એક સમયે છોકરીઓને ચૂપ બેસાડી દેવામાં આવતી એ છોકરીઓ આજે મોટાં-મોટાં પદ પર પહોંચીને ભલભલા ચમરબંધીઓને ચૂપ કરતી થઈ ગઈ છે
ચપટી ધર્મ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અત્યારે પરિણામોની મોસમ છે અને પરિણામોની જાહેરખબરો જોઉં ત્યારે એમાં જો દીકરીઓના ફોટો વધારે જોવા મળે તો ખૂબ આનંદ થાય અને એ આનંદ છેલ્લા એકાદ દસકાથી તો ખાસ્સો વધી રહ્યો છે. દીકરીઓ બહુ ભણે છે અને હવે ભણવાની બાબતમાં છોકરાઓને પણ પાછળ રાખતી થઈ ગઈ છે. જો શિક્ષણના ક્ષેત્રની વાત કરીએ તો એક સમય હતો કે પૂરી પ્રજા ભણી શકતી નહીં. ઉપરના સ્તર પર રહેલા થોડાક જ લોકો ભણતા. એ સમયે ભણતરને લક્ઝરી તરીકે લેવામાં આવતું અને એટલે પોતાના સુધી એને સીમિત રાખવાનું કામ ઉમરાવોએ કર્યું હતું તો સ્ત્રીઓ તથા શૂદ્રોને તો ભણવાની જ મનાઈ હતી. એવાં અસંખ્ય ગામો હતાં જેમાં કોઈ જ ભણેલું નહોતું.