જુહુમાં પ્રસિદ્ધ ઇસ્કૉન મંદિરની બરોબર સામે આવેલું હોવા છતાં આ ૭ માળનું અને ૧૦૮ મૂર્તિઓ સાથેનું શ્રી મુક્તેશ્વર દેવાલય મુંબઈના હિડન ટેમ્પલ્સમાંનું એક છે
આ મંદિરનું મુખ્ય દ્વાર છે જેની બન્ને તરફ વિશાળ હાથી બનાવવામાં આવ્યા છે. જાણે ભગવાનને પોતાના પગથી નમન કરી રહ્યા હોય એ રીતે હાથીને બનાવવામાં આવ્યા છે.
મુંબઈમાં જુહુના ઇસ્કૉન મંદિરનું નામ પ્રસિદ્ધ અને લોકપ્રિય મંદિરોની યાદીમાં આવે છે, પણ એની બરોબર સામેની તરફ આવેલું શ્રી મુક્તેશ્વર દેવાલય જે પોતે એક અજાયબીથી ઓછું નથી એના વિશે ઘણા ઓછા લોકોને જાણ છે. જોકે હકીકતમાં મુક્તેશ્વર દેવાલય તો ઇસ્કૉન મંદિર કરતાં પણ જૂનો ઇતિહાસ ધરાવે છે. લગભગ ૪૦૦ વર્ષ જૂના અને ૭ માળના આ મંદિરમાં અનેક દેવી-દેવતા, ઋષિ-મુનિ, નવગ્રહ સહિત લગભગ દરેક ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. બહારથી સામાન્ય લાગતા આ મંદિરમાં પ્રવેશ્યા બાદ જ એના વૈભવ અને ભવ્યતાના સાક્ષી બની શકાય છે. ૭ માળના આ મંદિરના દરેક ફ્લોર પર સનાતન સંસ્કૃતિનાં દર્શન થાય છે. દેશનું તો ખબર નથી, પણ મહારાષ્ટ્રનું આ એકમાત્ર વિશાળ મંદિર છે જ્યાં દરેક પૂજનીય અને અલૌકિક મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવી છે.