દુર્ગામાનું એક સ્વરૂપ કહેવાતાં અર્ધશોષિની દેવીએ સંપૂર્ણ શ્રીક્ષેત્રની સુરક્ષા કરી હોવાથી તેમને પુરીનાં સંરક્ષકનું બિરુદ પણ મળ્યું છે. કેટલાકના મતે અર્ધશોષિની માતા જ ભગવાનનાં માસી છે
તીર્થાટન
મૌસીમાનું મંદિર
આજે જગન્નાથજીની રથયાત્રા નીકળશે. અષાઢ સુદ દસમે તેઓ પાછા સ્વગૃહે ફરશે. ગુંડીચા મંદિરથી શ્રીમંદિર પાછા આવવાની રથયાત્રા એ બહુડા યાત્રા. ગયા અઠવાડિયે આપણે જગન્નાથજીની પાછા ફરવાની બહુડા યાત્રાની માનસ યાત્રા કરી. આ યાત્રામાં એક હટકે વિધિ થાય છે. મહાપ્રભુ, બલભદ્ર અને સુભદ્રાના રથ મૌસીમાના મંદિરે રોકાય છે. મૌસીમા ભાણેજોને પોડા પીઠાનો પ્રસાદ ધરે છે, બીડું અર્પણ કરે છે, પછી ત્રણેય ભાંડરડાંઓ રથમાં આગળ વધે છે.
ઓહો!! તો તો આ મૌસીમા બહુ મહત્ત્વનાં હોવાનાં. કારણ કે ખુદ જગતના નાથ અહીં સામેથી આવે અને રોકાય એ કોઈ સામાન્ય ઘટના નથી.
ADVERTISEMENT
અર્ધશોષિની દેવી તરીકે પણ જાણીતાં આ મૌસીમા કા કાળિયા ઠાકુર કે સાથ બહોત ગહેરા ઔર પુરાના નાતા હૈ... આસાન્તુ જાનિબા.
પૌરાણિક કથાઓ
અર્ધશોષિની દેવીના સંદર્ભે બે પૌરાણિક કથાઓ બહુ પ્રસિદ્ધ છે. એક કિંવદંતી અનુસાર સેંકડો વર્ષો પહેલાં પુરીનગરના મધ્ય ભાગમાંથી માલિની નામની નદી વહેતી હતી. આ સરિતાને કારણે શ્રીક્ષેત્ર બે ભાગમાં વિભાજિત થઈ ગયું હતું. એ કાળે રથયાત્રા માટે ૬ રથ બનાવવામાં આવતા. ૩ રથ દ્વારા મંદિરથી માલિની નદીના એક કાંઠે જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાને લઈ આવવામાં આવતાં. ત્યાર બાદ ત્રણેય મૂર્તિઓને નાવ મારફત નદી પાર કરાવવામાં આવતી. પછી સામે કિનારે રખાયેલા બીજા ત્રણ રથમાં મૂર્તિઓને મૂકીને ત્રણેય દેવતાઓને ગુંડીચા મંદિર લઈ જવાતાં. આ આખા કાર્યમાં ૬થી ૭ દિવસ થતા. એક તો વરસાદનો સમય, ટાંચાં સાધન અને ભક્તોનો મસમોટો સમૂહ. એ આખી વિધિ ખૂબ જહેમતભરી બની રહેતી. સાથે રથમાં બિરાજેલા મહાપ્રુજીને પણ શ્રમ પડતો એથી આ રૂટ પર બિરાજમાન દેવીમાંએ માલિની નદીનું જળ શોષી લીધું અને નદીનો પટ કોરો થઈ ગયો. આખો ભૂમિભાગ સૂકો થઈ જતાં રથ માટે સળંગ રસ્તો બની ગયો. આમ દુર્ગામાનું એક સ્વરૂપ કહેવાતાં દેવીમાનું નામ પડ્યું અર્ધશોષિની માતા. જોકે કેટલાક ભક્તોના મતે એક વખત બંગાળના ઉપસાગરમાં આવેલા જળપ્રલયમાં આખું નગર પાણીથી તરબતર થઈ ગયું હતું, પ્રભુજીનું મંદિર પણ જળમાં ગરક થઈ રહ્યું હતું ત્યારે આ દેવીએ સમુદ્રનું જળ ચૂસી લીધું અને સંપૂર્ણ શ્રીક્ષેત્રની સુરક્ષા કરી હતી. ત્યારથી આ માતાને પુરીનાં સંરક્ષક દેવીનું બિરુદ પણ મળ્યું છે. આમ અર્ધશોષિની મા જગન્નાથજીનાં ઉપકારી થયાં.
માસીનું ઘર અને પોડા પીઠા
હવે, મૌસીમાના સંબંધ વિશે વાત કરીએ તો દરેક સંપ્રદાયના ભિન્ન ભિન્ન મત છે. એક વર્ગ માને છે કે ગુંડીચા મંદિર પ્રભુજીનાં માસીનું ઘર છે અને માટે જ પ્રભુ ત્યાં રોકાવા જાય છે. અર્ધશોષિની માતાએ પુરીને પૂરના પ્રકોપથી બચાવ્યું એથી રિટર્ન યાત્રામાં તેમના મંદિરે રોકાય છે. જ્યારે બીજા વર્ગના મતે અર્ધશોષિની માતા જ ભગવાન અને બલભદ્ર તેમ જ સુભદ્રાદેવીનાં માસી છે. એક કથા અનુસાર જગન્નાથજીનાં પત્ની લક્ષ્મીદેવી એક વખત તેમના પતિથી નારાજ થઈ ગયાં અને મંદિરમાંથી ચાલ્યાં ગયાં. શ્રીદેવી જવાથી જગન્નાથ અને બલભદ્ર ગરીબ થઈ ગયા અને તેમણે ભીક્ષા લેવા મંદિરની બહાર જવું પડ્યું. એ વખતે તેમણે બહેન સુભદ્રાને પોતાનાં આ માસીના ઘરે રાખ્યાં હતાં અને મૌસીમાએ તેમને પોડા પીઠા ખવડાવ્યાં હતાં. આ સંબંધે જ્યારે પ્રભુ નિજ મંદિર છોડીને બહાર જાય છે ત્યારે માસીને મળવા જાય છે અને માસી તેઓને પોડા પીઠા ખવડાવે છે.
ખેર, સત્યકથા જે હોય તે, ભક્તો પૂર્ણ શ્રદ્ધા સાથે મૌસીમાને મથ્થા ટેકવા જાય છે. તેમને માટે તેમના પ્રભુ જ્યાં જાય છે ત્યાં જવું મહત્ત્વનું છે. ધૅટ્સ ઑલ.
મંદિર ક્યાં છે?
હવે જઈએ પુરીના બડા દંડા તરીકે જાણીતા મુખ્ય માર્ગ ગ્રાન્ડ રોડ પર આવેલા મૌસીમાના મંદિરે.
અષાઢી (બહુડા) દસમીના આ માતાનો મઢ મહોરી ઊઠે છે.
રંગબેરંગી પુષ્પોનો શણગાર, નગારાં-ત્રાંસાનો રણકાર, ઉલુલુલુનો નાદ કરતી સ્થાનિક મહિલાઓ, વૈદિક મંત્રોચ્ચાર કરતા મહંતો તેમ જ દેસી ઘીથી લથબથ પોડા પીઠાની સોડમ આખી સ્ટ્રીટને જીવંત બનાવી દે છે. કેસરી વંશના રાજવીઓના શાસનકાળમાં નિર્મિત આ દેવાલય કદની દૃષ્ટિએ નાનું છે, પરંતુ પ્રવેશદ્વાર પર માની કુર્નિશ બજાવતા બે જાયન્ટ સિંહો રુઆબદાર છે. ગર્ભગૃહમાં બિરાજમાન અર્ધશોષિની માતા જેને અર્ધાસની દેવી પણ કહે છે એ દેવી સુભદ્રા જેવાં જ દેખાય છે. સુભદ્રા જેવો પીળો વર્ણ, મોટી આંખો અને ઑલમોસ્ટ એટલું જ કદ ધરાવતાં આ દેવીમાનો શણગાર પણ ભાણેજ જેવો જ કરવામાં આવે છે.
એ ઉપરાંત મંદિરમાં કપાલ મોચન શિવ, મહાલક્ષ્મી, નરસિંહ, રાધા-કૃષ્ણ, રામ, પંચમુખી હનુમાન, કાલીમાતા, દુર્ગામાતા, ગણેશજી, દસ મહાવિદ્યા, નગગ્રહ વગેરેની મૂર્તિઓ પણ છે. દરરોજ મૌસીમાને સ્નાન કરાવવામાં આવે છે એ દરમ્યાન સ્થાનિક લોકો અહીં હાજર રહે છે. એ ઉપરાંત શૃંગાર, આરતી, બાલભોગ ચડાવવાની વિધિ પણ થાય છે.
વનદુર્ગા મંત્રોચ્ચાર વડે થતી પૂજા એ સાબિત કરે છે કે આ પણ માતાદુર્ગાનું જ એક સ્વરૂપ છે. નવરાત્રિ, નરસિંહ ચતુર્દશી (કાળી ચૌદશ)ના અહીં વિશિષ્ટ પૂજા, હવન આદિ થાય છે. સો પ્રભુપ્રેમી હવે પુરીધામની યાત્રા કરવા જાઓ ત્યારે ખાસ મૌસીમાનાં દર્શન કરવા જજો.
મૌસીમા મંદિરમાં પોડા પીઠા વિશિષ્ટ છે
જગન્નાથજી, સુભદ્રાજી, બલભદ્રજીના રથ મૌસીમાના મંદિરે પંહોચે છે ત્યાર બાદ એ મંદિરના પૂજારીઓ જગન્નાથજી માટે ૨૮, સુભદ્રા માટે ૨૦ અને બલભદ્ર માટે ૨૬ મળી કુલ ૭૪ મોટા પોડા પીઠા લઈ આવે છે. મંત્રોચ્ચાર સાથે એ પ્રભુને ધરાવાય છે અને ત્યાર બાદ પ્રભુ આગળ વધે છે.
આમ તો ભગવાનને પોતાના મંદિરમાં દરરોજ પોડા પીઠાનો ભોગ ચડે છે છતાં તેમને મૌસીમાનો આ ભોગ કેમ આટલો વહાલો છે? કારણ કે મૌસીમાની આ આઇટમ વિશિષ્ટ છે. ઘી, પનીર, નારિયેળ, ઘઉંનો લોટ, ડ્રાયફ્રૂટ્સ, કેટલાક તેજાના, સાકરમાંથી ઘીમાં તળાઈને ૮થી ૧૦ કલાકની લાંબી મહેનત પછી તૈયાર થતી બ્રાઉન કેક જેવી દેખાતી આ વાની, આ રીત અને આ સામગ્રીમાંથી ફક્ત મૌસીમા મંદિરે બહુડા દસમીના દિવસે જ બનતી હોય છે માટે ભગવાનની જેમ ભક્તોની પણ એ ફેવરિટ આઇટમ છે. એનો પ્રસાદ મેળવવો શ્રદ્ધાળુઓ માટે અહોભાવ છે. પ્રસાદ ન મળે તો ભક્તો એ ખરીદીને પણ આરોગે છે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
પુરી કેવી રીતે જવું, ક્યાં રહેવું, ક્યાં જમવું એ વિશે આપણે ઑલરેડી વાત કરી ચૂક્યા છીએ એટલે આજે એ વિશે કાંઈ નહીં કહીએ, પણ આજે એ જાણીએ કે જગન્નાથ પુરીની આજુબાજુ બીજા કયાં મસ્ટ વિઝિટ મંદિર છે.
શંખક્ષેત્ર તરીકે જાણીતા આ વિસ્તારની વિભિન્ન દિશામાં ૧૧૫ પ્રાચીન તીર્થક્ષેત્રો છે જેમાંથી પ્રતિષ્ઠિત અને મસ્ટ, મસ્ટ વિઝિટ કરાય એવાં મંદિરોની સૂચિમાં મુખ્ય જગન્નાથ મંદિરની બાજુમાં આવેલા વિમલા મંદિર (જેની વાત આપણે અગાઉ કરી છે), લોકનાથ મંદિર, શ્રી માંર્કેડેશ્વર પીઠ, મરીચિકા મઠ, નરસિમ્હા ટેમ્પલ, હરચંડી મંદિર ઍન્ડ અફકોર્સ અર્ધશોષિની મંદિર આવે છે.