શિવ શબ્દનો અર્થ આપણે બધા જ જાણીએ છીએ. કલ્યાણ. બીજાના કલ્યાણની ભાવના જ્યારે આપણા હૃદયમાં જાગે એ પ્રત્યેક ક્ષણ શિવરાત્રિ છે.
પ્રતીકાત્મક તસવીર
શિવરાત્રિ એ દિવસ છે જે દિવસે ભગવાન શંકર આ જગતને પ્રથમ વાર દેખાયા અને ભગવાન શંકરના શિવલિંગની પૂજા પ્રથમ વાર થઈ.
શિવ શબ્દનો અર્થ આપણે બધા જ જાણીએ છીએ. કલ્યાણ. બીજાના કલ્યાણની ભાવના જ્યારે આપણા હૃદયમાં જાગે એ પ્રત્યેક ક્ષણ શિવરાત્રિ છે. આપણે પણ શિવ છીએ, પરંતુ આપણું ચિત્ત અને મન એ પ્રેરણા થવા દેતાં નથી, એ બોધ થવા નથી દેતાં એટલા માટે આપણે આપણી જાતને જીવ માની બેઠા છીએ.
ADVERTISEMENT
આપણામાં પણ બીજાના કલ્યાણની ભાવના છે, પરંતુ એ ભાવના ક્યારેક-ક્યારેક જન્મે છે. જેમ વાદળોમાં વીજળી થાય એમ ક્યારેક-ક્યારેક જ આપણા મનમાં, આપણા ચિત્તમાં બીજાના કલ્યાણની ભાવના ઉત્પન્ન થાય. એટલા માટે આપણે શિવ તો છીએ પણ નિરંતર શિવ નથી, જ્યારે ભગવાન શંકરની પ્રત્યેક ક્ષણ બીજાના કલ્યાણ માટે છે. તેમના પ્રત્યેક વિચારો બીજાના કલ્યાણ માટે છે, તેમનું કર્તૃત્વ અને વક્તૃત્વ બન્ને બીજાના કલ્યાણ માટે છે અને સદાય માટે છે એટલા માટે તે સદાશિવ છે. ભગવાન શંકર પાસેથી માગવા જેવી અને જાણવા જેવી ઘણીબધી વાતો છે. ભગવાન શંકર સંપૂર્ણ અહિંસાના ભગવાન છે જેમના હૃદયમાં કોઈ પણ પ્રત્યે દ્વેષ નથી, સમતા છે, પ્રેમ છે, બધા માટે કરુણા છે. એટલા માટે તે સદાશિવ છે, ભગવાન શંકરનું વાહન નંદી છે અને પાર્વતીજીનું વાહન સિંહ છે. બન્ને જન્મજાત વેરી હોવા છતાં એકસાથે રહે છે, ભગવાન કાર્તિકેયનું વાહન મોર છે અને ભગવાન શંકરના ગળામાં સર્પ છે, બન્ને વેરી છતાં એકસાથે રહે છે. ભગવાન શંકરના ગળામાં ભુજંગ છે અને ગણપતિનું વાહન ઉંદર છે છતાં બન્ને સાથે રહે છે. ભગવાન શંકરના ગળામાં વિષ છે અને ચંદ્રમા જટામાં વિરાજે છે એ અમૃતમય છે. આ બધા વિરુદ્ધ સ્વભાવના હોવા છતાં એકસાથે રહે છે કારણ કે તેમનો નાથ સદાશિવ છે. આ ઝીણી-ઝીણી બાબતો પર ધ્યાન આપીએ તો ભગવાન શંકર પાસેથી ઘણુંબધું જાણવા મળે, જોવા મળે, સમજવા મળે. ભગવાન શંકર તો અસીમ દરિયો છે અને આપણી બુદ્ધિ તો એમાં તરતી માછલી છે, કેમ પાર પામી શકીએ?
પણ છતાં એ ભગવાન શંકર, એ સદાશિવમાંથી એક નાનો અંશ પણ આપણા જીવનમાં આવી જાય તો આપણું જીવન પણ ધન્ય થઈ જાય. આ શિવરાત્રિના પરમ પાવન અવસરે ભગવાન શંકરનાં ચરણોમાં આપ સૌના મંગલની અને કલ્યાણની ભાવના સાથે અસ્તુ ૐ નમઃ શિવાય. -આશિષ વ્યાસ

