Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૧૪ : મકરપ્રવેશે જળમિશ્રિત સૂર્યસ્નાન કુદરતે બક્ષેલું શ્રેષ્ઠ વરદાન

શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૧૪ : મકરપ્રવેશે જળમિશ્રિત સૂર્યસ્નાન કુદરતે બક્ષેલું શ્રેષ્ઠ વરદાન

Published : 14 January, 2025 02:07 PM | IST | Mumbai
Mukesh Pandya | feedbackgmd@mid-day.com

ગઈ કાલે આપણે જોયું કે કેવી રીતે ખુલ્લામાં સ્નાન કરતી વેળાએ પાંચે તત્ત્વો પૃથ્વી, જળ, અગ્નિ (સૂર્ય) વાયુ અને આકાશ આપણાં તનમનની શુદ્ધિ કરે છે

કુંભ મેળો

શુભ મેળો-કુંભ મેળો

કુંભ મેળો


ગઈ કાલે આપણે જોયું કે કેવી રીતે ખુલ્લામાં સ્નાન કરતી વેળાએ પાંચે તત્ત્વો પૃથ્વી, જળ, અગ્નિ (સૂર્ય) વાયુ અને આકાશ આપણાં તનમનની શુદ્ધિ કરે છે. પવન કેવી રીતે આપણા શરીરની આંતરિક શુદ્ધિ કરે છે એ પણ જોયું.


આજે મકર સંક્રાન્તિ છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશીને વધુ બળવાન બને છે ત્યારે નદીકિનારે થતા જળવાયુ સ્નાન સાથે એનાં કિરણો પણ ઉપયોગી સાબિત થાય છે. હાડ ધ્રુજાવતી ઠંડીમાં હૂંફ આપે છે. જળ, વાયુ અને સૂર્યના સમન્વયથી મળતા લાભ ઘરની અંદર બાથરૂમમાં સ્નાન કરવાથી નથી મળતા.



સૂર્યનાં કિરણો આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ચામડીના કોષમાં પ્રવેશીને વિટામિન ‘ડી’ ઉત્પન્ન કરે છે જે આપણા હાડકાના માળખાને મજબૂત રાખે છે. શિયાળામાં હાડકાં અને સાંધાના દુખાવાના કેસ વધી જાય છે ત્યારે સૂર્યનો તડકો ઔષધ બનીને આવે છે. બ્રિટિશ વૈજ્ઞાનિક ડૉ. ડબ્લ્યુ એમ. ફ્રેજરે તેમના એક પુસ્તકમાં લખ્યું છે કે સૂર્યકિરણોમાં જીવાણુઓનો નાશ કરવાની અદ્ભુત શક્તિ છે. આપણે ત્યાં અનાજ, ખાદ્ય પદાર્થો કે મરીમસાલા ખરાબે ચડ્યાં હોય તો એને સૂર્યના તડકામાં સૂકવવા પાછળ આ જ થિયરી કામ કરતી હોય છે. નદીમાં રહેલા રોગાણુઓનો નાશ કરવાની શક્તિ આ સૂરજદાદા પાસે છે.


કુંભમેળામાં સરિતાસ્નાન કરતા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ નદીમાં ઊભાં-ઊભાં ખોબામાં પાણી ભરીને સૂર્યનારાયણને અંજલિ આપે છે. શહેરોમાં પણ બાલ્કનીમાંથી તાંબાનો લોટો ભરીને સૂર્યને અંજલિ આપતા અનેક વડીલોને તમે જોયા હશે.

આ અંજલિ આપવાનાં પણ અનેક કારણો છે. એમ કરીને એક તો આપણે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.


પોષની કડકડતી ઠંડીમાં સૂર્ય આપણને હૂંફ આપે છે એ એ સમયે ખૂબ વહાલી લાગે છે. જેને જે સમયે જે ચીજની જરૂર હોય તેને એ સમયે એ ચીજ આપણે ભેટ આપીએ તો તે વ્યક્તિ ખૂબ આનંદ અનુભવે છે. ખરા સમયે જ તેને એ ચીજ કામ લાગી જાય છે. શિયાળામાં જોઈતી હૂંફ અને ગરમી સૂર્ય પાસેથી મળતી હોય છે ત્યારે આપણે પણ રાહત અને આનંદની લાગણી અનુભવતા હોઈએ છીએ. હવે સૂર્ય એ બીજું કંઈ નહીં પણ લાખો ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન ધરાવતો અગ્નિનો ધગધગતો ગોળો છે. જેમ શુષ્ક વાયુ લવચીક તેલથી રીઝે, જેમ અગ્નિની ભૂખ ઘીથી ભાંગે એમ બળબળતા સૂર્યને પાણીની અંજલિ આપતા હજારો હાથ ઊઠે ત્યારે તેમને કેટલી શાતા મળતી હશે.

આ તો થઈ ભાવનાઓમાં વહી જવાની વાત. હવે વિજ્ઞાનની રીતે પણ અંજલિ આપવાની આ પ્રથા શા માટે લાભદાયક છે એ સમજીએ.

પાણી એ અગ્નિ અને ગરમીને કાબૂમાં રાખવાનું શ્રેષ્ઠ સાધન છે.

આગ લાગે ત્યારે એને ઓલવવા પાણી કામ લાગે છે. ગરમીથી ગળું સુકાતું હોય ત્યારે એની તરસ પાણીથી જ બુઝાવી શકાય છે, પણ યુનાઇટેડ કિંગડમના ઍસ્ટ્રોનોમીના પ્રોફેસર જોનાથન ટેનિસને તો પોતાના એક સંશોધનમાં જણાવ્યું હતું કે પાણીનો પરમાણુ આ પૃથ્વી પર ખૂબ મહત્ત્વનો છે. જીવન માટે તો અનિવાર્ય છે જ, ઉપરાંત આ પાણી સૂર્યકિરણોની સારી બાબતો ઉજાગર કરવા અને જોખમી બાબતોને નિષ્ક્રિય કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. સૂર્યનાં કિરણો પાણીમાંથી પસાર થઈને આપણા સુધી પહોંચે તો વધુ લાભ આપે છે. નદીમાં ઊભાં-ઊભાં કે ઘરની અંદર તમે જ્યારે સૂર્યને અંજલિ આપો ત્યારે એટલું ધ્યાન રાખવું કે તમારા બે હાથ માથાની ઉપર હોય અને તમારા પૂરા શરીર તેમ જ સૂર્યદેવની વચ્ચે પાણીનો પડદો રચાઈ જાય. આવા પડદામાંથી ઘર્ષણ પામીને આવતાં સૂર્યકિરણો શુદ્ધ બનીને આવે છે અને શરીર-મન માટે ઓષધ સમાન બની જાય છે. તમે અંજલિ ન આપો તો કાંઈ નહીં પણ જે લોકો શ્રદ્ધાપૂર્વક આ ક્રિયા કરે છે તેમની મજાક કદી ન ઉડાડશો.

સૂર્ય ગ્રહમાળાનું કેન્દ્ર છે. સૂર્ય નરી આંખે દેખાતા દેવ છે. સૂર્ય અમાપ શક્તિ છે. એનો આદર કરીને આપણે વધુ ને વધુ ફાયદો ઉઠાવી શકીએ છીએ. આજકાલ તો સૂર્ય-પૅનલો બનાવીને એની ઊર્જામાંથી વીજળી ઉત્પન્ન કરવાના સફળ પ્રયોગ પણ થઈ રહ્યા છે. આવા સૂર્યની હાજરીમાં નદીસ્નાન એટલે જાણે સોનામાં સુગંધ ભળે. જ્યારે-જ્યારે ખુલ્લામાં સ્નાન કરવા મળે ત્યારે રાજીખુશીથી આ તક ઝડપી લેજો. પાણી, પવન અને સૂર્ય મોટાં દાનવીર છે, તેઓ જીવનદાન આપે છે અને જાણે વરદાન આપે છે. તમે કશી અપેક્ષા વગ૨ જ્યારે કોઈ જરૂરિયાતમંદને દાન આપો છો ત્યારે તમે પણ પાપમુક્ત થઈ વરુણ, વાયુ અને સૂર્ય જેવા શક્તિશાળી દેવ બની શકો છો. વર્ષો પહેલાં મહારાજા હર્ષવર્ધન કુંભમેળામાં સ્નાન કર્યા બાદ અપાર દાન પણ કરતા હતા અને તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. મકરસંક્રાન્તિએ સ્નાન સાથે દાનને પણ એટલે જ મહત્ત્વ અપાયું છે.

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

14 January, 2025 02:07 PM IST | Mumbai | Mukesh Pandya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK