ઝાંસી નજીક દતિયા ગામે બિરાજતાં પીતાંબરા માતા જીત અપાવતાં દેવી ગણાય છે. શત્રુનો નાશ કરીને વિજયનો તાજ પહેરાવતાં આ માતાના મઢમાં વિશ્વના એકમાત્ર ધૂમાવતી માતાના મંદિર સાથે મહાભારત કાલીન વનખંડેશ્વર મહાદેવનાં બેસણાં પણ છે
તીર્થાટન
મા બગલામુખી
ચૈત્રી તહેવારોની બૌછાર વચ્ચે લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણીઓ આવવાથી મધ્ય પ્રદેશના દતિયામાં યાત્રાળુઓ સાથે રાજકારણીઓનું આવાગમન પણ વધી ગયું છે (અફકોર્સ, બિનસત્તાવાર મુલાકાત), કારણ કે અહીં સ્થાપિત બગલામુખી માતા રાજ્યસત્તાનું સુખ અપાવતાં દેવી કહેવાય છે. શત્રુનું શમન કરતાં પીતાંબરા માતા સ્થાનિક લોકો સહિત ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના દરેક સ્તરના અનેક રાજનેતાઓનાં આરાધ્ય દેવી છે. મા બગલામુખી ૧૦ મહાવિદ્યાઓમાં આઠમા નંબરનાં અને દસેદસ મહાવિદ્યાઓમાં શક્તિશાળી માઈ છે. વલ્ગા (અર્થાત્ લગામ લગાવવી)નું અપભ્રંશ અને મુખી (અર્થાત્ મોઢું) એમ બે શબ્દોના સંયોજનથી બનેલું નામ ધરાવતાં બગલામુખી માતામાં દુશ્મનોને ચૂપ કરાવવાની શક્તિ હોવાનું કહેવાય છે. આસામના ગુવાહાટીમાં આવેલું કામાખ્યા મંદિર, હિમાચલ પ્રદેશના કાંગડાનું બગલામુખી ટેમ્પલ, મધ્ય પ્રદેશના જ નલખેડા તેમ જ દતિયાની પીતાંબરા પીઠ માતા બગલામુખીને સમર્પિત મુખ્ય મંદિરો છે. પીળા રંગ સાથે અતૂટ સંબંધ હોવાથી બગલામુખી માતાને પીતાંબરા માતા પણ કહેવાય છે. એમાંય દતિયાની સિદ્ધપીઠ તો પીતાંબરા પીઠ તરીકે જ ઓળખાય છે. એ જ રીતે અહીંનાં માતાજી પણ દુશ્મનોને હરાવનારાં માતાજી તરીકે વધુ પ્રખ્યાત છે. દતિયાનાં મા પીતાંબરા રાજસત્તાની પ્રાપ્તિ માટે વિખ્યાત કેમ છે? એના જવાબમાં અહીં પંડિત તરીકે કાર્યરત પાઠકજી ‘મિડ-ડે’ને કહે છે, ‘મા બગલામુખી શત્રુનાશનાં અધિષ્ઠાત્રી દેવી છે એ સર્વવિદિત છે. આ મહાવિદ્યાની પૂજા ખુદ બ્રહ્માજીએ કરી હોવાનું શાસ્ત્રોમાં પ્રમાણ છે. એ ઉપરાંત ભગવાન વિષ્ણુ, પરશુરામ, નારદમુનિએ પણ માતાની સાધના કરી છે. પુરાણોમાં જણાવાયું છે કે મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણની પ્રેરણાથી બાણાવળી અર્જુને અનેક સ્થાનો પર જઈ શક્તિની ઉપાસના કરી હતી. કહેવાય છે કે તેમણે કૌરવો સામે યુદ્ધમાં વિજયની કામનાથી ઉજ્જૈનનાં હરસિદ્ધિ માતા અને નલખેડાનાં બગલામુખી માતાની અર્ચના કરી સંગ્રામ જીતવાના આશીર્વાદ મેળવ્યા હતા. એ અન્વયે બગલામુખી દેવીની પૂજાથી શત્રુઓનો નાશ થવા ઉપરાંત ભક્તનું જીવન દરેક પ્રકારની બાધા-અડચણોથી મુક્ત થાય છે એવું કહેવાય છે. માતાની સાધનાથી શત્રુનાશ તેમ જ વાદવિવાદનો અંત થતાં સફળતા પ્રાપ્ત થાય છે.’