Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૧૨ : સ્નાનથી થાય જો મનની શુદ્ધિ તો ખીલે મગજની શક્તિ-બુદ્ધિ

શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૧૨ : સ્નાનથી થાય જો મનની શુદ્ધિ તો ખીલે મગજની શક્તિ-બુદ્ધિ

Published : 12 January, 2025 11:59 AM | IST | Mumbai
Mukesh Pandya | feedbackgmd@mid-day.com

માણસને મન છે એટલે જ તે મનુષ્ય કે માનવ તરીકે ઓળખાય છે. આ મન શરીર કરતાં પણ અધિક શક્તિશાળી છે.

કુંભ મેળો

શુભ મેળો-કુંભ મેળો

કુંભ મેળો


માણસને મન છે એટલે જ તે મનુષ્ય કે માનવ તરીકે ઓળખાય છે. આ મન શરીર કરતાં પણ અધિક શક્તિશાળી છે. માણસનું તન મુંબઈમાં હોય, પણ મન એક સેકન્ડમાં લંડન પહોંચી જાય. અતિ ચંચળ આ મનને જો સ્થિર અને શાંત કરી શકાય તો ઘણાં અશક્ય કાર્યો શક્ય બનાવી શકાય. ઘણી ચમત્કારિક સિદ્ધિઓ પણ મેળવી શકાય. જોકે આપણા શરીરમાં જે પાંચ ઇન્દ્રિયો છે એ મનને નચાવ્યા કરે છે. નાક, કાન, આંખ, જીભ અને ચામડી જે-જે ઇચ્છા કરે એમાં મન પણ જોડાઈને અસ્થિર થયા કરે છે. ઇન્દ્રિયો શાંત થાય તો મન પણ શાંત થાય. આ ચંચળ મનને શાંત કરવા ધ્યાનની સાથે સ્નાન પણ મહત્ત્વનું છે. ગઈ કાલે આપણે જોયું કે સ્નાનથી તન શુદ્ધ થાય છે, પરંતુ જો ઠંડા પાણીનું માથાબોળ ઘર્ષણસ્નાન કરવામાં આવે તો આપણી ઇચ્છાઓ પર ચોક્કસ ઠંડું પાણી ફરી વળે છે.


કોઈ વિજાતીય પાત્ર જોઈને મનમાં કામના જાગે, પરંતુ જો એને શાંત કરવું હોય તો સિમ્પલ છે ઠંડા પાણીના શાવર કે નળ નીચે માથું રાખીને સ્નાન કરો. કુંભસ્નાનમાં નદીની અંદર ડૂબકી મારીને માથાબોળ સ્નાન કરો. આમ કરવાથી મનની ઇચ્છાઓ અને એને કારણે મગજમાં પેદા થયેલી ઉત્તેજના અને ગરમીને શાતા મળે છે. મન અને મગજને સીધો સંબંધ છે. મન શાંત અને સ્થિર હોય તો મગજ અને બુદ્ધિ સતેજ રહે છે, પરંતુ મન ડહોળાય તો મગજ અને બુદ્ધિ પણ બહેર મારી જાય છે. તમે તો મારી ઇચ્છા-આકાંક્ષાઓ પર પાણી ફેરવી દીધું જેવાં વાક્યો તમે ઘણી વાર સાંભળ્યાં હશે. ઇચ્છાઓ પર કાબૂ રાખવો હોય તો શીતળ જળનું માથાબોળ સ્નાન આવશ્યક છે



કુંભમેળામાં જાઓ તો નાક બંધ કરીને માથું પાણીમાં બોળીને ડૂબકીસ્નાનનો લાભ અવશ્ય લેજો.


માત્ર પાંચ ઇન્દ્રિયો જ નહીં, ક્રોધ પર કાબૂ મેળવવા પણ આ જાતનું સ્નાન આવશ્યક છે. તમને ક્યારેક અતિશય ગુસ્સો આવે તો તરત આવું સ્નાન કરી લેજો. પછી જે નિર્ણય લેવો હોય એ લેજો. રોષમાં લીધેલા નિર્ણય કરતાં ટાઢાબોળ સ્નાન બાદ લીધેલો નિર્ણય વધુ સમતોલ સાબિત થશે.

આપણે ત્યાં કોઈના મૃત્યુના સમાચાર આવે ત્યારે પણ માથાબોળ નાહવાનો રિવાજ છે એ પણ લાભકારક જ છે. આઘાતજનક સમાચાર જીરવવાની તાકાત પણ આપણને આવા સ્નાનથી મળી રહે છે.


સ્નાન કર્યા બાદ પૂજા કરી હોય કે મંદિરમાં પ્રવેશ કર્યો હોય તો પૂજાપાઠમાં મન ઝડપથી લાગે છે. તનમનની શુદ્વિ બાદ એેકાગ્ર ચિત્તે ધ્યાન (મેડિટેશન) ધરવામાં મદદ મળે છે.

આ ઉપરાંત મનમાં કોઈ પ્રત્યે અદેખાઈ જાગે, તિરસ્કાર કે દ્વેષ ઉત્પન્ન થાય, અભિમાન કે અહંકાર આવી જાય તો તરત માથાબોળ શીતળ સ્નાનનો પ્રયોગ કરી લેજો.

ક્યારેક જીવનમાં કોઈ કાર્ય કે ક્ષેત્રમાં નિષ્ફળતા મળવાથી મન ગ્લાનિ અનુભવે છે અને હૈયું હતાશ થઈ જાય છે. નિરાશાની આવી પળોમાં ઘણા આત્મહત્યા કરવા પ્રેરાય છે, પરંતુ આ કોઈ કાયમી ઇલાજ નથી. નવા જન્મમાં પણ કર્મફળ ભોગવવું જ પડશે તો આ જન્મમાં જ કેમ નહીં?

હા એક ઉપાય છે. માથાબોળ શીતળ સ્નાન કરો. તમારી નિરાશાને ખંખેરીને એને ઠંડા પાણી ભેગી વહી જવા દો. ફરીથી પ્રયત્નપૂર્વક કાર્ય કરો. એક દિવસ સફળતામાં નાહવાના દિવસો પણ જરૂર આવશે.

કુંભસ્નાન કરવા આવતા નાગા બાવાઓના આરાધ્યદેવ ભગવાન શંકર છે. તેમને ગરમ અને ક્રોધી સ્વભાવના બતાવવામાં આવ્યા છે. ક્યારેક ત્રીજું લોચન ખૂલે તો ભલભલા એમાંથી નીકળતી જ્વાળામાં ભસ્મીભૂત થઈ જાય છે. મૃત્યુના અધિષ્ઠાતા દેવ હોવાથી ક્યારેક ક્રૂર નિર્ણયો પણ તેમણે લેવાના હોય છે. સમુદ્રમંથન વખતે અમૃત નીકળ્યું અને એનાં ટીપાં પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પડ્યાં જેનો લાભ લેવા આવતી કાલે સાધુઓ અને માણસોનો મહેરામણ ઊમટશે, પરંતુ આ જ સમુદ્રમંથન વખતે વિષ નીકળ્યું ત્યારે એનો કોઈ લેવાલ નહોતો. એ વખતે શિવજીએ જ એને ગ્રહણ કર્યું હતું. આથી જ તેમને ગળામાં બળતરા થઈ હતી. આથી બીજા કોઈ નહીં પણ શિવના મસ્તક પર ૨૪ કલાક શીતળ જળપ્રવાહ વહેતો રહે એવી વ્યવસ્થા છિદ્રાળુ જળપાત્રને તેમના મસ્તક પર ગોઠવીને કરવામાં આવી છે. તેમણે જ આપણને સંદેશ આપ્યો હતો કે ત્રણ વાર નાહવું અને એક વાર ખાવું. જોકે આપણે આજે તેમના સંદેશથી વિપરીત વર્તન કરી રહ્યા છીએ. નાહવાની સંખ્યા ઘટાડી છે અને ખાવાની સંખ્યા વધારી છે. આ જ કારણસર શારીરિક અને માનસિક બીમારીઓ વધતી જાય છે. ઇન્દ્રિયો બેકાબૂ બનતી જાય છે. ક્રોધ, હત્યા, નિરાશા, આત્મહત્યા, હિંસા અને બળાત્કાર જેવી ઘટનાઓ વધતી જાય છે. ટૂંકમાં કહીએ તો પાપકર્મો વધતાં જાય છે.

જો આવાં કાર્યોથી મુક્ત રહેવું હોય તો બની શકે એટલી વહેતા શીતળ પાણીમાં ડૂબકીસ્નાન કરવાની તક જ્યાં મળે, જ્યારે મળે એ ઝડપી લેજો.

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

12 January, 2025 11:59 AM IST | Mumbai | Mukesh Pandya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK