આપણે રોજિંદા જીવનમાં ઉપવાસ કરીએ છીએે એનો અર્થ એટલો જ સમજીએ છીએ કે દિવસમાં એક ટંક કે બે ટંક ન ખાવું. ભૂખ્યા રહેવું. ઘણી વાર તો આટલું પણ આપણાથી નથી થતું.
શુભ મેળો-કુંભ મેળો
કુંભ મેળો
આપણે રોજિંદા જીવનમાં ઉપવાસ કરીએ છીએે એનો અર્થ એટલો જ સમજીએ છીએ કે દિવસમાં એક ટંક કે બે ટંક ન ખાવું. ભૂખ્યા રહેવું. ઘણી વાર તો આટલું પણ આપણાથી નથી થતું. અન્નનો ત્યાગ કરીએ પણ બદલામાં રાજગરો કે શિંગોડાના લોટ કે સાબુદાણામાંથી બનતી ફરાળી વસ્તુઓ દાબીદાબીને ખાઈ લઈએ છીએ. દૂધ, ફળ કે ફળનો રસ તો છોગામાં.
ખરેખર ઉપવાસનો અર્થ છે પોતાની જાતને ભૂલીને ઈશ્વર તરફ જવું. ઈશ્વરના દરબાર તરફ વાસ કરવો. લૌકિક જગત છોડીને અલૌકિક વિશ્વમાં પ્રવેશવાની તાલીમ મેળવવી અર્થાત્ પાપકર્મ ધોવાની અને મોક્ષ મેળવવાની દિશામાં ગતિ કરવી.
ADVERTISEMENT
મહાકુંભ અને કલ્પવાસને ઊંડો સંબંધ છે. કુંભમાં કલ્પવાસ પૂર્ણ કરનારને ઈશ્વરના આશીર્વાદ મળે છે.
જોકે કલ્પવાસમાં ભક્તોએ કઠિન નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાનું હોય છે. જે લોકો આ કાર્ય શ્રદ્ધાપૂર્વક નથી કરી શકતા તેઓ ઈશ્વરને નકારે પણ છે. શહેરના એક મેયરને મળવા પણ કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે, તો સમગ્ર વિશ્વના ગુરુને મળવા કડક નિયમો પાળવા પડે એ સ્વાભાવિક છે.
આપણામાંના જ ઘણા લોકો ભલે મજાક ઉડાડે, પરંતુ આ વખતે ઍપલ કંપનીના સ્થાપક સ્વર્ગસ્થ સ્ટીવ જૉબ્સની પત્ની લૉરેન પૉવેલ સાધ્વી બનશે અને મહાકુંભમાં બે અઠવાડિયાં સુધી ધ્યાન કરશે. તે નિરંજની અખાડામાં કલ્પવાસ વિતાવશે.
વિદેશીઓને પણ જેમાં ખૂબ રસ પડે છે એ કલ્પવાસ શું છે એ જાણીએ અને સાથે જાણીએ એના કઠોર નિયમો અને મહત્ત્વ.
સોમવાર ૧૩ જાન્યુઆરીથી શરૂ થયેલો મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક પ્રસંગ કહેવાય જેમાં દેશ અને વિશ્વભરમાંથી ઋષિ-મુનિઓ અને સામાન્ય નાગરિકો ત્રિવેણી સંગમમાં એકઠા થઈને શ્રદ્ધાથી ડૂબકી લગાવી સ્નાન કરે છે.
મહાકુંભ દરમ્યાન ઘણા લોકો કલ્પવાસ કરીને મુશ્કેલ નિયમોનું પણ પાલન કરે છે. જે લોકો આ નિયમોનું શ્રદ્ધાથી પાલન કરે છે તેઓ ભગવાનના આશીર્વાદ મેળવે છે. કલ્પવાસનો નિયમ ગમે ત્યારે અપનાવી શકાય છે, પરંતુ શાસ્ત્રો અનુસાર કુંભ, મહાકુંભ અને માઘ મહિનામાં કલ્પવાસનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. કલ્પવાસને આધ્યાત્મિક વિકાસ અને શુદ્ધીકરણનું શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે.
કલ્પવાસ દરમ્યાન સંગમના કિનારે અમુક દિવસો કે આખો મહિનો રહેવું અને વેદ અભ્યાસ, ધ્યાન તેમ જ ઉપાસનામાં વ્યસ્ત રહેવું પડે છે. આ સમય દરમ્યાન ભક્તે સખત તપશ્ચર્યા કરવી પડે છે. કલ્પવાસનો સમય સંપૂર્ણપણે ભગવાનની ભક્તિ માટે સમર્પિત છે.
ઘણા લોકો મકરસંક્રાન્તિના દિવસથી કલ્પવાસ શરૂ કરે છે. સમગ્ર માઘ માસ દરમ્યાન સંગમમાં રહીને તપ, ધ્યાન, પૂજા અને અનુષ્ઠાનને કલ્પવાસ કહે છે.
કલ્પવાસના નિયમો ખૂબ કડક છે. કલ્પવાસ કરનાર વ્યક્તિએ સફેદ કે પીળા રંગનાં વસ્ત્રો પહેરવાં જોઈએ. કલ્પવાસની સૌથી ટૂંકી સમયમર્યાદા એક રાત છે. આ સાથે એની અવધિ ત્રણ રાત, ત્રણ મહિના, છ મહિના, છ વર્ષ, બાર વર્ષ અથવા આખું જીવન પણ હોઈ શકે છે. પદ્મપુરાણમાં વર્ણવેલા કલ્પવાસના ૨૧ નિયમો છે. જે વ્યક્તિ ૪૫ દિવસ સુધી કલ્પવાસનું પાલન કરે છે તેને માટે નીચેના તમામ ૨૧ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.
સત્ય બોલવું, અહિંસા પાળવી. ઇન્દ્રિયો પર સંયમ રાખવો. દરેક જીવો પ્રત્યે દયાભાવ રાખવો, બ્રહ્મચર્યનું પાલન કરવું, વ્યસનોથી દૂર રહેવું, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, પવિત્ર નદીમાં નિયમિત ત્રણ વખત સ્નાન કરવું, ત્રિકાળ સંધ્યાનું ધ્યાન કરવું, પૂર્વજોનું પિંડદાન કરવું. અંતર્મુખી રહેવું, જપ, સત્સંગ કરવો. નિર્ધારિત ક્ષેત્રની બહાર ન જવું, કોઈની પણ નિંદા ન કરવી, સંતો અને તપસ્વીઓની સેવા કરવી. જમીન પર સૂઈ રહેવું. એક ટંક સાત્ત્વિક ભોજન લેવું વગેરે વગેરે.
જે વ્યક્તિ ભક્તિ સાથે કલ્પવાસના નિયમોનું પાલન કરે છે તે ઇચ્છિત પરિણામ મેળવવાની સાથે જન્મ પછીના જીવનનાં બંધનોમાંથી મુક્તિ મેળવે છે.
શું છે આ કલ્યવાસની વૈજ્ઞાનિકતા એ હવે જાણીએ...
(ક્રમશઃ)