Pandit Durga Lal Festival: કથક લેજન્ડ એવા ગુરુ શ્રી પંડિત દુર્ગાલાલની સ્મૃતિમાં તેમનાં શિષ્યા વિદુષી ઉમા ડોગરા, સામવેદ સોસાયટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ હેઠળ આ ફેસ્ટિવલનું આયોજન કરે છે જેમાં વિવિધ શાસ્ત્રીય નૃત્યના વિશેષજ્ઞ કલાના વારસાની પ્રસ્તુતી કરે છે.
વિધા લાલ (તસવીર સૌજન્ય: રામકૃષ્ણ હેગડે)
35મો પંડિત દુર્ગાલાલ ફેસ્ટિવલ 7 માર્ચે વેદા કુનબા થિએટરમાં યોજાશે. સામવેદ સોસાયટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા આયોજિત આ વાર્ષિક કાર્યક્રમમાં આ વખતે ભારતીય શાસ્ત્રીય નૃત્યો કથક અને ભારતનાટ્યમ રજુ કરાશે.
કથક લેજન્ડ એવા ગુરુ શ્રી પંડિત દુર્ગાલાલની સ્મૃતિમાં તેમનાં શિષ્યા વિદુષી ઉમા ડોગરા, સામવેદ સોસાયટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ હેઠળ આ ફેસ્ટિવલનું આયોજન કરે છે જેમાં વિવિધ શાસ્ત્રીય નૃત્યના વિશેષજ્ઞ કલાના વારસાની પ્રસ્તુતી કરે છે.
ADVERTISEMENT
વિદુષી ઉમા ડોગરાએ જણાવ્યું કે, "પંડિત દુર્ગાલાલજીનું નિધન 1990માં થયું, હું તેમની યુવા શિષ્યા હતી. તે એક જિનિયસ નૃત્યકાર હતા અને મારા ગુરુ છે. તેમના જવાથી ખડો થયેલો ખાલીપો ભરવો સરળ નહોતું અને ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે તેમનો વારસો આગળ ધપાવવો રહ્યો."
1991ની સાલથી આ ફેસ્ટિવલ પંડિત દુર્ગાલાલજીની સ્મૃતિમાં યોજાતો આવ્યો છે અને અનેક નૃત્યકારો તેનો હિસ્સો બન્યાં છે.
સંગીત નાટક અકાદમી એવોર્ડ વિજેતા વિદુષી ઉમા ડોગરાએ વધુમાં કહ્યું કે, "આ ફેસ્ટિવલ મારા ગુરૂને અંજલી છે જે મારી કથક નૃત્યકાર તરીકેની સફરમાં ચાવીરૂપ રહ્યા છે. ભારતી પરંપરામાં ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ ખુબ સુંદર હોય છે. ગુરુએ દર્શાવેલા માર્ગ પર ચાલીને તમે કળા શીખો અને આગળ વધતાં જાવ તેમાં પણ તમે સતત તેમની પાસેથી કંઇક નવું જાણતા રહો. પંડિત દુર્ગાલાલનો વારસો બેજોડ છે અને આ તેમની આદરાંજલી આપવાનો પ્રયાસ છે, જે અવિરત 34 વર્ષથી ચાલે છે અને તેનું આ 35મું વર્ષ છે."
આ વર્ષે ભારતનાટ્યમનાં નૃત્યકાર પ્રિયદર્શિની ગોવિંદ અને કથક પરફોર્મર વિધા લાલ ફેસ્ટિવલમાં ભાગ લેશે અને તેમની કલાનું પ્રદર્શન કરશે. વિદુષી ઉમા ડોગરાને મતે શાસ્ત્રીય નૃત્યનાં સોલો પરફોર્મન્સિઝ ઘટી રહ્યા છે, વધુને વધુ ગ્રૂપ ડાન્સિસ અને થીમ બેઝ્ડ રજુઆતો થઇ રહી છે ત્યારે આ નૃત્યકારોને તેમની કલાને શુધ્ધ શાસ્ત્રીય રીતે રજુ કરવા મળે તે અનિવાર્ય છે.
પ્રિય દર્શિની ગોવિંદ અભિનય આધારીત નૃત્ય રજુ કરશે જે 7મી સદીના કાવ્ય સંગ્રહ અમારુ શટકમની રચના પર હશે. આ સંગમ સાહિત્યની કવિતા છે અને ભારતીય દંતકથાઓના પ્રસંગો તેમાં આલેખાયા છે. ભારતીય સંગીતની બારીકાઇ, ભાષા અને ભારતનાટ્યમમાં અભિનયની સુંદરતાને આ પ્રસ્તુતી સાંકળશે.
જયપુર ઘરાનાનું કથક રજુ કરનારાં વિધા લાલ બે અલગ અલગ રચનાઓનું મિશ્રણ મંચ પર દર્શાવશે. ધ્રુપદ વાસંતી લીલાની રચના રજૂ હથશે તેમાં વસંતના આગમનની વાત કરાશે. બીજા હિસ્સામાં હિંદી સાહિત્યના સવૈયા છંદ પર આધારિત અભિનય હશે જેની રચના 16મી સદાીના કવિ સૈયદ ઇબ્રાહીમ ખાને કરી હતી જેમને રસખાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં રાધા, શ્રી કૃષ્ણ સામે પોતાનો તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે અને વાંસળીથી તેને કેમ ઇર્ષ્યા થાય છે તે પણ દર્શાવે છે.
પંડિત દુર્ગાલાલ ફેસ્ટિવલમાં અગાઉ ગુરુ કેલુચરણ મહાપાત્ર, ઉસ્તાદ અમજદ અલી ખાન જેવા અનેક દિગ્ગજોને હોસ્ટ કરાયા છે. સાતમી માર્ચે આ કાર્યક્રમ અંધેરીમાં સાંજે સાત વાગ્યે આ વેદા કુનબા થિએટર અંધેરી ખાતે આ ફેસ્ટિવલ યોજાશે.
- દિવ્યાશા પાંડા

