પર્યુષણના સાધના સિલેબસના પ્રમુખ ચેપ્ટર માટે ચાલો થોડી કસરત કરીએ
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
માસક્ષમણના તપ કરતાં અઘરું શું? જેની સાથે અબોલા હોય તેના ઘરે જઈને એક કપ ચા પીવી! શત્રુંજય ગિરિરાજની ૯૯ યાત્રા કરતાં કઠિન શું? અણબનાવ હોય એવી કોઈ વ્યક્તિના ઘરનાં પગથિયાં ચડવાં! જૈનોના પર્યુષણ એક મહાન સંદેશો લઈને આવે છે. સંવત્સરીનું પ્રતિક્રમણ એટલે અંતરનું ઇન્ટર્નલ ઑડિટ! સંબંધોના વાર્ષિક સરવૈયા જો બનતા હોય તો કંઈ કેટલીયે લાગણીઓ રિકવર કરવાની બાકી દેખાશે, કેટલીક તો ઘાલખાધ ખાતે દેખાતી હશે.
પર્યુષણના અંતિમ પ્રતિક્રમણ પૂર્વે સર્વ જીવો સાથે ક્ષમાપના કરવાની વાત પૂર્ણપણે ધાર્મિક હોવા સાથે સંપૂર્ણપણે સ્વચ્છ સામાજિકતા અને સંબંધોની સંવાદિતાનું એક મહત્ત્વનું સાધન છે. તપ ન થઈ શકતું હોય એના માટે અન્ય ઑપ્શન્સ જણાવતાં શાસ્ત્રોમાં ક્યાંય ક્ષમા ન થઈ શકે એના ઑપ્શન્સ દર્શાવ્યા નથી. આનો અર્થ એ થયો કે ક્ષમા આપવી-લેવી અને કરવી એ ફરજિયાત ધર્મ છે.
જીવન એટલે ઘટના પ્રસંગોનું વહેતું ઝરણું! કોઈ પ્રસંગે મનમાં વળી ગયેલી ગાંઠ, પછી ખોલવી અઘરી હોય છે. પર્યુષણના સાધના સિલેબસના પ્રમુખ ચેપ્ટર માટે ચાલો થોડી કસરત કરીએ.
ADVERTISEMENT
(૧) ક્ષમા એ સોદો નથી, પણ સાધના છે. પેલો માફી માગે તો જ હું આપીશ એવી કોઈ કન્ડિશનને સાધનામાં સ્થાન નથી.
(૨) વેર એ સળગતું લાકડું છે જેને બે છેડે બે જણે પકડ્યું છે જે સમજદાર હશે તે છોડી દેશે. સામી વ્યક્તિ છોડે એની રાહ ન જોવાય.
(૩) જો ક્ષમા કરવી છે તો અપરાધની શરૂઆત કોણે કરી હતી અને અપરાધનું કદ કેટલું હતું એ વિચારવું નહીં.
(૪) ભૂલ ઇરાદા વગર થઈ શકે, ક્ષમા ઇરાદાપૂર્વક જ થાય છે. દરેક પ્રવૃત્તિમાં ઇરાદો મહત્ત્વનો છે.
(૫) અન્યને ‘Sorry’ કહેવાથી એ પુરવાર નથી થતું કે આપણે ખોટા કે તે સાચા હતા. પુરવાર એટલું જ થાય છે કે હું મારા પર્સનલ ઇગો કરતાં મારા સંબંધોને પ્રાયોરિટી આપવા તૈયાર છું.
શબ્દો પકડી રાખવા કે ઘટનાઓને યાદ રાખવી એ મેદાન પર છૂટેલા કૅચ જેવી ઘટના છે. તમારે એને ભૂલીને જ આગળ વધવું રહ્યું. જબાન મળી છે એ બોલાચાલી માટે નથી મળી, એમ અબોલા રાખવા માટે પણ નથી મળી.
ચાલો, વગર કારણે ઊભા કરેલા આઇસોલેશનનો આજે અંત લાવીએ અને વગર કોરોનાએ પ્રયત્નપૂર્વક જાળવી રાખેલા સોશ્યલ ડિસ્ટન્સિંગ વિથ સ્પેસિફિકેશનને મિટાવી દઈએ.
નોંધ: એક અંદાજ પ્રમાણે ‘ક્ષમા’ નામની કોર્ટના પ્રાંગણમાં દર વર્ષે, એક મેટ્રોપૉલિટન કોર્ટમાં ચાલતા હોય એથી વધુ Cases dissolve થાય છે. મિચ્છા મિ દુક્કડંના એક છેડે મર્દાનગી છે અને બીજે છેડે મૈત્રી.