આજથી શરૂ થયેલું પ્રથમ દિવ્ય સ્નાન અનેક રીતે યાદગાર બની રહેશે. સૂર્ય આજે મકર રાશિની સમીપ છે અને કાલથી આ રાશિમાં સ્થાન જમાવશે અર્થાત્ મકર સંક્રાન્તિ રચાશે
શુભ મેળો-કુંભ મેળો
કુંભ મેળો
આજથી શરૂ થયેલું પ્રથમ દિવ્ય સ્નાન અનેક રીતે યાદગાર બની રહેશે. સૂર્ય આજે મકર રાશિની સમીપ છે અને કાલથી આ રાશિમાં સ્થાન જમાવશે અર્થાત્ મકર સંક્રાન્તિ રચાશે. વળી જ્ઞાન, કદ અને વજનમાં સૌથી મોટો ગ્રહ ગુરુ તો વૃષભ રાશિમાં છે જ જેને કારણે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં અમૃતયોગ રચાયો છે. બ્રહ્માંડનાં પાંચ મહાભૂત અર્થાત્ પાંચ મહાન તત્ત્વો એટલે પૃથ્વી, જળ, અગ્નિ (સૂર્ય) વાયુ અને આકાશ. આ પાંચેય તત્ત્વોની હાજરીમાં શુદ્ધ મંત્રોના ઉચ્ચારણ સાથે કરેલું સ્નાન એળે નહીં જાય. જો તમે કુંભસ્નાનમાં હાજરી ન આપી શકો તો કોઈ અફસોસ કરવાની જરૂર નથી. મુંબઈમાં સમુદ્રસ્નાન કરીને પણ થોડો ઘણો ફાયદો ઉઠાવી જ શકશો.
ડિસેમ્બરની બાવીસમી તારીખથી જ સૂર્ય ઉત્તર તરફ ખસે છે. એમ કહોને કે પૃથ્વી દક્ષિણ તરફ ખસે છે એટલે આપણને સૂર્યનારાયણ ઉત્તર તરફ ખસતા લાગે છે. આ ઘટનાને આપણે ઉત્તરાયણ પણ કહીએ છીએ. અગાઉ સૂર્યદેવ ધન રાશિમાં હતા. આ સ્થિતિમાં તેઓ પૃથ્વી પર ત્રાંસાં કિરણો મોકલતા અને ઠંડીનું પ્રમાણ વધતું હતું. સૂર્યની ગતિ મંદ હતી જાણે ઘોડાને બદલે ખર (ખચ્ચર) પર પ્રવાસ કરી રહ્યા હોય. એટલે જ માગશર મહિનાને ખર માસ પણ કહેવાય છે. કમૂરતાં (અશુભ સમય) પણ કહેવાય છે. આ સમયે સૂર્યની સીધી દૃષ્ટિ કે હાજરી ન હોવાથી શુભ કાર્યો કરવાનું ટાળવામાં આવે છે, પણ આજથી હવે સૂર્યનો ઘોડો વિનમાં છે. સૂર્યકિરણો થનગનાટ અને ઉત્સાહથી ભરપૂર હોય છે. હવે જે ઠંડી લાગશે એ માગશર જેવી શુષ્ક નહીં હોય, પણ સૂર્યકિરણોના હૂંફથી ભરેલી હશે. આવી મિશ્ર લાગણી અનુભવવી હોય તો ખુલ્લા સ્થળે સ્નાન કરવાનું ચૂકશો નહીં. આ કારણે કુંભમેળો હોય કે ન હોય, મકર સંક્રાન્તિએ પણ નદીસ્નાનને આપણે ત્યાં ખૂબ મહત્ત્વ અપાયું છે.
ADVERTISEMENT
ધરતી પર ઊભા રહીને જળ વડે સૂસવાટા મારતા વાયુ અને અગ્નિના સ્રોત સમા સૂર્યની સાક્ષીમાં આકાશ તરફ નીરખતાં-નીરખતાં સ્નાન કરો ત્યારે આ પાંચેપાંચ મહાભૂત તમારા તનમનની ચિકિત્સા કરી રહ્યાં હોય છે અને આત્માની શ્રેષ્ઠ ગતિ માટે સુંદર માર્ગ તૈયાર કરી શકે છે. મરણ પછી માણસ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે, પરંતુ જીવતેજીવત આ પાંચ તત્ત્વોની હાજરીમાં તનમનને તરતાં મૂકવાં એ પણ જિંદગીનો અનુપમ લહાવો જ છે.
સૂર્ય અને ૫વનને માણવા માટે જ આપણે અગાશી પર કે ખુલ્લાં મેદાનો પર જઈને પતંગ ચગાવીએ છીએ. તમે પતંગ ન ચગાવતા હો તો પણ આ દિવસોમાં ખૂલ્લા સ્થાને ટહેલવા તો જવું જ જોઈએ. જે દિશાએથી પવન ફૂંકાતો હોય એ દિશામાં થોડા ખૂલતાં સુતરાઉ વસ્ત્રો પહેરીને ઊભા રહેવાથી ચહેરા સહિત પૂરા શરીરને તાજા પ્રાણવાયુનો લાભદાયી મસાજ મળી રહે છે. આ સમય દરમ્યાન ચહેરા તેમ જ શરીર પર બન્ને હાથ ઘસીને ચામડીનાં છિદ્રો ખુલ્લાં કરીને ઑક્સિજન થેરપીનો લાભ લઈ શકાય. શરીરનાં દરેક અંગોને પ્રાણવાયુ મળતાં જ ચુસ્તી-સ્ફૂર્તિમાં વધારો થાય છે.
શ્રીકૃષ્ણએ પણ ભગવદ્ગીતામાં કહ્યું છે કે પવિત્ર કરનારાઓમાં ‘પવન’ હું છું. શ્રીકૃષ્ણએ આ વાત અમસ્તી તો નહીં જ કહી હોય. શરૂઆતમાં આ વાક્યનો અર્થ મને નહોતો સમજાતો, પણ અભ્યાસ અને મનોમંથન બાદ હવે સમજાયો છે. પાવન શબ્દ જેના પરથી આવ્યો છે એ પવન પાણી કરતાં પણ શરીરને વધુ ઝડપથી અને વધુ અંદરથી શરીરને સ્વચ્છ કરી શકે છે. પાણી તો શરીરને બહારથી જ સ્વચ્છ કરે છે, પરંતુ પ્રાણવાયુ ફેફસાં વાટે અંદર જઈ લોહીને શુદ્ધ કરે છે. લોહીમાં જે કાર્બનરૂપે અશુદ્ધિ હોય એમાં ભળી જઈને કાર્બન ડાયોક્સાઇડ (અંગાર વાયુ) રૂપે ઉચ્છ્વાસ વાટે બહાર આવે છે. આમ માથાથી લઈને પગની આંગળી સુધી પહોંચતા લોહીના શુદ્ધીકરણનું કામ વાયુ દ્વારા શક્ય બને છે. જ્યાં પાણી નથી પ્રવેશી શકતું ત્યાં પવન પહોંચી જાય છે. ભોજન પચાવવામાં પણ વાયુઓ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. શરીરમાં ભોજન પચાવવા જે ઍસિડ (અગ્નિ-પિત્ત) વપરાતો હોય છે એમાં મુખ્ય ઘટક હાઇડ્રોજન જ હોય છે. એ પાચનક્રિયામાં અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ જ હાઇડ્રોજન કાર્બન જોડે ભળીને મિથેન ગૅસરૂપે મળમૂત્ર દ્વારા બહાર નીકળે છે અને શરીર સ્વચ્છ તેમ જ શુદ્ધ થતું રહે છે. આવા પવનને નાક વાટે અને ચામડી વાટે અંગેઅંગમાં ભરી શુદ્ધ થવું હોય તો ખુલ્લાં સ્થળોએ જ્યાં પવનની હાજરી વર્તાય એવી જગ્યાએ સ્નાન કરવું અતિ જરૂરી છે.
સાધુ-સંતો, નાગા બાવાઓ સહિત અનેક દેશવાસીઓ પવિત્ર નદીને કિનારે સ્નાન કરવા જાય છે એનું કારણ આ જ છે. તમને ખુલ્લામાં જળ સાથે વાયુસ્નાન કરવાની પણ ઉત્તમ તક મળે છે. ડૉક્ટરો પણ દરદીઓને હવા ખાવાના સ્થળે જઈને આરામ કરવાની સલાહ આપતા હોય છે. કુંભમેળાને અંધશ્રદ્ધા કહીને નકારનારાઓના મગજને જત જણાવવાનું કે પાપનો નાશ થાય કે ન થાય, પરંતુ તનમનને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાની તાકાત તો નદીના વહેતા જળમાં અને કિનારે વહેતા પવનમાં અવશ્ય છે જ. એમાં વળી કુંભ સમયનો અમૃતયોગ મળે એટલે જાણે સોનામાં સુગંધ ભળે છે. આ તમામ પરિબળોને કારણે શરીર સ્વસ્થ બને છે તો મન પણ શુદ્ધ બને છે, પવિત્ર બને છે. આવા પાવન થયેલા તનમનમાં પછી પાપકર્મ કરવાની ભાવના પણ ધીરે-ધીરે ક્ષીણ થતી જાય છે.
(ક્રમશઃ)