સમયે સભામંડપમાંથી રસોડામાં પ્રવેશેલા પ્રમુખસ્વામી મહારાજ પળવારમાં પરિસ્થિતિ પારખી ગયા એટલે તેઓ સંતની નજીક ગયા અને તેમને કહ્યું, ‘લાવો, હું શીખવાડું...’
પ્રતીકાત્મક તસવીર
૧૯૬૮ની વાત છે. પ્રમુખસ્વામી મહારાજ લીંબડી ગામે પધાર્યા હતા. અહીં તેઓ મંદિરના સભાગૃહમાં પ્રવચન કરતા એક સંતની કથા સાંભળવા બેઠા. રસોઈમાં ભક્તોની ઇચ્છા પ્રમાણે માલપૂડા બનાવવાના હતા જેની માટે એક સંત અંદર રસોડામાં ખીરું બનાવવા ગયો પણ તેમનાથી બને જ નહીં. આ જ સમયે સભામંડપમાંથી રસોડામાં પ્રવેશેલા પ્રમુખસ્વામી મહારાજ પળવારમાં પરિસ્થિતિ પારખી ગયા એટલે તેઓ સંતની નજીક ગયા અને તેમને કહ્યું, ‘લાવો, હું શીખવાડું...’
પ્રમુખસ્વામી પોતે માલપૂડા બનાવવા બેસી ગયા. માલપૂડા બનાવતા જાય અને સાથે-સાથે પેલા સંતને પણ શીખવતા જાય. એકાદ કલાક ચાલેલી આ પ્રક્રિયા બાદ સંતને ફાવટ આવી જતાં તેઓને કાર્ય સોંપી પ્રમુખસ્વામી મહારાજ પુનઃ સભાગૃહમાં આવી ગયા.
ADVERTISEMENT
અહીં જોઈ શકાય છે કે અન્યને તૈયાર કરવા સ્વામીશ્રી સ્વયં ધીરા પડ્યા અને આ જ લીડરની નિશાની છે. બૉસ ભાગે, પણ લીડર પોતાની ટીમની આવશ્યકતા મુજબ ધીરા પડે. અનેકવિધ જવાબદારીભરી પ્રવૃત્તિઓનો કાર્યભાર સંભાળવા છતાં પ્રમુખસ્વામી રસોઈ બનાવવા જેવી ક્રિયામાં પણ પ્રવૃત્ત થઈ શક્યા, તેઓના જીવનમાં આવા તો કંઈક પ્રસંગો બન્યા છે જેમાં તેઓએ માટલું વીછળવાથી માંડીને બાળકોને એકડો ઘૂંટાવવા સુધીની ક્રિયામાં રસ લીધો હોય.
પ્રમુખસ્વામી મહારાજ બોટાદમાં એક હરિભક્તના ઘરે પધાર્યા ત્યારે આ મુરબ્બીનો પૌત્ર ટૂંક સમયમાં જ નિશાળનાં પગથિયાં ચડવાનો હતો. આ જાણી સ્વામીશ્રીએ તેના હાથમાં પાટીની પેન આપી, પછી તેનો નાનો હાથ પોતાના હાથ વડે પકડી પાટી પર એકડો ઘૂંટાવ્યો. Slow down અર્થાત્ ‘ધીરા પડો’નું વધુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ.
મૅનેજમેન્ટના વિદ્વાન જૉન મૅક્સવેલ કહે છે કે Leaders are not necessarily the first to cross the finish line. Leaders are the first to bring all of their people across the finish line. જરૂરી નથી કે નેતા પોતે સીમાંકન રેખા ઓળંગવામાં પ્રથમ રહે, હકીકતે નેતા એ છે કે જે પોતાના બધા સાથીઓ સીમાંકન રેખા ઓળંગી શકે અને સક્ષમતા સાથે અગ્રીમ રહે એવા તૈયાર કરે.
પ્રમુખસ્વામી મહારાજ આ જ પદ્ધતિથી કાર્ય કરનારા હતા, એથી જ તેઓ પોતાના સંત વૃંદમાં અવ્વલ દરજ્જાના સ્થપતિઓ, ઉત્તમ કક્ષાના વિદ્વાનો, શ્રેષ્ઠ પાકશાસ્ત્રીઓ, નિષ્ણાત કથાકારો, નિપુણ સંગીતકારો વગેરે સર્જી શક્યા. અન્યનાં કળા-કૌશલ્યને ખીલવનારું તેઓનું આ મૅનેજમેન્ટ સૌ માટે જેટલું મનનીય છે એટલું જ અનુસરણીય પણ અને એટલે જ કહેવાનું, જરૂર પડ્યે ધીમા પડે એ જ સાચો લીડર.
-પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સ્વામીનારાયણ સંસ્થા

