ્થિરતા અને શુદ્ધતા જરૂરી છે. જોકે આ કાર્ય પાણીને સ્થિર અને શુદ્ધ કરવા જેટલું સરળ નથી.

તન-મનને સ્થિર અને શુદ્ધ કરવા જે ધ્યાન અને સ્નાનની જરૂર પડે છે એની પ્રૅક્ટિસ કલ્પવાસ દરમ્યાન શક્ય બને છે. એક વારમાં કે એક સમયમાં આ શક્ય ન પણ બને. જન્મોજનમ પણ લાગે, પણ હા ઈશ્વર-દર્શન તરફ એક ડગલું આગળ વધવાની ક્રિયા જરૂર શરૂ થઈ જાય છે.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

16 January, 2025 01:06 PM IST | Mumbai | Mukesh Pandya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK