માતાજીના રૂપ સમાન ગરબાની સ્થાપના અનેક ઘરોમાં થતી હોય છે અને એ માટે બજારમાં રેડીમેડ ગરબા મળતા જ હોય છે
પ્રિયા ભાનુશાલી, પ્રદીપ સુથાર
માતાજીના રૂપ સમાન ગરબાની સ્થાપના અનેક ઘરોમાં થતી હોય છે અને એ માટે બજારમાં રેડીમેડ ગરબા મળતા જ હોય છે, પણ એ ગરબામાં ક્રીએટિવિટીનો રંગ પણ ઉમેરાય ત્યારે શ્રદ્ધા અને ભક્તિનો રંગ ઘેરો બની જાય છે. આજે મળીએ આવા કેટલાક ક્રીએટિવ માઈભક્તોને
આ વર્ષે મેં ૧૪ ગરબા ડેકોરેટ કર્યા છે, એનો આનંદ અનેરો છેઃ ચેતના કાપડિયા
ADVERTISEMENT
છેલ્લાં ચાર વર્ષથી જાતે ગરબા ડેકોરેટ કરતાં ૬૬ વર્ષનાં ચેતના કાપડિયાએ આ વખતે નવરાત્રિ માટે ૧૪ ગરબા ડેકોરેટ કર્યા છે. એ વિશે માહિતી આપતાં તેઓ કહે છે, ‘મને બાળપણથી જ દિવાળીની રંગોળી બનાવવાનો, દીવા બનાવવાનો શોખ છે. આટલાં વર્ષો સુધી ઘરની જવાબદારીઓમાંથી એવો કોઈ સમય નહોતો મળતો. જોકે હવે નવરાશ મળે છે એટલે ઘરે ગરબા ડેકોરેશનનું કામ કરું છું. હું અમારા ઘરનો ગરબો ડેકોરેટ કરતી, પણ હવે નજીકનાં સગાં જેમ કે મારી બહેનો, નણંદોનાં ઘર માટેના ગરબા પણ હું તેમને શણગારીને આપું છું. હું બહારથી કોઈ ઑર્ડર નથી લેતી.’
ગરબાનું ડેકોરેશન કઈ રીતે કર્યું એ વિશે માહિતી આપતાં ચેતનાબહેન કહે છે, ‘મેં ઑગસ્ટ મહિનાથી જ ગરબા ડેકોરેશનનું કામ શરૂ કરી દીધું હતું. મેં માટુંગામાંથી કાચા ગરબા ખરીદ્યા હતા. મેં ગરબામાં ડાયમન્ડ ચેઇન, મોતી, ટિકલા, લેસનો ઉપયોગ કર્યો છે. એ સિવાય મોર, કળશ, શરણાઈ, ઢોલ, ગરબા રમતી સ્ત્રી વગેરેની ડિઝાઇન પહેલાં હું પેન્સિલથી ડ્રો કરી લઉં અને એ પછી એના પર ડેકોરેશન કરું છું.’
માતાજીનો ગરબો શણગારવાનું કામ ચેતનાબહેનને ખૂબ ગમે છે. આ વિશે તેઓ કહે છે, ‘ગરબાને શણગારવા માટે હું બપોરે બે-ત્રણ કલાક બેસું અને પછી રાત્રે દસ વાગ્યા પછી જમીને ફ્રી થઈ અગિયાર વાગ્યે ફરી કામ પર લાગું. ઘણી વાર રાત્રે સૂતાં-સૂતાં બે વાગી જાય. મારા હસબન્ડ પણ મને કહે કે તને થાક નથી લાગતો? જોકે સાચે કહું તો મને આ કામમાં જરાય કંટાળો નથી આવતો. ઊલટાની ગરબાનું કામ લઈને બેસું તો અંદરથી આનંદની અનુભૂતિ થાય.’
માતાજીના સ્વરૂપને આકાર આપી રહ્યા હોઈએ એવી ધન્યતા અનુભવાયઃ પ્રિયા ભાનુશાલી
અસલ્ફામાં રહેતાં ૩૨ વર્ષનાં પ્રિયા ભાનુશાલી છેલ્લાં બે વર્ષથી જ ઘરે ગરબા શણગારવાનું કામ કરે છે. તેઓ કહે છે, ‘અમુક કારણસર મેં ગયા વર્ષે મારી જૉબ છોડી દીધી હતી એટલે ઘરમાં મને એટલો સમય મળે કે હું મારી મનગમતી પ્રવૃત્તિ કરી શકું છું. મને પેઇન્ટિંગ, ડેકોરેશન જેવી ક્રીએટિવ ઍક્ટિવિટી કરવાનું ખૂબ ગમે. અમારે ત્યાં ચોકમાં ગરબી થાય છે. ગયા વર્ષે મેં મારા હાથેથી શણગારેલો માતાજીનો મોટો ગરબો ત્યાં આપ્યો હતો. આ ગરબામાં મેં સાથિયો, માતાજીની ડિઝાઇન કરી હતી અને લેસ, મોતી, ટિકલાથી ડેકોરેટ કર્યો હતો. માતાજીનો ગરબો શણગારવામાં મને ખૂબ આનંદ આવેલો. એટલે આ વર્ષે પણ મેં જાતે જ ઘરે ગરબો ડેકોરેટ કર્યો છે. હું ઘરનું કામ પતાવીને બપોરે એક વાગ્યે ફ્રી થઈ જાઉં. એટલે એક વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી ગરબાનું કામ લઈને બેસું. મને હજી ગરબાનું ડેકોરેશન કરવામાં એટલી ફાવટ આવી નથી, પણ મને આ કામ કરવું ગમે છે. બહારથી રેડીમેડ ગરબો ખરીદવા જઈએ ત્યારે આપણે તેની ડિઝાઇન જોઈને ખરીદતા હોઈએ છીએ, પણ જાતે ગરબો શણગારવા બેસીએ ત્યારે એવું લાગે જાણે આપણે માતાજીના સ્વરૂપને આકાર આપી રહ્યા છીએ. ગરબો માતાજીની શ્રદ્ધા સાથે જોડાયેલો છે એટલે એને શણગારવાનો એક અલગ આનંદ હોય છે.’
ગરબાને માતાજીના સ્વરૂપમાં હટકે શણગાર કર્યો છે: વંશિકા શાહ અને પ્રદીપ સુથાર
વિદ્યાવિહારની કે. જે. સોમૈયા કૉલેજ ઑફ આર્ટ્સ ઍન્ડ કૉમર્સમાં SYBAમાં ભણતાં વંશિકા શાહ અને પ્રદીપ સુથારે મળીને ગરબાને સરસ માતાજીનું રૂપ આપ્યું છે. કૉલેજમાં ગરબા ડેકોરેશનની સ્પર્ધામાં બન્નેએ ગરબો શણગારવાનું કામ કર્યું હતું અને હવે એની સ્થાપના વંશિકાના ઘરે થવાની છે. આ વિશે વાત કરતાં વંશિકા કહે છે, ‘અમે ગરબાને કુળદેવી સંચામા અને ઈષ્ટદેવી વિહત માનું રૂપ આપ્યું છે. સૌથી પહેલાં તો અમે કાચો ગરબો ખરીદ્યો. એને કલર કરીને શણગાર્યો. એ પછી એના પર માતાજીનું મહોરું લગાવ્યું. વિવિધ પ્રકારનાં ડાયમન્ડ અને મોતીથી એનો શણગાર કર્યો. નીચે લેસ વર્ક કર્યું. માતાજીને ઘરેણાં પહેરાવ્યાં. તેમને વાળ લગાવીને ગજરાથી સજાવ્યાં.’
ગરબો ડેકોરેટ કરવાનો વંશિકાનો આ પહેલો જ અનુભવ હતો. આ વિશે વાત કરતાં તે કહે છે, ‘મારા માટે આ એક ગ્રેટ એક્સ્પીરિયન્સ હતો. અમે જેવું વિચારેલું એનાથી પણ સારો ગરબો રેડી થયેલો. અમારા ઘરે વર્ષોથી ગરબાની સ્થાપના થતી આવી છે. હું મમ્મી સાથે ગરબો લેવા જતી ત્યારે જોતી કે માતાજીનો ચહેરો હોય એવા ગરબા ખૂબ મોંઘા આવતા. મને એ લેવાની ખૂબ ઇચ્છા થતી. જોકે આ વર્ષે મને જેવા ગરબા લેવાની વર્ષોથી ઇચ્છા હતી એ મેં જાતે ગરબો બનાવીને પૂરી કરી છે. પહેલી વાર મારા હાથેથી બનાવેલા ગરબાની ઘરમાં સ્થાપના થશે. મને લાગે છે કે આપણે જ્યારે મહેનત કરીને માતાજીનો ગરબો તૈયાર કરીએ છીએ ત્યારે એની સાથે એક અલગ લાગણી બંધાઈ જાય છે.’
છેલ્લાં પંદર વર્ષથી ઘરે જ માતાજીનો ગરબો શણગારું છું: ચેતના ઠક્કર
મુલુંડમાં રહેતાં ૪૫ વર્ષનાં ચેતના ઠક્કર છેલ્લાં ૧૫ વર્ષથી માતાજીનો ગરબો જાતે જ શણગારે છે. માતાજીનો ગરબો પોતાના હાથે શણગારવાની શરૂઆત કઈ રીતે કરી એ વિશે જણાવતાં ચેતનાબહેન કહે છે, ‘મારાં નણંદ ઘણાં વર્ષોથી ઘરે ગરબાઓ ડેકોરેટ કરીને વેચે છે. એમાંથી જે પણ કમાણી થાય એ તેઓ જરૂરિયાતમંદોને આપી દે છે. એક વાર હું તેમને ત્યાં મદદ કરાવવા માટે ગઈ હતી. એ પછી મને કૉન્ફિડન્સ આવ્યો કે હું પણ ઘરમાં ગરબો શણગારી શકું છું. એ પછીથી હું જાતે જ મારા ઘરનો ગરબો શણગારું છું. હું બે ગરબા ડેકોરેટ કરું છું, એક મારા ઘરનો અને એક મારી મમ્મીના ઘરનો.’
માતાજીનો ગરબો ડેકોરેટ કરવામાં કેટલો સમય લાગ્યો એ વિશે વાત કરતાં ચેતનાબહેન કહે છે, ‘મને બપોરે જે એકાદ-બે કલાકનો સમય મળે એમાં હું ગરબો ડેકોરેટ કરવા બેસી જતી. કાચા ગરબા પર કલર કર્યો હોય એ સુકાતાં એક દિવસ જાય. એ પછી એક દિવસ ડેકોરેશનમાં લાગે. મેં ગરબાના ડેકોરેશનમાં ટિકલી, લેસ, મોતીની પાતળી માળાનો ઉપયોગ કર્યો છે.’
માતાજીનો ગરબો હાથેથી તૈયાર કરતી વખતે કેવો આનંદ થાય છે એ વિશે વાત કરતાં ચેતનાબહેન કહે છે, ‘અમે માતા વૈષ્ણોદેવીને ખૂબ માનીએ છીએ. તેમનામાં અમને અખૂટ શ્રદ્ધા છે. એકાદ-બે વર્ષમાં એક વાર તો અમે વૈષ્ણોદેવી દર્શન કરવા માટે જઈએ જ છીએ. અમારા માટે ગરબો સાક્ષાત માતાજી જ છે. નવરાત્રિના દિવસોમાં અમારા ઘરે વ્યવસ્થિત રીતે
સવાર-સાંજ માતાજીની આરતી, પૂજા-પાઠ થાય. માતાજીને ભોગ ચડાવીએ. હું, મારો દીકરો અને મારાં સાસુ અમે ઉપવાસ પણ કરીએ.’