રક્ષાબંધને અહીં ખૂબ મોટો ઉત્સવ મનાવાય છે તેમ જ હજારો સ્ત્રીઓ સુંદર વૈવાહિક જીવનના આશીર્વાદ લેવા બલભદ્રજીને રક્ષાસૂત્ર અર્પણ કરે છે
તીર્થાટન
બલરામ મંદિર
કહેવાય છે કે ‘દાઉજી કૃપા કરે તો જ મુરલીધરની ભક્તિ પ્રાપ્ત થાય...’ શ્રીકૃષ્ણ અને સુભદ્રાના બડે ભૈયા બલરામ નટખટ નંદકિશોરની દરેક લીલામાં તેમની જોડે ને જોડે જ હતા. બાળપણમાં કાલિયા નાગનું દમન હોય કે મહાભારતનો ભીષણ સંગ્રામ, બલભદ્ર સદાય મોહનના પડછાયાની જેમ તેમની સાથે રહ્યા. તેઓ એ યુગના સર્વશ્રેષ્ઠ ગદાધર, અસીમ બળવાન અને અજેય યોદ્ધા હતા. એ સાથે જ તેમના હાથમાં હળ હોવાથી તેઓ જગતના તાત (ખેડૂત) પણ કહેવાય છે. વિષ્ણુપુરાણ તથા ભાગવતપુરાણમાં જણાવાયું છે કે બલરામ ભગવાન વિષ્ણુનો જ અંશાવતાર હતા.