આસ્થા અને શ્રદ્ધાના સંગમસ્થાનસમા શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ ગયો છે ત્યારે નવલી નવરાત્રિમાં આદ્યશક્તિ જગતજનની અંબે માતા પોતાની શેરી, ગામ, શહેરમાં કુમકુમ પગલાં પાડે એ માટે આમંત્રણ પાઠવવાની પરંપરા જાળવી રહ્યા છે માઈભક્તો
અંબાજી મંદિર
અંબાજી મંદિરના ઇતિહાસ સાથે મહારાણા જસરાજસિંહજી, મહારાણા હમીરસિંહજી, મહારાણા સર ભવાનીસિંહજી સહિતના દાંતાના પ્રજા-વત્સલ રાજવીઓની જોડાયેલી છે ગાથાઓ જાણીએ...
‘કુમકુમ પગલે માડી પધારો રે,
ADVERTISEMENT
કુમકુમ પગલે,
આવો અંબા, આવો જગદંબા...’
‘ઊંચા ઊંચા રે માડી તારા ડુંગરા રે લોલ,
ડુંગર ઉપર ટહુકે ઝીણા મોર,
માડી તમે ગરબે રમવા આવજો રે લોલ...’
જ્યાં મા ભગવતીનું હૃદય ધબકે છે એ આધ્યાત્મિક અને દિવ્ય સ્થળ એવા શક્તિપીઠ અને યાત્રાધામ અંબાજીમાં આદ્યશક્તિ જગતજનની અંબે માતાની ભાદરવી પૂનમના મહામેળાનો પવિત્રતા અને હર્ષોલ્લાસ સાથે શુભારંભ થઈ ગયો છે ત્યારે ગુજરાત સહિત દેશભરના તેમ જ વિદેશમાં વસતા માઈભક્તો પગપાળા ચાલીને અંબાજી મંદિરે આવીને અંબા માતાના ભાવપૂર્વક ગુણલા ગાઈને, દર્શન કરીને નવરાત્રિમાં પોતાના ગામ, શહેરમાં પધારવા આમંત્રણ પાઠવી રહ્યા છે. અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થયો છે ત્યારે મંદિર સાથે સંકળાયેલા રાજા-મહારાજાઓની સેવા સાથે શ્રદ્ધા અને આસ્થા સહિત ભાદરવી પૂનમના મહામેળાની જાણી-અજાણી વાતોનું આજે મહિમાગાન કરીએ.
નવલી નવરાત્રિમાં આદ્યશક્તિ જગતજનની અંબે માતા પોતાની શેરી, ગામ, શહેરમાં કુમકુમ પગલાં પાડે એ માટે માઈભક્તો પગપાળા આમંત્રણ પાઠવવા અંબાજી જઈ રહ્યા છે એની વાત કરતાં અંબાજી-ગબ્બર પર આવેલા મંદિરના પૂજારી ગિરીશ લોઢા ‘મિડ-ડે’ને કહે છે, ‘નવરાત્રિ પહેલાં ભાદરવી પૂનમનો મહામેળો અંબાજીમાં યોજાય છે, જેમાં માતાજીનાં દર્શન કરવા આવતા ભક્તો માતાજીનાં દર્શન કરીને માતાજીને એવી અરજ કરે છે કે મા, નવરાત્રિમાં અમારે ત્યાં કુમકુમ પગલે પધારજો. પહેલાંના જમાનાથી ગામના લોકો સંઘ લઈને પગપાળા આવતા હતા અને માતાજીનાં દર્શન કરીને નવરાત્રિમાં તેમના ગામમાં આવવા આમંત્રણ પાઠવતા હતા એ પ્રથા-પરંપરા આજે પણ ચાલુ છે અને કેટલાય સંઘોવાળા આજે ભાદરવી પૂનમના મેળામાં આવીને માતાજી તેમના ગામમાં આવે એ માટે આમંત્રણ પાઠવે છે. જે શ્રદ્ધાળુઓ આ મેળામાં અંબાજી મંદિરે દર્શન કરવા આવે છે તેઓ અચૂક ગબ્બર પર આવેલા મંદિરમાં દર્શન કરીને જ જાય છે. કેટલાય કિલોમીટર ચાલીને આવેલા ભક્તો શ્રદ્ધાથી માતાજીનું નામ લેતાં-લેતાં ગબ્બરનાં પગથિયાં હોંશે-હોંશે ચડીને દર્શન કરે છે.’
જ્યાં મા ભગવતીનું હૃદય ધબકે છે એ આધ્યાત્મિક અને દિવ્ય પવિત્ર સ્થળ એવા અંબાજી મંદિરના પૌરાણિક ઇતિહાસ સાથે દાંતાના પ્રજા-વત્સલ રાજવીઓની ગાથાઓ જોડાયેલી છે. મહારાણા જસરાજસિંહજી, મહારાણા હમીરસિંહજી, મહારાણા સર ભવાનીસિંહજી સહિતના રાજાઓએ પણ અંબાજી મંદિર અને પદયાત્રીઓની સેવા કરી છે એની વાત કરતા દાંતા સ્ટેટના મહારાજાસાહેબ પરમવીરસિંહ ‘મિડ-ડે’ને કહે છે, ‘અમારી દાંતા રૉયલ ફૅમિલી બારડ પરમાર રાજપૂત ફૅમિલી છે. પહેલાંના સમયમાં સિંધમાં અને હાલમાં પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં નગરઠઠ્ઠામાં રાજધાનીની સ્થાપના થઈ હતી. એ પછી ધીરે-ધીરે મધ્ય ભારત તરફ આવ્યા. માતાજીને લાવવાવાળા મહારાણા જસરાજસિંહજી હતા જેમના હાથે વિક્રમ સંવત ૧૧૩૬માં અંબાજી મંદિરનું નિર્માણ થયું હતું. મહારાણા જસરાજસિંહજીએ માતાજીને તેમની સાથે આવવા આહ્વાન કર્યું હતું અને માતાજી આવતાં હતાં એ દરમ્યાન મહારાણાએ પાછળ વળીને જોયું અને માતાજી રોકાઈ ગયાં. જે જગ્યાએ માતાજી રોકાયાં ત્યાં મંદિર બનાવ્યું, જેમાં વિશાયંત્રની પૂજા થાય છે. મહારાણાસાહેબના હાથમાં માતાજીની મૂર્તિ હતી એ આજની તારીખે દાંતા પૅલેસમાં છે અને વર્ષોથી એ સચવાઈ છે. આ પૌરાણિક મૂર્તિ છે. આજે પણ રોજ એ મૂર્તિની પૂજા થાય છે. આ મૂર્તિનાં દર્શન માટે પૅલેસમાં પબ્લિક પણ આવે છે.’
દાંતા સ્ટેટના મહારાજાસાહેબ પરમવીરસિંહ
અંબાજી મંદિર, ગબ્બર પરનું મંદિર અને દાંતા સ્ટેટના રાજગઢમાં મુકાયેલી માતાજીની મૂર્તિને લઈને પરમવિરસિંહ દાવો કરતાં કહે છે, ‘ઇતિહાસ એવું કહે છે કે મા ભગવતીનાં જો સંપૂર્ણ દર્શન કરવા હોય તો... દાંતામાં રાજગાદીમાં માતાજીની મૂર્તિનું પૂજન છે, અહીં માતાજીની સવાનવ ઇંચની મૂર્તિ છે; ગબ્બર પર જ્યોત-પૂજન દર્શન છે; અંબાજી મંદિરમાં શ્રીયંત્ર-પૂજન એટલે આત્મા-પૂજન છે અને દાંતાની રાજગાદીમાં શરીર-પૂજન એટલે કે માતાજીની મૂર્તિની પૂજા થાય છે. આ સંપૂર્ણ દર્શન થયાં કહેવાય. આજે પણ લાલદંડાવાળો સંઘ સૌ પહેલાં દાંતા આવે છે, અહીં માતાજીની મૂર્તિનાં દર્શન કરે છે અને પછી અંબાજી તરફ આગળ વધે છે અને ત્યાર બાદ ગબ્બર પર દર્શન કરવા જાય છે. અંદાજે ૧૮૦ વર્ષ પહેલાંની વાત છે, મહારાણા હમીરસિંહજીના કાર્યકાળમાં પગપાળા સંઘ આવતો હતો. લાલદંડાવાળા સંઘે શરૂઆત કરી હતી ત્યારે મહારાણા હમીરસિંહજી સંઘને આવકારતા હતા. પરંપરા ચાલતી ગઈ અને એક પાછળ બીજા સંઘો આવવાના શરૂ થયા. આજે પણ દાંતામાં મહારાજાસાહેબ લાલદંડાવાળા સંઘનું સ્વાગત કરે છે.’
અંબાજી જતા પદયાત્રી સંઘો - આ વર્ષે ૨૫૧૬ આટલા પગપાળા સંઘોનું રજિસ્ટ્રેશન થયું છે
પગપાળા જતા પદયાત્રીઓની ચિંતા કરીને ૧૦૦ વર્ષ પહેલાં દાંતાથી અંબાજીના માર્ગમાં અનક વાવ ખોદાવી હતી એની વાત કરતાં પરમવીર સિંહ કહે છે, ‘જ્યારે પગપાળા સંઘ ચાલુ થયા ત્યારે મારા ગ્રૅન્ડફાધર મહારાણા સર ભવાનીસિંહજીએ પદયાત્રીઓને રસ્તામાં પાણીની તકલીફ ન પડે એ માટે આશરે ૧૨૦ વર્ષ પહેલાં વાવો ખોદાવી હતી. એ જમાનામાં વાહનવ્યવહારની એવી કોઈ સગવડ નહોતી એટલે મોટા ભાગે પદયાત્રીઓ ચાલીને જતા હતા ત્યારે તરસ લાગે તો પદયાત્રીઓને પાણીની મુશ્કેલી ન પડે એ માટે દાંતાથી અંબાજી તરફ આગળ જતાં પહેલાં હરિવાવ આવે, એ પછી પીપળાવાળી વાવ, દેવલિયાવાડી વાવ, ધાબાવાળી વાવ આવે અને ત્યાર પછી અંબાજી મંદિરમાં ચાચરચોક નીચે વાવ હતી એ બધી વાવો બંધાવી હતી. જોકે હવે ચાચરચોક નીચે વાવ કૂવા સ્વરૂપે છે.’
અંબાજી-ગબ્બર પર મંદિર અને માતાજીની જ્યોતનાં દર્શન
અંબાજી મંદિરમાં જઈએ ત્યારે સૌ અચૂક મોહનથાળનો પ્રસાદ લેતા હોય છે. આ મોહનથાળની પ્રથા વિશે વાત કરતાં પરમવીર સિંહ કહે છે, ‘જે વખતે અંબાજી મંદિરમાં મા ભગવતીની યંત્ર સ્વરૂપે પ્રાણપ્રતિષ્ઠા થઈ એ વખતે ચણાનો લોટ, ગોળ અને ઘીનું મિશ્રણ કરીને માતાજીને રાજભોગ તરીકે ભોગ ચઢાવ્યો હતો ત્યારથી મોહનથાળની પ્રથા ચાલુ થઈ છે. વિક્રમ સંવત ૧૧૩૬થી આ પ્રથા ચાલી આવે છે. આસો માસની નવરાત્રિમાં આઠમે મહારાણાસાહેબના હાથે મંદિરમાં હવન થાય છે. આ દિવસોમાં અંબાજી મંદિરના પૂજા-રાઇટ દાંતા રૉયલ ફૅમિલી પાસે છે. આ પરંપરા આજે પણ રાજવી પરિવાર નિભાવે છે.’
દાંતા પૅલેસમાં અંબે માતાની પૌરાણિક મૂર્તિ
મેં ભેખ ધારણ કર્યો છે કે જીવીશ ત્યાં સુધી પદયાત્રા કરતો રહીશ : ૧૯૮૮થી સતત આજ સુધી અમદાવાદથી અંબાજી પદયાત્રા કરતા ૭૧ વર્ષના ડૉ. પંકજ નાગરે સરજ્યો છે પદયાત્રી તરીકે રેકૉર્ડ
૭૧મું વર્ષ ચાલી રહ્યું હોવા છતાં જુવાનને પણ શરમાવે એવી સ્ફૂર્તિ સાથે આ વર્ષ સહિત છેલ્લાં ૩૬ વર્ષથી ભાદરવી પૂનમના મહામેળામાં માતાજીનાં દર્શન કરવા અમદાવાદથી અંબાજી પદયાત્રા કરીને જતા ડૉ. પંકજ નાગરે ૨૦૨૨માં ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સતત ૩૩ વર્ષનો તેમ જ ૨૦૨૩માં અમેરિકા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવીને સતત ૩૪ વર્ષ સુધી ચાલતા જવાનો રેકૉર્ડ કર્યો છે.
ડૉ. પંકજ નાગરને મળેલાં વર્લ્ડ રેકૉર્ડનાં સર્ટિફિકેટ્સ
રિટાયર્ડ બૅન્ક-ઑફિસર ડૉ. પંકજ નાગર ‘મિડ-ડે’ને કહે છે, ‘આ વર્ષે મારાં પત્ની ગીરા તેમ જ મિત્રો સાથે હું માતાજીનાં દર્શન કરવા પગપાળા અંબાજી ગયો હતો. ૧૯૮૮ના વર્ષમાં પગપાળા અંબાજી જવાનું શરૂ કર્યું હતું એ પછી આ મારું સતત ૩૬મું વર્ષ છે. ૧૯૮૯માં હું ડિપ્રેશનમાં આવી ગયો હતો ત્યારે પણ ગયો હતો, ૧૯૯૨માં સિરોસિસ થયો હતો ત્યારે પણ દર્શન કરવા ગયો હતો. પગમાં ફોલ્લા પડી જાય કે ગમે એવી પરિસ્થિતિ વચ્ચે પણ હું માતાજીનું નામ લઈને પગપાળા દર્શન કરવા અચૂક જાઉં છું. મેં ભેખ ધારણ કર્યો છે કે જીવીશ ત્યાં સુધી ભાદરવી પૂનમના મેળામાં અંબાજી સુધી પદયાત્રા કરીને જઈશ. હું માતાજી પાસે કશું માગવા નથી જતો, બાધા રાખતો નથી, પરંતુ મારો નિજાનંદ છે. મને એવું છે કે મારી આ જિંદગી જગદંબાને સમર્પિત છે. મારી સાથે લંડન રહેતો મારો પુત્ર ડૉ. રોહન નાગર અને મારી દીકરી રચના પણ નવથી ૧૦ વખત અંબાજી આવ્યાં છે. મારી પત્ની ગીરાએ બે વર્ષ પદયાત્રા કરી નથી, બાકી તેણે મને પદયાત્રામાં સાથ આપ્યો છે. અમે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહીએ છીએ અને અમારું વીસેક મિત્રોનું ગ્રુપ છે એટલે જેમની અનુકૂળતા હોય તેઓ પદયાત્રામાં જોડાય છે.’