અહીં કાર્તિકી પૂર્ણિમાના દિવસે વારાણસી જેવી ભવ્ય ગંગા આરતી થાય છે જેનો લહાવો લેવા હજારો લોકો ઘાટ પર પહોંચી જાય છે
બાણગંગા ઘાટ પર પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવા એકઠા થયેલા શ્રદ્ધાળુઓ (તસવીરો : અનુરાગ અહિરે)
શ્રાદ્ધ પક્ષમાં કાશી, ગયા કે હરિદ્વાર જવાનું બધા માટે શક્ય હોતું નથી ત્યારે મુંબઈમાં ગંગા નદી જેટલું જ મહત્ત્વ ધરાવતા બાણગંગાના તળાવમાં પિતૃતર્પણ કરવા માટે દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે. લોકવાયકાઓ મુજબ આ તળાવના તાર રામાયણ સાથે જોડાયેલા છે. વિવિધ નાનાં-મોટાં મંદિરો અને સુંદર ઘાટથી ઘેરાયેલું આ પવિત્ર તળાવ આજે પણ અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં કાર્તિકી પૂર્ણિમાના દિવસે વારાણસી જેવી ભવ્ય ગંગા આરતી થાય છે જેનો લહાવો લેવા હજારો લોકો ઘાટ પર પહોંચી જાય છે.
દક્ષિણ મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં આવેલા બાણગંગા તળાવની મુલાકાત લેવા પર એવો અનુભવ થાય કે સમય જાણે વર્ષોથી અહીં થંભેલો છે. તળાવ, ઘાટ, ચારે બાજુ આવેલાં મંદિરો. એટલે જ એને મુંબઈના કાશીની ઉપમા પણ શ્રદ્ધાળુઓ આપે છે. અહીં આવ્યા બાદ તમે મુંબઈના શોરબકોરથી દૂર થઈ જશો અને મનની શાંતિનો અનુભવ કરશો. આજે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા પૌરાણિક બાળગંગા તળાવ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીએ.
ADVERTISEMENT
રામાયણ સાથે કનેક્શન
બાણગંગા તળાવ સાથે જોડાયેલી લોકવાયકા વિશે વાત કરતાં શહેરની હેરિટેજ ટૂર કરાવતા ખાકી ટૂર્સના રિસર્ચ અને કન્ટેન્ટ હેડ કૈવાન ઉમરીગર કહે છે, ‘લોકવાયકા મુજબ એવું કહેવાય છે કે રાવણ સીતામાતાનું હરણ કરીને લઈ ગયો એ પછી ભગવાન રામ અને લક્ષ્મણ તેમની ખોજમાં નીકળ્યા. ચાલતાં-ચાલતાં તેઓ મુંબઈના આ પવિત્ર સ્થળે પહોંચ્યા હતા. ભગવાન રામને તરસ લાગી હતી અને નજીકમાં પીવાલાયક પાણી ક્યાંય હતું નહીં એટલે તેમણે જમીન પર બાણ માર્યું અને પાતાળમાંથી ગંગાનું પાણી પ્રગટ થયું. આ જગ્યા એટલે જ આજનું બાણગંગા.’
બાણગંગાના કિનારે વાલકેશ્વર મંદિર આવેલું છે અને એ પણ રામાયણકાળ જેટલું પૌરાણિક મહત્ત્વ ધરાવે છે. એ વિશે પણ રસપ્રદ માહિતી આપતાં કૈવાન ઉમરીગર કહે છે, ‘લોકવાયકા મુજબ માતા સીતાને શોધવામાં સફળતા મળે એ માટે ગૌતમ ઋષિએ ભગવાન રામને શિવલિંગની સ્થાપના કરીને પૂજા કરવાની સલાહ આપી હતી. પૂજા માટે શિવલિંગ લાવવા ભગવાન રામે લક્ષ્મણને બનારસ મોકલ્યા. જોકે શિવલિંગ લઈને પાછા ફરવામાં લક્ષ્મણને મોડું થઈ ગયું એટલે ભગવાન રામે પોતાના હાથે જ માટીનું શિવલિંગ બનાવી નાખ્યું. હાલમાં વાલકેશ્વર મંદિરમાં જે શિવલિંગ છે એ પથ્થરનું બનેલું છે. એવું કહેવાય છે કે આ એ જ શિવલિંગ છે જે લક્ષ્મણ બનારસથી લાવ્યા હતા. એની સ્થાપના માટીના શિવલિંગની બાજુમાં કરવામાં આવી હતી. વાલકેશ્વરને લક્ષ્મણેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષો બાદ પોર્ટુગીઝોએ મુંબઈ પર આક્રમણ કર્યું ત્યારે આ શિવલિંગ રહસ્યમય રીતે નજીકના સમુદ્રમાં વિસર્જિત થઈ ગયું હતું. ભગવાન રામે માટીનું જે શિવલિંગ બનાવીને અહીં સ્થાપિત કર્યું હતું એના પરથી જ આ વિસ્તારનું નામ વાલકેશ્વર પડ્યું છે. વાળુ એટલે માટી. માટીના ઈશ્વર પરથી આ વિસ્તારનું નામ પડ્યું વાળુકેશ્વર અને સમય સાથે બદલાઈને એ વાલકેશ્વર થઈ ગયું.’
બાણગંગાનો ઇતિહાસ
હાલમાં બાણગંગાની માલિકી ગૌડ સારસ્વત બ્રાહ્મણ ટેમ્પલ ટ્રસ્ટના હાથમાં છે. આ ટ્રસ્ટ ૧૮૭૯થી અસ્તિત્વમાં છે. બાણગંગાને હેરિટેજનો દરજ્જો મળેલો છે. બાણગંગાના ઇતિહાસ વિશે માહિતી આપતાં ગૌડ સારસ્વત બ્રાહ્મણ ટેમ્પલ ટ્રસ્ટના સેક્રેટરી અને હોલ્ડિંગ ટ્રસ્ટી શશાંક ગુળગુળે કહે છે, ‘સૌપ્રથમ બાણગંગા અને વાલકેશ્વર મંદિરનું નિર્માણ બારમી સદીમાં સિલહારા વંશના શાસકે કરાવ્યું હતું. સેંકડો વર્ષો બાદ પોર્ટુગીઝોએ મંદિર પર આક્રમણ કરીને એનો વિનાશ કર્યો. એ પછી ફરી અઢારમી સદીમાં મુંબઈના વેપારી અને દાનેશ્વરી રામ કામત (જે ગૌડ સારસ્વત બ્રાહ્મણ હતા)એ મંદિર અને તળાવનું પુન:બાંધકામ કર્યું હતું. એ પછીથી તો અનેક વાર રિનોવેશનનું કામ હાથમાં ધરાયું.’
બાણગંગાની આજની સ્થિતિ
બાણગંગાની વર્તમાન સ્થિતિનો તાગ આપતાં કૈવાન ઉમરીગર કહે છે, ‘બાણગંગાની ખાસિયત એ છે કે એ અરબી સમુદ્રથી થોડા જ અંતરે છે, પણ એમ છતાં તળાવના ઉત્તર-પૂર્વ ખૂણામાંથી કુદરતી રીતે મીઠા પાણીનો પુરવઠો થાય છે. વાલ્વની મદદથી તળાવમાં પાણીના ફ્લોને મેઇન્ટેઇન કરવાનું કામ કરવામાં આવે છે. બાણગંગાના કિનારે વાલકેશ્વર મંદિર તો છે જ; પણ એ સિવાય શ્રી જાગનાથ મહાદેવ મંદિર, શ્રી જબ્રેશ્વર મહાદેવ મંદિર, શ્રી વ્યન્કટેશ બાલાજી મંદિર, શ્રી મહાલક્ષ્મી મંદિર જેવાં અનેક નાનાં-મોટાં વર્ષો જૂનાં મંદિરો આવેલાં છે. આનું કારણ એ છે કે પોર્ટુગીઝોએ આપણાં મંદિરોની તોડફોડ કરી, પણ બ્રિટિશરોએ લોકોને તેમના ધર્મનું અનુકરણ કરવા પર કોઈ પાબંદી મૂકી નહોતી. મુંબઈમાં વેપાર ફૂલેફાલે એ માટે બ્રિટિશરોએ ખાસ વેપાર કરવા માટે ગુજરાત અને ગોવાના વેપારીઓને મુંબઈમાં આવીને સેટલ થવાનું આમંત્રણ આપ્યું હતું. એટલે એ સમયગાળામાં બાણગંગાની આસપાસ આવેલાં જૂનાં મંદિરોનું પુન:નિર્માણ પણ થયું અને મુંબઈના વેપારીઓ દ્વારા સમય સાથે નવાં મંદિરો પણ બંધાવવામાં આવ્યાં. એ સિવાય બાણગંગાની ફરતે દીપ સ્તંભો પણ છે જ્યાં અગાઉ મહત્ત્વના તહેવારો હોય ત્યારે દીવાઓ મૂકવામાં આવતા હતા, પણ આજકાલ એ સૂના પડ્યા છે. બાણગંગાની આસપાસ અનેક ધર્મશાળાઓ છે, પણ એમાંથી મોટા ભાગની ધર્મશાળાઓ લોકોના કાયમી નિવાસસ્થાનમાં પરિવર્તિત થઈ ગઈ છે.’
ધાર્મિક મહત્ત્વ
શ્રાદ્ધ પક્ષના સમયગાળામાં બાણગંગા તળાવ ખાતે કેવી ગતિવિધિઓ ચાલતી હોય છે એ વિશે વાત કરતાં શશાંક ગુળગુળે કહે છે, ‘બાણગંગાના ઘાટ પર લોકો પૂર્વજોનું તર્પણ, પિંડદાન અને પૂજાપાઠ કરવા માટે મોટી સંખ્યામાં આવે છે. ખાસ કરીને શ્રાદ્ધના છેલ્લા દિવસે એટલે કે સર્વ પિતૃ અમાસના દિવસે લોકોની ભીડ વધુ હોય છે. શ્રાદ્ધના સમયગાળામાં પિંડદાન વિધિ માટે આવતા લોકોના મુંડન માટે રસ્તાની બન્ને બાજુ ૨૦૦ જેટલા વાળંદ બેસે છે. મુંડન બાદ તેઓ બાણગંગામાં ડૂબકી લગાવીને સ્નાન કરે છે. એ પછી પંડિત ઘાટ પર તેમને પિતૃતર્પણ પૂજાવિધિ કરાવે છે. શ્રાદ્ધના દિવસોમાં અંદાજે આઠ-દસ હજાર લોકો બાણગંગા ઘાટ પર આવે છે.’
પ્રદૂષણ ચિંતાનો વિષય
બાણગંગા પવિત્ર ધર્મસ્થળ છે, એમ છતાં અહીં પ્રદૂષણનો પગપેસારો છે. આ સમસ્યા વિશે વાત કરતાં શશાંક ગુળગુળે કહે છે, ‘બાણગંગા તળાવમાં વધતું જતું પ્રદૂષણ ચિંતાનો વિષય છે. શ્રાદ્ધના સમયમાં પૂજાવિધિ માટે આવતા લોકો બાણગંગા તળાવમાં અસ્થિઓ, લોટના પિંડ, ફૂલો બધું પધરાવે છે. મુંડન બાદ તળાવમાં સ્નાન કરવા ઊતરે એટલે શરીર પર ચોંટેલા વાળ પણ પાણીમાં જાય. આ બધાને કારણે તળાવ એટલું ગંદું થઈ જાય છે કે તળાવની માછલીઓ સુધી ઑક્સિજન પહોંચતો નથી એટલે ઘણી માછલીઓ મરી જાય છે. ઘાટ પર પણ કાગડાઓ માટે ગાંઠિયા, ખીર જેવી ખાવાની સામગ્રી નાખવામાં આવતી હોય છે. એ સિવાય ઘણા શ્રદ્ધાળુઓ ગણપતિની મૂર્તિનું વિસર્જન પણ બાણગંગામાં કરે છે. જોકે જ્યારથી BMCએ વિસર્જન માટે કૃત્રિમ તળાવો ઊભાં કર્યાં છે ત્યારથી અહીં વિસર્જન માટે આવતા ભાવિકોની સંખ્યા ઘટી છે. આ સ્થળ લોકોની આસ્થા સાથે જોડાયેલું હોવાથી તેમને ધાર્મિક વિધિઓ કરતા રોકી શકાય નહીં, પણ ટ્રસ્ટ અને BMC સાથે મળીને બાણગંગા ખાતે સ્વચ્છતા જાળવવાના બનતા પ્રયાસો કરે છે.’
રીસ્ટોરેશનનું કામ ચાલુ
હેરિટેજ સ્ટ્રક્ચરની કૅટેગરીમાં આવતા બાણગંગાની હાલત બિસમાર થઈ ગઈ છે, પણ એના રીસ્ટોરેશન પ્રોજેક્ટ પર ટ્રસ્ટ અને BMC સાથે મળીને કામ કરી રહ્યાં છે. આ વિશે વધુ પ્રકાશ પાડતાં શશાંક ગુળગુળે કહે છે, ‘બાણગંગાની કાયાપલટના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આમાં તળાવની આસપાસ આવેલાં પગથિયાં (ઘાટ) અને તળાવની ફરતે આવેલા દીપસ્તંભો છે એનું સમારકામ કરવામાં આવશે. એ સિવાય તળાવની પરિક્રમા માટે તળાવની ગોળ ફરતે એક રોડ બાંધવામાં આવશે, જે ભક્તિ-પરિક્રમા માર્ગ તરીકે ઓળખાશે. બાણગંગા તળાવ અને અરબી સમુદ્ર વચ્ચે એક કૉરિડોર ઊભો કરવામાં આવશે, જેથી અહીં આવતા લોકો બ્રિજના એક છેડેથી બીજા છેડા સુધી આવીને સમુદ્ર અને તળાવ બન્નેનો નજારો માણી શકે.’
દેવદિવાળીની મહાઆરતી અદ્ભુત અને અલૌકિક
કાર્તિકી પૂર્ણિમાએ એટલે કે દેવદિવાળીના દિવસે પણ મહાઆરતી જોવા માટે બાણગંગા ઘાટ પર શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. આ વિશે વાત કરતાં શશાંક ગુળગુળે કહે છે, ‘બાણગંગામાં થતી મહાઆરતીનો પણ જીવનમાં એક વાર અનુભવ લેવા જેવો છે. દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાના દિવસે એનું આયોજન થાય છે. વારાણસીમાં જે ભવ્યતા સાથે ગંગા આરતી થાય છે એવી જ રીતે બાણગંગામાં પણ થાય છે. એટલે ગંગા આરતીનો લહાવો લેવા માટે વારાણસી ન જવાય તો વાલકેશ્વર તો આવી જ શકાય. આરતી માટે ખાસ અમે વારાણસીથી પૂજારીઓને આમંત્રિત કરીએ છીએ, સંત-મહાત્માઓને મુખ્ય અતિથિરૂપે આમંત્રિત કરીએ છીએ. હજારો દીવાઓથી ઘાટને શણગારવામાં આવે છે.’