શ્રીમહાપ્રભુજીની આજ્ઞા મુજબ ચિત્તનું સદૈવ પ્રભુમાં વહેવું એનું નામ જ સેવા
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
પુષ્ટિમાર્ગીય જીવનો બધો વ્યવહાર પ્રભુ સાથે હોય છે, પ્રભુના માટે હોય છે અને પ્રભુની પ્રીતિ સંપાદન કરવા માટે, તેમના જ સુખ માટે હોય છે. પ્રભુ સિવાય બીજું કંઈ સેવવા જેવું નથી. સંસારમાં રહેવા છતાં તે સંસારી નથી, લૌકિકમાં વ્યવહાર કરવા છતાં તે વ્યવહારી નથી. તે તો સદા પ્રભુના ધ્યાનમાં, સેવામાં મગ્ન રહે છે.
શ્રીમહાપ્રભુજીની આજ્ઞા મુજબ ચિત્તનું સદૈવ પ્રભુમાં વહેવું એનું નામ જ સેવા. જો સેવા સમયે પ્રભુ સિવાય બીજા લૌકિક વિચાર થાય અને ચિત્ત ત્યાં દોડે તો એ સાચી સેવા નથી ગણાતી.
સેવામાર્ગી જીવે કેટલી મિલકત વસાવી, મિલકતમાં શો ઘટાડો થયો કે વધારો થયો એની ગણતરી કરવાની ન હોય. આટલું મળશે તો મારી પાસે આટલું થશે અને પછી આનંદ કરીશું, અમુક જગ્યાએ જઈશું, મોજશોખ માણીશું કે અમુક વ્રત-દાન કરીશું કે લગ્નપ્રસંગે મોટા વરઘોડા કાઢીને નામના મેળવીશું એવા મનોરથ સેવવા અને પ્રભુની સેવામાંથી વિમુખ થવું એ મહાન અસુરાવેશ છે એટલે એનાથી દૂર રહેવું.
ADVERTISEMENT
બીજે ક્યાંય આસક્ત થયા વગર માત્ર એક શ્રીહરિમાં જ પ્રેમબદ્ધ થાય અને મન કર્મ દ્વારા એનું જ ચિંતન સ્મરણ, કથન અને કાર્ય થાય ત્યારે અનન્યાભાવ પ્રગટે, જામે અને સ્થિર થાય. એકમાત્ર પોતાના આરાધ્યદેવની જ લગની લાગેચ હરતાં-ફરતાં, બોલતાં-સાંભળતાં, જોતાં-ઊઠતાં, શ્વાસ લેતાં એકમાત્ર એનું જ અનુસંધાન રહે એવી ભક્તિ આ જીવે કરવાની છે.
જીવે મૌન રાખવું, પરંતુ બોલ્યા વગર ન રહેવાય તો ભગવદ્ ગુણાનુવાદ ગાવા, ભગવતકથા કરવી, ભગવદીયોના ગુણોનું વર્તન કરવું. જો સાંભળ્યા વગર ન રહેવાતું હોય તો કોઈની નિંદા કે સ્તુતિ ન સાંભળવી; પરંતુ ભગવતકથા સાંભળવી, ભગવાનનાં પરાક્રમોની કથા સાંભળવી અને કીર્તન સાંભળવાં. જો સાંસારિક કર્મો કર્યાં સિવાય ન ચાલે એમ હોય તો બધાં કર્મ પ્રભુની સેવા અર્થે જ કરવાં. મતલબ કે નોકરી કરવી, વ્યાપાર કરવો, શારીરિક-માનસિક કે બૌદ્ધિક કંઈ પણ કર્મ કરવું પડે તો એ પ્રભુને અર્પણ કરીને રહેવું.
જે માણસનો સંગ કરવાથી હરિવિમુખ થવાય, ભજનમાં ભંગ પડે એવા માણસોનો સંગ ન થાય તો સારું. પ્રભુ અલૌકિક છે માટે તત્સંબંધી વાતો અલૌકિક હોય. ભગવદરસ એવો આનંદદાયક છે કએ રસ આગળ બીજા બધા રસ ફિક્કા લાગે છે. લૌકિક વાતોમાંથી મળતો રસ પરિણામે દુઃખદાયી હોય છે. લૌકિક વાતો શરૂઆતમાં અને અંતમાં પરિશ્રમવાળી હોવાથી બોલનાર-સાંભળનાર ઉભયને તાપજનક નીવડે છે.
- વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી