સૂર્ય વગર ધરતી પર જીવનની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. શાસ્ત્રોમાં સૂર્યને સાક્ષાત દેવ એટલે કે પ્રત્યક્ષ દેવ માનવામાં આવે છે. એમ છતાં લાખોની સંખ્યામાં મંદિર ધરાવતા ભારતમાં સૂર્યનાં મંદિર ભાગ્યે જ જોવા મળે છે
સૂર્ય મંદિર
સૂર્ય વગર ધરતી પર જીવનની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. શાસ્ત્રોમાં સૂર્યને સાક્ષાત દેવ એટલે કે પ્રત્યક્ષ દેવ માનવામાં આવે છે. એમ છતાં લાખોની સંખ્યામાં મંદિર ધરાવતા ભારતમાં સૂર્યનાં મંદિર ભાગ્યે જ જોવા મળે છે. સૂર્ય મંદિરની વાત આવે ત્યારે મોઢેરા અને કોણાર્ક સિવાય કંઈ બીજું યાદ ન આવે, પરંતુ તમે જોશો તો અહીં પણ સૂર્યદેવની નથી મૂર્તિ કે નથી થતા પૂજાપાઠ. એવામાં આપણા મુંબઈના ભુલેશ્વરમાં સૂર્યદેવનું ૧૨૫ વર્ષ જૂનું મંદિર છે જ્યાં સૂર્યદેવની મોટી મૂર્તિ તો છે જ અને સાથે-સાથે અહીં શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રીતસર પૂજાપાઠ થાય છે
ભારતમાં મંદિરોની કોઈ કમી નથી પણ પૃથ્વી પર સાક્ષાત છે એવા સૂર્યદેવનાં મંદિર આંગળીના વેઢે ગણાય એટલાં જ છે. મુંબઈની વાત કરીએ તો અહીં ફક્ત એક જ સૂર્યદેવનું મંદિર છે જે ભુલેશ્વરમાં સ્થિત છે. આ સૂર્ય મંદિર ૧૨૫ વર્ષ જૂનું છે.
ADVERTISEMENT
ઇતિહાસ
આજથી સવાસો વર્ષ પહેલાં આ મંદિર કઈ રીતે આકાર પામ્યું એ જાણવું રસપ્રદ છે. આ મંદિરની સ્થાપના વર્ષ ૧૮૯૯માં વેપારી અને દાનેશ્વરી હરજીવન વસનજી મણિયારે કરી હતી. કયા સંજોગોમાં સૂર્ય મંદિરની સ્થાપના થઈ એ વિશે વાત કરતાં છેલ્લાં ૪૦થી વધુ વર્ષથી પૂજારી તરીકે સેવા આપતા પરિમલ પુરોહિત કહે છે, ‘હરજીવનભાઈને કોઢ થયો હતો. આ ચામડીનો રોગ મટાડવા માટે તેમણે એક પંડિતને ઉપાય પૂછ્યો. તો પંડિતે તેમને સૂર્યદેવની પૂજા કરવાની સલાહ આપી. એ કરવાનું ચાલુ કર્યું તો ખરેખર તેમનો કોઢ મટી ગયો. એ પછી તેમણે સૂર્યદેવને આભાર વ્યક્ત કરવા માટે સૂર્ય યજ્ઞ કર્યો. એ યજ્ઞની જ્વાળામાં તેમને સૂર્યદેવનું રૂપ દેખાયું. આજે મંદિરમાં જે સૂર્યદેવની મૂર્તિ છે એ તેમને દેખાયેલા રૂપના આધારે જ તૈયાર કરાયેલી છે. વેદિક કાળથી સૂર્યદેવની ઉપાસનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૂર્યને જીવન, સ્વાસ્થ્ય અને શક્તિના દેવતા માનવામાં આવ્યા છે. હાલમાં આ મંદિરનું સંચાલન હરજીવન વસનજી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.’
મૂર્તિ-બાંધકામ
મંદિરમાં સૂર્યદેવની જે મૂર્તિ છે એ આરસથી બનેલી છે. સૂર્યદેવ સાત ઘોડાવાળા રથમાં સવાર છે. સારથિ તેમનો રથ હાંકી રહ્યો છે. મંદિરમાં સૂર્યદેવનો જે રથ છે એને બે પૈડાં છે પણ પુરાણો અનુસાર સૂર્યનો રથ એક પૈડા પર દોડે છે. પુરાણોમાં લખેલી વાત જણાવતાં પરિમલભાઈ કહે છે, ‘સૂર્યદેવના રથને એક જ પૈડું છે. તેમના સારથિ અરુણના બન્ને પગ નથી. તેમના રથના જે સાત ઘોડા છે એ બધા શક્તિમાન અને બેકાબૂ છે. ઘોડાઓને કાબૂમાં લેવા માટે જે લગામ છે એ સર્પની છે. સર્પ અને ઘોડાને તો દુશ્મની. આટલી સમસ્યાઓ હોવા છતાં દરરોજ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયસર થાય છે. બાકી આપણને થોડી શરદી પણ થઈ હોય તો આપણે તરત ફરિયાદ કરવા લાગીએ. બીજી બાજુ સૂર્ય છે જે આટલી તકલીફ છતાં આખા સંસારને ચલાવે છે. એટલે જ ભગવદ્ગીતામાં ભગવાન કૃષ્ણએ સૂર્યદેવને સર્વશ્રેષ્ઠ કર્મયોગી ગણાવ્યા છે. મંદિરના બાંધકામની વાત કરીએ તો આખું મંદિર પથ્થરનું બનેલું છે. મંદિરની દીવાલો પર કુલ ૪૯ સાધુઓનાં વિવિધ મુદ્રામાં શિલ્પ કોતરેલાં છે. આ સાધુઓ સૂર્યના રથની આગળ ચાલતા ૪૯,૦૦૦ મરૂત ગણનું પ્રતિનિધિત્વ કરે છે. હાલમાં આ મંદિરનું સંચાલન હરજીવન વસનજી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.’
પૂજાપાઠ
સૂર્ય મંદિરમાં પૂજા-હવનના નિત્યક્રમ વિશે માહિતી આપતાં પરિમલભાઈ કહે છે, ‘અહીં દરરોજ ત્રિકાળ હવન થાય છે. છ વાગ્યે દિવસનો સૌથી પહેલો હવન બ્રહ્માજીનો થાય. સવારના સૂર્યોદય વખતે સર્જન થાય. સર્જનહાર એટલે બ્રહ્માજી. સવારે સવાઅગિયાર વાગ્યે શિવજીનો હવન થાય. શિવજી એટલે સંહારક. બપોરે સૂર્યનો પ્રકાશ હોય એ પ્રખર હોય. એટલે શિવજી સ્વરૂપ છે. સાંજે સૂર્યાસ્તના એક કલાક પહેલાં વિષ્ણુનો હવન થાય. વિષ્ણુ એટલે પાલનહાર. આમ દિવસ દરમિયાન આપણને સૂર્યનાં ત્રણ સ્વરૂપ જોવા મળે. ત્રિકાળ હવન કરીને આપણે અગ્નિ સ્વરૂપે તેમને આવકારીએ અને તેઓ આપણને આશીર્વાદ આપે. એ સિવાય અઠવાડિયાના સાતેસાત દિવસ વારના હિસાબે નવ ગ્રહને આહુતિ આપવામાં આવે છે. સોમવારે ચંદ્રને, મંગળવારે મંગળને, બુધવારે બુધ અને રાહુને, ગુરુવારે ગુરુને, શુક્રવારે શુક્રને અને શનિવારે શનિ અને કેતુને આહુતિ આપવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં નવ ગ્રહના રાજા એટલે સૂર્યદેવ.’
પૂજારી પરિમલ પુરોહિત
સૂર્ય-અગ્નિપૂજા વીસરાઈ
વેદિક કાળથી સૂર્યઉપાસના અને પંચતત્ત્વોને પૂજવાનું જે મહત્ત્વ છે એ ઓછું થઈ રહ્યું છે. આ વિશે પોતાના વિચારો રજૂ કરતાં પરિમલભાઈ કહે છે, ‘સમય સાથે સૂર્યપૂજા લુપ્ત થઈ રહી છે. દાવો ન કરી શકું, પણ એટલું કહી શકું કે હું દેશનાં જેટલાં પણ સૂર્ય મંદિર છે એમાં ફરી વળ્યો છું. કોઈ મંદિરમાં સૂર્યદેવની આટલી મોટી પ્રતિમા નથી. આટલી સક્રિય રીતે પૂજાપાઠ, હવન થતાં નથી. મોઢેરા, કોણાર્કની પણ વાત કરીએ તો બધાં ખંડિત મંદિરો છે. અહીં નથી મૂર્તિ કે નથી થતાં પૂજાપાઠ. મુગલોના આક્રમણને કારણે અત્યારે ફક્ત પ્રાચીન અવશેષો બાકી રહ્યા છે. ઘણા લોકો દાવો કરતા હોય છે કે હું તો સૂર્યને દેવ માનું છું, તેમને દરરોજ જળ અર્પણ કરું છું. જોકે જળ ચડવવાનો પણ એક સમય હોય. સૂર્ય ઉદય થતો હોય અથવા તો ઉદય થયા પછી તરત તેમને જળ અર્પણ કરવાનું હોય છે. જોકે આજકાલ લોકો તેમની સગવડ મુજબ ગમે તે સમયે જળ ચડાવતા હોય છે. એ મારી દૃષ્ટિએ અયોગ્ય છે. ઉદાહરણ તરીકે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે તેમને સૌથી પહેલાં પાણી આપીએ. તેમને અડધો કલાક પછી પાણીનું પૂછીએ તો એ તેમનું અપમાન થયું કહેવાય. હિન્દુ ધર્મમાં પંચતત્ત્વનું મહત્ત્વ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. એમાં મુખ્ય તત્ત્વ અગ્નિ છે. બાકીનાં ચારેય તત્ત્વને અગ્નિની જરૂર છે. અગ્નિ વગર ચારેય તત્ત્વ નકામાં છે. જેમ કે અગ્નિના સંપર્કમાં આવશે તો જ બરફનું પાણી થશે. અગ્નિનો સ્પર્શ જ નહીં થાય તો એ બરફ જ રહેશે. પાંચ તત્ત્વમાંથી જ માનવ શરીર બનેલું છે. આપણા રોજિંદા જીવનમાં આ પાંચ તત્ત્વોની પૂજા ભુલાઈ ગઈ છે. એટલે મારો ભક્તોને આગ્રહ હોય છે કે તમે જે ભગવાનમાં વિશ્વાસ રાખતા હો એ રાખો, પણ આ પાંચ તત્ત્વોનો આભાર પહેલાં માનો.’
સંક્રાન્તિ હવન
હિન્દુ કૅલેન્ડર અનુસાર વર્ષમાં ૧૨ સંક્રાન્તિ હોય છે. સંક્રાન્તિનો અર્થ છે જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે. સૂર્યદેવ એક મહિનો એક રાશિમાં રહે છે. મંદિરમાં દર મહિને સંક્રાન્તિના દિવસે હવનનું આયોજન થાય છે. પરિમલભાઈ એ વિશે વાત કરતાં કહે છે, ‘સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે દરરોજ ત્રિકાળ હવન કરવો જરૂરી છે. હવે જે શહેરી જીવનમાં ગૂંચવાયેલા છે તેમના માટે દરરોજ ત્રિકાળ હવન શક્ય ન બને. તો એ લોકો કમ સે કમ રવિવારે હવનમાં આવી શકે. જો એ પણ શક્ય ન હોય તો મહિને ઓછામાં ઓછો એક હવન તો કરવો જ જોઈએ. હવનપ્રથા આપણે ત્યાં સદીઓ જૂની છે. આંબાનાં લાકડાં, ગાયનું ઘી-છાણ વગેરે કપૂર સાથે પ્રગટાવીએ તો ત્યાં પૉઝિટિવિટી વધી જાય. હવા શુદ્ધ થાય. ૧૪ જાન્યુઆરીએ મકર સંક્રાન્તિનો હવન થઈ ગયો, જે સવારે છ વાગ્યા લઈને સાંજે છ વાગ્યા સુધી અખંડ ચાલ્યો હતો. હવે આગામી મહિને એટલે કે ૧૨ ફેબ્રુઆરીએ કુંભ સંક્રાન્તિના દિવસે હવન છે. આ વર્ષે ૧૪ માર્ચે મીન સંક્રાન્તિ, ૧૪ એપ્રિલે મેષ સંક્રાન્તિ, ૧૪ મેએ વૃષભ સંક્રાન્તિ, ૧૫ જૂને મિથુન સંક્રાન્તિ, ૧૬ જુલાઈએ કર્ક સંક્રાન્તિ, ૧૭ ઑગસ્ટે સિંહ સંક્રાન્તિ, ૧૭ સપ્ટેમ્બરે કન્યા સંક્રાન્તિ, ૧૭ ઑક્ટોબરે તુલા સંક્રાન્તિ, ૧૬ નવેમ્બરે વૃશ્ચિક સંક્રાન્તિ અને ૧૬ ડિસેમ્બરે ધનુ સંક્રાન્તિ આવે છે.’
દિલીપ જોશી મકર સંક્રાન્તિ પર જઈ આવ્યા દર્શન માટે
મુંબઈના આ એકમાત્ર સૂર્ય મંદિરનાં દર્શન માટે તારક મહેતા સિરિયલના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી હમણાં મકર સંક્રાન્તિના દિવસે જ આવ્યા હતા. સિરિયલમાં તો આપણે જેઠાલાલને સૂર્યને જળ અર્પણ કરતા જોયા જ છે. વાસ્તવિકતામાં પણ દિલીપભાઈ સૂર્યદેવમાં શ્રદ્ધા ધરાવે છે. એટલે દર વર્ષે મકર સંક્રાન્તિના દિવસે તેઓ સૂર્ય મંદિરનાં દર્શન માટે આવે છે અને હવનનો પણ લાભ લે છે.