જે દેવીના નામ પરથી મુંબઈનું નામ પડ્યું છે એ મુમ્બાદેવી મૂળે તો કોળી લોકોનાં કુળદેવી છે : આ મુમ્બા-આઈ એ કદાચ મહાઅંબા આઈ, પાર્વતીનું જ એક રૂપ અથવા તો બિન-આર્ય જાતિઓ, જે અનેક દેવ-દેવીઓની પૂજા કરતી એમાંની કોઈ દેવી પણ હોઈ શકે એવી લોકવાયકા છે
યુનિક-આઇકૉનિક
મુમ્બાદેવીનું મંદિર
આદ્ય શક્તિ તું મહાજનની,
દિવ્ય શક્તિ કાત્યાયની,
ADVERTISEMENT
મુમ્બાપુરી નિવાસિની,
મુમ્બા દેવ્યૈ નમોનમ:
ફરી એક વાર નવરાત્રિના ગરબાની રમઝટ શરૂ થઈ ગઈ છે ત્યારે ચાલો આપણે મુલાકાત લઈએ મુંબઈનાં બે વિશિષ્ટ શક્તિ મંદિરોની. આ મુંબઈ શહેરને સૌથી વધુ પોતીકી લાગે એવી દેવી તે તો મુમ્બાદેવી. આપણા શહેરને પોતાનું નામ આપનારી એ દેવી. મૂળે તો માછીઓની, કોળીઓની દેવી. ભૂતકાળમાં બીજાં કેટલાંક નામે પણ ઓળખાતું હતું આ શહેર. ગ્રીક લોકો એને હેપ્ટેસિનીઆ તરીકે ઓળખતા. પોર્ટુગીઝ લોકો એને ‘બોમ્બિયમ’ કહેતા. ઈ. સ. ૧૫૩૮માં દ ક્રિસ્ટો નામનો પ્રવાસી એને ‘બોઆવિડા’ કહે છે. તો બારાબોસા નામનો બીજો એક મુસાફર લગભગ એ જ અરસામાં એને ‘થાણા-મયામ્બુ’ તરીકે ઓળખાવે છે. ઈ. સ. ૧૭૫૦ની આસપાસ મુંબઈનો ઉલ્લેખ ‘બુઆં બહીઆ’ તરીકે થયો છે. અંગ્રેજોએ નામ આપ્યું બૉમ્બે. તો વળી હિન્દીભાષીઓ આ શહેરને ‘બમ્બઈ’ કહેતા. મરાઠી અને ગુજરાતી બોલનારા તો પહેલેથી એને મુંબઈ જ કહેતા આવ્યા છે. અને એનું અસલ નામ પણ મુમ્બાઈ કે મુંબઈ.
એ નામ મળ્યું કોળી લોકોની કુળદેવી મુમ્બા-આઈ પાસેથી. આ મુમ્બા-આઈ એ કદાચ મહાઅંબા આઈ, પાર્વતીનું એક રૂપ. અથવા બિન-આર્ય જાતિઓ, જે અનેક દેવ-દેવીઓની પૂજા કરતી એમાંની કોઈ દેવી પણ તે હોઈ શકે. એક દંતકથા પ્રમાણે શિવજીની સૂચનાથી પાર્વતીએ માછણ તરીકે અવતાર લીધો જેથી કઠોર પરિશ્રમ કરવાનો ગુણ તેમનામાં વિકસે. આ રીતે અવતાર લઈને પાર્વતી કોળી લોકોની સાથે રહેવા આવ્યાં. એ કોળી લોકો તેમને ‘મુમ્બા’ તરીકે ઓળખવા લાગ્યા. માછીઓ અને માછણો પાસેથી તેઓ મહેનત, એકાગ્રતા, સાહસ વગેરેના પાઠ શીખ્યાં. પછી પાછાં જવાનો વખત આવ્યો. પણ કોળી લોકો તેમને જવા દેવા રાજી નહોતા એટલે ખુદ શિવજી આવ્યા અને કહ્યું કે ‘મહાઅંબા’ની મૂર્તિરૂપે પાર્વતીજી સદાકાળ માટે તમારી સાથે રહેશે. એટલે કોળીઓએ મુમ્બાદેવીનું મંદિર બનાવ્યું. કોળીઓ તેમને આઈ (માતા) તરીકે પૂજતા એટલે એ મુમ્બાઈ દેવીનું મંદિર કહેવાયું.
મુમ્બાદેવીનું મંદિર અને તળાવ – ૧૯મી સદીમાં
આજે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ઊભું છે એ જગ્યાએ મુમ્બા-આઈ કે મુમ્બાદેવીનું અસલ મંદિર આવેલું હતું. લોકો એ વિસ્તારને ‘બોરીબંદર’ તરીકે ઓળખતા, કારણ કે એ વખતે ત્યાં બંદર હતું અને ત્યાંથી બોરી કહેતાં કોથળાઓમાં ભરેલો માલસામાન આવતો-જતો. દરિયાકાંઠે વસતા કોળીઓએ પોતાની કુળદેવીનું મંદિર પણ દરિયા નજીક બાંધ્યું હોય તો એ સમજી શકાય એમ છે. આ અસલ મંદિર ઈ. સ. ૧૬૭૫માં બંધાયેલું એમ મનાય છે. પણ અંગ્રેજોના સેન્ટ જ્યૉર્જ કિલ્લાની સાવ નજીક ઉત્તર દિશાની દીવાલની લગોલગ એ મંદિર હતું એટલે સલામતીની દૃષ્ટિએ અંગ્રેજોને જોખમ લાગ્યું એટલે ૧૭૩૭માં તેમણે મંદિર ત્યાંથી ખસેડીને ફાંસી તળાવને કિનારે નવું મંદિર બનાવ્યું. એ તળાવને કાંઠે ગુનેગારોને જાહેરમાં ફાંસી અપાતી હતી એટલે લોકો એને ફાંસી તળાવ કહેતા. આજના આઝાદ મેદાનના એક ખૂણામાં એ તળાવ આવેલું હતું. પછી વખત જતાં મુમ્બાદેવીનું મંદિર આજના ઝવેરી બજાર પાસે ખસેડ્યું. એ મંદિર તે આપણે જેને મમ્માદેવી કે મુમ્બાદેવી તરીકે ઓળખીએ છીએ એ મંદિર. જોકે આજે અહીં જે મંદિર છે એ પણ અસલનું મંદિર નથી. ફરીથી બંધાયેલું છે. બીજાં ઘણાં મંદિરોની જેમ આ મંદિરની બાજુમાં પણ એક તળાવ હતું. હરજીવનદાસ વિઠ્ઠલદાસનાં વિધવા પૂતળીબાઈએ એ તળાવ ઈ. સ. ૧૭૭૪માં પોતાના ખર્ચે બંધાવી આપેલું. આ લખનારે નાનપણમાં એ તળાવ જોયેલું એ બરાબર યાદ છે. પછી વખત જતાં બીજાં ઘણાં તળાવોની જેમ એ તળાવ પણ પુરાઈ ગયું.
તો બીજી એક દંતકથા પ્રમાણે એક વખત આ શહેરમાં મુમ્બારક નામના રાક્ષસનો ત્રાસ ખૂબ વધી ગયો હતો. એટલે બ્રાહ્મણોએ બ્રહ્માજી પાસે ધા નાખી. એટલે મુમ્બારકનો વધ કરવા બ્રહ્માજીએ અષ્ટ ભુજાવાળી મુમ્બાદેવીને અહીં મોકલી. દેવીને હાથે હાર્યા પછી એ રાક્ષસ દેવીને પગે પડ્યો અને વિનંતી કરી કે હવે પછી તમે મારું નામ ધારણ કરો. દેવીએ એ માગણી સ્વીકારી અને ત્યારથી એ મુમ્બાદેવી તરીકે ઓળખાતાં થયાં. રાક્ષસે બીજું પણ એક વરદાન માગ્યું : મારે આપનું એક ભવ્ય મંદિર અહીં ચણાવવું છે. તો એ માટે અનુજ્ઞા આપો. દેવીએ પ્રસન્ન થઈ એ માગણી પણ સ્વીકારી અને એ રાક્ષસે બંધાવ્યું મુમ્બાદેવીનું મંદિર. એટલું તો નક્કી કે મુમ્બાદેવી અને મુંબઈ વચ્ચે ખૂબ નિકટનો સંબંધ છે.
મહાલક્ષ્મીનું મંદિર ૧૯મી સદીમાં
વારતહેવારે મુંબઈનાં ઘણાં મંદિરોની બહાર ભાવિકોની લાઇન લાગતી હોય છે પણ સૌથી લાંબી લાઇન લાગતી હોય છે મહાલક્ષ્મી મંદિરની બહાર. આ મંદિર જ્યાં આવેલું છે એ જગ્યાનું અસલ નામ હૉર્નબી વેલાર્ડ. વેલાર્ડ એટલે પાળ, નાનો બંધ. આપણે જાણીએ છીએ કે મૂળ તો મુંબઈ સાત ટાપુઓમાં વહેંચાયેલું હતું અને એ સાતે દરિયાના પાણીથી અલગ-અલગ હતા. વરલીની ખાડીનું પાણી ભરતી વખતે ઠેઠ પાયધુની સુધી પહોંચતું. આ પાણીને રોકવા માટે ગવર્નર હૉર્નબીએ ૧૭૮૨માં દરિયા આડે પાળ કે નાનો બંધ બાંધવાની યોજના ઘડી. દૂર- દૂરથી મોટા પથરા હોડીઓમાં ભરીને અહીં ઠલવાવા લાગ્યા. દિવસ દરમ્યાન રોજ થોડું-થોડું કામ આગળ વધે. પણ રાત પડે ને એ કરેલું કામ ધોવાઈ જાય! જે બ્રિટિશ ઇજનેરો કામ કરતા હતા એ વિમાસણમાં પડી ગયા કે આમ કેમ થાય છે.
અને આ સવાલનો જવાબ મળે છે એક દંતકથામાંથી. આ બંધ બાંધવાના કામમાં જોડાયેલા એક એન્જિનિયર તે રામજી શિવજી પ્રભુ. એક રાતે તેમને ત્રણ દેવીઓએ સપનામાં દર્શન દીધાં અને કહ્યું કે જ્યાં તમારું આ કામ ચાલે છે ત્યાં, નીચે દરિયામાં અમારું રહેઠાણ છે એટલે તમારો આ બંધ ક્યારેય બાંધી શકાશે નહીં. ત્યારે એ રામજીએ દેવીઓને વિનવ્યાં કે કૈંક તો રસ્તો હશે, કૈંક તો ઉપાય હશે. દેવીઓએ કહ્યું કે હા, એક ઉપાય છે. અમને દરિયામાંથી બહાર કાઢીને નજીકની ટેકરી ઉપર અમારી સ્થાપના કરી મંદિર બંધાવો તો તમારું કામ થાય. પણ પથ્થરની ભારેખમ ત્રણ-ત્રણ મૂર્તિઓને દરિયામાંથી બહાર કાઢવી શી રીતે? છતાં રામજીએ એક નુસખો અજમાવ્યો. નજીકના માછીમારો પાસેથી મોટી જાળ લઈને દરિયામાં નાખી. અને સૌના આશ્ચર્ય વચ્ચે ત્રણે મૂર્તિઓ જાળમાં આવી ગઈ. આ ત્રણ દેવીઓ તે મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતી. રામજી તો રાજીનો રેડ. સરકારને જણાવ્યું કે હવે આ બંધ બાંધવાનું કામ પૂરું કરવાની હું ખાતરી આપું છુ, પણ એક શરતે : બાજુની ટેકરી પર મને એક મંદિર બાંધવા દેવું. અને એ બાંધવા માટેની ટેકરી પરની જગ્યા સરકારે મને આપવી. સરકારે આ દરખાસ્ત સ્વીકારી અને જોતજોતામાં બંધ બાંધવાનું કામ પૂરું થઈ ગયું! પછી રામજીએ પેલી ટેકરી પર ૮૦ હજાર રૂપિયાના ખર્ચે મંદિર બંધાવીને એમાં પેલી ત્રણે મૂર્તિઓની સ્થાપના કરી. આ મંદિર તે મહાલક્ષ્મીનું મંદિર. પણ આ ત્રણ મૂર્તિઓ દરિયામાં ગઈ કઈ રીતે? તો કહે છે કે જ્યારે મૂર્તિભંજક વિધર્મીઓએ મુંબઈ પર આક્રમણ કર્યું ત્યારે તેઓ આ મૂર્તિને ભાંગી ન નાખે એટલા ખાતર પૂજારીએ એને દરિયામાં પધરાવી દીધી હતી.
આવી દંતકથાઓ માનવી કે ન માનવી એ દરેક વ્યક્તિએ નક્કી કરવાનું હોય પણ આ દંતકથાઓ ન માનીએ તોય એટલું તો માનવું જ પડે કે મુમ્બાદેવીનું અને મહાલક્ષ્મીનું મંદિર એ બન્ને મુંબઈ શહેરની આગવી ઓળખ જેવાં છે.
આજની વાતની શરૂઆત મુમ્બાદેવીની આરતીથી કરી હતી. તો છેવટે મહાલક્ષ્મીની આરતી :
जय देवी जय देवी जय महालक्ष्मी।
वससी व्यापकरुपे तू स्थूलसूक्ष्मी॥
करवीरपुरवासिनी सुरवरमुनिमाता।
पुरहरवरदायिनी मुरहरप्रियकान्ता।
कमलाकारें जठरी जन्मविला धाता।
सहस्त्रवदनी भूधर न पुरे गुण गातां॥
जय देवी जय देवी...॥