આ એવા પરિવારો છે જેમના ઘરે આજે પણ ગરબાની સ્થાપના થાય છે. સવાર-સાંજ આરતી અને ઉપવાસની આકરી તપશ્ચર્યાથી, માતૃશક્તિની આરાધનાથી ઘરના વાતાવરણને પાવરફુલ બનાવવાના પ્રયાસો દાયકાઓથી તેઓ કરી રહ્યા છે
માતાજીનો ગરબો
નવરાત્રિ માની આરાધનાનું પર્વ છે. એ ૯ દિવસની તપસ્યા છે. માની નજીક જવાનો એક મોકો છે. પારંપરિક રીતે એની ઉજવણી આજની ઉજવણી કરતાં ઘણી જુદી હતી. ઘરે-ઘરે ગરબાનું સ્થાપન, માતાજીનાં અનુષ્ઠાન, આખા દિવસના ઉપવાસ અને રાત્રે આરતી અને ગરબા દ્વારા માની થતી આરાધના. આ રીતે ઊજવાતી નવરાત્રિ તમને લાગતી હોય કે ઝાંખી પડતી જાય છે તો મળીએ પરંપરાનો દીવડો હજી પણ ઝગમગાવતા લોકોને જેમના માટે નવરાત્રિ આજે પણ શ્રદ્ધા અને આસ્થા પ્રજ્વલિત કરીને માની નજીક જવાનો એક મોકો માત્ર છે. મળીએ એવા લોકોને જે કેટલાંય વર્ષોથી માની આરાધના ખૂબ મનથી કરે છે અને નવરાત્રિને પારંપરિક ઢબે ઊજવે છે.