જમ્મુના જિન્દ્રાહ ગામ પાસે નાભા માતા શક્તિપીઠ આવેલી છે. કહેવાય છે કે માતા સતીની નાભિ અહીં પડી હતી. આર્મીના જવાનો દ્વારા દેખભાળ થતું આ મંદિરનું પ્રાકૃતિક રૂપ જેટલું અનન્ય છે એટલી જ અનુકરણીય છે મઢની ચોખ્ખાઈ અને વ્યવસ્થા
તીર્થાટન
નાભા માતા શક્તિપીઠ
ભારતના તાજ સમા રાજ્ય જમ્મુ અને કાશ્મીરનો ઇતિહાસ ઉખેડીએ તો એના છેડા છેક સતયુગને અડે. અરે, અમુક વિદ્વાનોના મતે તો આ સંપૂર્ણ ક્ષેત્ર ઇન્દ્રનું હતું (એટલે જ એ સ્વર્ગ સમાન હશે). કહે છે કે ત્યાર બાદ જમ્બુદ્વીપના આ ક્ષેત્ર પર રાજા અગ્નિદ્રનું આધિપત્ય રહ્યું. સતયુગની વાત કરીએ તો પુરાણોમાં ઉલ્લેખ છે કે સતયુગ દરમ્યાન આ ભૂમિ સપ્તર્ષિમાંના એક કશ્યપ ઋષિનું નિવાસસ્થાન હતું અને આથી જ આ પ્રદેશને કાશ્મીર નામ મળ્યું. પૃથ્વીના ગોળા પર છેક કૅસ્પિયન સાગરથી લઈ કાશ્મીર સુધીની સમસ્ત ધરતી, સમુદ્ર, પર્વતો, દ્વીપો કશ્યપ વંશજોનાં હતાં. કશ્યપ ઋષિની એક પત્ની કદ્રના ગર્ભથી નાગોની ઉત્પત્તિ થઈ, જેમાં ૮ પ્રમુખ નાગ હતા; અનંત (શેષ), વાસુકિ, તક્ષક, કર્કોટક, પદ્મ, મહાપદ્મ, શંખ અને કુલિક. અહીંથી નાગવંશની સ્થાપના થઈ. આમ મૂળે આ પ્રદેશ તેમનું રાજ્ય કહેવાય છે, જેની પાકી સાબિતી આપે છે આ રાજ્યમાં આવેલું અનંતનાગ.