મહાકુંભ નિમિત્તે પ્રયાગ જાઓ કે અન્ય દિવસોમાં આ તીર્થરાજની યાત્રા કરો, સંગમમાં ડૂબકી લગાવવાની સાથે આ પવિત્ર નગરીનાં મહત્ત્વનાં મંદિરો અને સ્થળોનાં દર્શન કરવાનું ચૂકતા નહીં
તીર્થાટન
વેણીમાધવ મંદિર
એકવીસમી સદીના સિલ્વર જ્યુબિલી વર્ષે સનાતનીઓને ખૂબ અલભ્ય ભેટ મળી છે. ૨૦૨૫ના પહેલા પખવાડિયામાં જ મહાકુંભ શરૂ થયો છે. પૂર્ણ કુંભમેળો ફક્ત પ્રયાગરાજમાં જ યોજાય છે અને એ પણ ૧૨ વર્ષ બાદ. એ વાત તો અનન્ય છે અને સાથે આ વખતે દર ૧૨ વર્ષે થતા કુંભનીયે ટ્વેલ્થ એડિશન છે. મીન્સ આ વખતનો મહાકુંભ ૧૪૪ વર્ષ બાદ આવ્યો છે. ઍક્ચ્યુઅલી, ખગોળીય સ્થિતિ મુજબ સૂર્ય, ચંદ્ર, ગુરુ તથા શનિનો શુભ સંયોગ થાય ત્યારે જ મહાકુંભનુ આયોજન થાય, જે ૧૪૪ વર્ષ પહેલાં થયું હતું. કહેવાય છે કે સમુદ્રમંથન સમયે ગ્રહોની આ જ પ્રમાણેની સ્થિતિ હતી. હવે પછીનો મહાકુંભ અગેઇન ૧૪૪ વર્ષે થાય... સો, તીર્થાટનપ્રેમીઓ હવે વિચાર કરો નહીં, બસ, કુંભ ચલો...
વેલ, કુંભની વિશેષતાઓ અને વ્યવસ્થાઓ વિશે અનેક માધ્યમોમાં બહુ બધું આવી ગયું છે અને હજી નવી-નવી વાતો આવી રહી છે એટલે આપણે એ ટૉપિકમાં ઊંડા નથી ઊતરતા. આપણે વાત કરીશું પ્રયાગનાં અન્ય મહત્ત્વનાં મંદિરો અને પવિત્ર સ્થળોની જેની યાત્રા ત્રિવેણીના સ્નાન જેટલી જ સુખ અને શાતાદાયી છે.
ADVERTISEMENT
વેણીમાધવ મંદિર
થોડાં વર્ષ પૂર્વે સુધી અલાહાબાદ તરીકે ઓળખાતું પ્રયાગ તીર્થોનો રાજા ખરો, પરંતુ કુંભ ઉત્સવ સિવાયના સમયમાં બહુ જૂજ યાત્રાળુઓ અહીં આવે. વારાણસી, હરિદ્વાર, ગયા, તિરુપતિ જેવી પ્રયાગરાજની બોલબાલા નથી. હા, સનાતન સંસ્કૃતિના અનન્ય ભક્તો સંગમમાં ડૂબકી લગાવવાનો લહાવો લે, પરંતુ ગંગા તટને કિનારે આવેલા લેટે હનુમાનનાં દર્શન કરે અને અક્ષયવટને દૂરથી જુહારીને (કારણ કે અકબરના કિલ્લામાં આવેલા આ પાવન વટનાં દર્શન કરવા સ્પેશ્યલ પરમિશન લેવી પડતી) ચાલ્યા જાય. ઍન્ડ વિષ્ણુ ભગવાનના વન ઑફ ધ ઓલ્ડેસ્ટ સ્વરૂપનાં દર્શન-વંદન કરવાનું છૂટી જાય અને યાત્રાનું પૂર્ણ ફળ મેળવવાથી વંચિત રહી જાય...
યસ, પદ્મપુરાણ અને અગ્નિપુરાણ અનુસાર વેણીમાધવ મંદિર પ્રયાગરાજના અધિષ્ઠાતા દેવતા છે અને આ મંદિરનાં દર્શન બાદ જ ત્રિવેણી સ્નાનનું પૂર્ણ પુણ્ય મળે છે. પ્રયાગમાં કૃષ્ણના દ્વાદશ સ્વરૂપનાં મંદિરો છે એમાં વેણીમાધવ મુખ્ય મંદિર કહેવાય છે.
આ સ્થાનની ઉત્પત્તિની કથા ઇન્ટરેસ્ટિંગ છે, જે જાણવા આપણે ત્રેતાયુગમાં જઈએ. સૃષ્ટિની રચના કર્યા બાદ બ્રહ્માજીએ આ ભૂમિ પર સૌથી પહેલી વખત યજ્ઞ કર્યો અને પ્રયાગને તીર્થરાજનો દરજ્જો આપ્યો. સૃષ્ટિની રચના થઈ એટલે પ્રકૃતિ સહિત મનુષ્યો, પશુ-પંખીઓનો જન્મ થયો. મનુષ્યો સાથે દેવો અને દાનવો પણ પેદા થયા. એમાં એક ગજકર્ણ નામે ભયંકર રાક્ષસ જન્મ્યો હતો. ત્રણેય લોકમાં તેણે કાળો કેર વર્તાવી દીધો હતો. તેના ત્રાસમાંથી છૂટવા મનુષ્યોએ વિષ્ણુ ભગવાનને મદદની ગુહાર લગાવી અને પરમ દયાળુ પ્રભુ ગરુડ પર બેસી અહીં પધાર્યા. ભક્તોની પરેશાની જાણીને વિષ્ણુ ભગવાને ગજકર્ણને સમજાવતાં પહેલાં તો નારદજીને મોકલ્યા. નારદમુનિએ તેને એ ધરતીની પવિત્ર નદીઓના જળનો અને એમાં સ્નાન કરવાનો મહિમા કહ્યો. ગજકર્ણ પ્રયાગનું મહત્ત્વ જાણી ત્રિવેણી સંગમ આવ્યો અને એમાં સ્નાન કર્યું. ગંગા, જમુના, સરસ્વતીના શીતળ જળે તેને શારીરિક અને માનસિક શાંતિ અર્પી. તેને ખૂબ આનંદ આવ્યો, પણ આખરે રાક્ષસની બુદ્ધિ રાક્ષસી જ રહી એટલે તેણે વિચાર્યું કે આ બધું જળ હું પી લઉં અને મારા રાજ્યમાં લઈ જાઉં. અને ખરેખર ગજકર્ણ ત્રણેય સરિતાનું પાણી પી ગયો.
પ્રજાજનો પાછા પરેશાન. સૃષ્ટિ પર પાણીનું એકેય ટીપું નહીં. જીવન કઈ રીતે ચાલે? ફરી તેઓ લક્ષ્મીપતિ પાસે ગયા અને ફરિયાદ કરી અને ભગવાન વિષ્ણુ પોતે પ્રયાગરાજ આવ્યા અને ગજકર્ણ પર હુમલો કર્યો. ગજકર્ણ એવો શક્તિશાળી હતો કે ભગવાન સાથે તેનું યુદ્ધ ત્રણ દિવસ ચાલ્યું અને વિષ્ણુજીએ પોતાના સુદર્શનચક્રથી એ અસુરનું માથું ધડથી અલગ કરી નાખ્યું ત્યારે ત્રિવેણી સંગમનું બધું જળ તેના પેટમાંથી બહાર આવ્યું. ભક્તોનું કાર્ય સંપૂર્ણ કરી વિષ્ણુ ભગવાન વૈકુંઠ જવા લાગ્યા ત્યારે પ્રયાગરાજ દેવે ભગવાનને ત્રિવેણી સંગમની રક્ષા કરવા અહીં રહી જવાની વિનંતી કરી અને કૃપાળુ દેવે પ્રયાગરાજની વિનંતીને માન્ય રાખીને કહ્યું કે હું આ તીર્થક્ષેત્રમાં ૧૨ ભિન્ન સ્થાને અલગ-અલગ સ્વરૂપે બિરાજીશ અને સમસ્ત નગરની રક્ષા કરીશ.
એ ૧૨ માધવ રૂપમાંથી વેણીમાધવ ભગવાન મુખ્ય છે અને સંગમથી ખૂબ નજીક બિરાજી આજે પણ પવિત્ર નદીઓની રક્ષા કરી રહ્યા છે. વેણીમાધવ વિષ્ણુ ભગવાનનું બાળસ્વરૂપ છે. શ્યામ શાલીગ્રામમાંથી નિર્મિત માધવ સાથે ત્રિવેણી (સંગમ) માતા છે (જેને લોકો રાધા, રુક્મિણી કે લક્ષ્મીજી સમજી લે છે). કુંભ સિવાય પણ દરેક માઘ મહિને દ્વાદશ માધવની યાત્રાનું આયોજન થાય છે જેમાં વેણીમાધવને નગરભ્રમણ પણ કરાવાય છે. આ તહેવારની ઉજવણી માટે પણ અનેક ભક્તો બહારગામથી પધારે છે. ઉપરાંત સ્થાનિક લોકો પણ ઉત્સાહથી જોડાય છે. કહે છે કે માઘ મેળાની સુરક્ષાની જિમ્મેદારી પણ વેણીમાધવ પર છે એથી આખો મહિનો તેઓ નગરચર્યા કરે છે. વેણીમાધવનાં દર્શન કર્યા વગર સંગમસ્નાન તો અપૂર્ણ ગણાય છે અને કલ્પવાસ પણ અધૂરો કહેવાય છે.
ત્રિવેણી સંગમથી ફક્ત એક કિલોમીટરના અંતરે દારાગંજ વિસ્તારમાં આવેલું આ મંદિર સવારે પાંચથી ૧૨ અને સાંજે ચારથી ૧૦ વાગ્યા દરમ્યાન ખુલ્લું રહે છે. એક સિમ્પલ હૉલ જેવું ગર્ભગૃહ અને સાદી બાંધણી ધરાવતા આ મંદિરમાં ચૈતન્ય મહાપ્રભુએ પણ સંકીર્તન કરતાં-કરતાં ઘણો સમય વિતાવ્યો છે. મંદિર પરિસરમાં ભોલેનાથજીનાં બેસણાં પણ છે. અત્યંત બિઝી મંદિર હોવા છતાં અહીં આવનાર દરેક ભાવિકોને વિશેષ અનુભૂતિ થાય છે. ફીલ કરજો.
ભારદ્વાજ આશ્રમ
જુઓ તમે કુંભ નિમિત્તે પ્રયાગ જાઓ, ત્રિવેણીમાં ડૂબકી લગાવો, લેટે હનુમાન, અક્ષયવટ ઈવન વેણીમાધવનાં દર્શન કરો, પછી ઝટ ઘરે પાછા આવી જવાની ઉતાવળ ન કરતા. નહીંતર અહીંનાં કેટલાંય પૌરાણિક સ્થાનો અને મંદિરો જોવાનું ચૂકી જશો. માન્યું કે મહાનગરોમાં માણસોને બહુ ટાઇમ ન હોય, પણ હજી, આ વખતેય આ સ્થળોનાં દર્શન નહીં કરો તો પછી ક્યારે કરશો?
અને વેણીમાધવ મંદિરથી તો મહર્ષિ શ્રી ભારદ્વાજ આશ્રમ ફક્ત ૪ કિલોમીટર જ દૂર છે. ચાલીને જશો તો પ્રયાગરાજનો મિજાજ માણવા મળશે અને વાહનમાં બેસી જશો તો ૧૦ મિનિટમાં આશ્રમના પ્રવેશદ્વાર પર પહોંચી જવાશે.
એક દૃષ્ટિએ ભારદ્વાજ આશ્રમ પણ અયોધ્યાનગરી જેવો પવિત્ર ગણાય, કારણ કે અહીં પણ મર્યાદાપુરુષોત્તમ રામ, લક્ષ્મણ, સીતાજીનાં પાવન પગલાં પડ્યાં છે. રામચરિત માનસ કહે છે કે અયોધ્યાથી નીકળ્યા બાદ ગંગાજીને પાર કરીને એ ત્રણેય વનવાસીઓ સૌપ્રથમ ભારદ્વાજમુનિના આશ્રમે આવ્યાં હતાં. ફળો, લતાઓ, પર્ણોથી લથબથ વૃક્ષોનો વન, પંખીઓનો મીઠો કલશોર અને અનેક પ્રાણીઓની નિર્ભય ઊછળકૂદથી પ્રફુલ્લિત આ ભૂમિ મહર્ષિ ભારદ્વાજના તપોબળથી ખૂબ ચેતનવંતી હતી. વિદ્વાન મહર્ષિએ રાજવીઓની ખૂબ ભાવથી આગતા-સ્વાગતા કરી અને સંપૂર્ણ વનવાસ તેમના આશ્રમમાં વિતાવવાની વિનંતી કરી, પરંતુ શ્રીરામે ભારદ્વાજજીને સવિનય મનાઈ કરી, કારણ કે એ સ્થાન અયોધ્યાથી ખૂબ નિકટ હતું. અયોધ્યાના પ્રજાજનો, પરિવારજનો પોતાના રાજકુમારની શોધમાં અહીં સહેલાઈથી આવી શકે એથી તેમણે અહીં નહોતું રહેવું.
લલિતાદેવી મંદિરમાં મહાકાળી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મી
ઇન ફૅક્ટ, પ્રભુ રામના પૂછવાથી જ ભારદ્વાજમુનિએ તેમને ચિત્રકૂટ તરફ જવાનું કહ્યું હતું. તેઓ અહીંથી ગયા પછી ખરેખર ભરતને જ્યારે ભ્રાતાઓના વનવાસની જાણ થઈ ત્યારે તેઓ ગુરુ વશિષ્ઠ, ત્રણેય માતાઓ, ભાભી ઊર્મિલા તેમ જ સેના સહિત મહર્ષિ ભારદ્વાજના આશ્રમે ભાઈની ખોજમાં આવ્યા હતા અને ભરતની આજીજી જોઈને મહર્ષિએ તેમને પણ ભાઈઓની શોધમાં ચિત્રકૂટ તરફ જવાનું સૂચવ્યું હતું.
આજે તો આ સ્થળ પૂર્વે જેવું હરિયાળું નથી, પરંતુ સંતો-સાધુઓ માટે આશ્રમસ્થળમાં પરિવર્તિત થઈ ગયેલા આ આશ્રમની હવામાં આધ્યાત્મિકતાની લહેર હજીય છે. અહીં શિવજી, હનુમાન અને દુર્ગામાનાં નાનાં મંદિરોનાં તો દર્શન થશે જ, સાથે વિશિષ્ટ સાધુ-સંતોનાં દર્શન પણ થશે. આશ્રમના પરિસરમાં જ મહર્ષિ ભારદ્વાજનું મંદિર પણ છે, તો તેમની વિશાળ પ્રતિમા તો દૂરથીયે દેખાય છે. સ્વરાજ ભવન રોડ પર આવેલા આ આશ્રમની મુલાકાતનો સમય સવારે સાડાછથી નવ અને સાંજે સાડાચારથી સાડાછ દરમ્યાનનો છે. મંદિરની નજીક પાર્ક અને ફુવારા વગેરે પણ છે, જે આખા આશ્રમ કૉમ્પ્લેક્સને દિલચસ્પ બનાવે છે.
લલિતાદેવી મંદિર શક્તિપીઠ
પિતા દક્ષે યોજેલા યજ્ઞમાં પોતાની જાતને હોમી દેનાર સતીદેવીના અર્ધ બળેલા શરીરને લઈ ક્રોધિત શિવશંકર જ્યારે સમસ્ત સૃષ્ટિને ધમરોળી રહ્યા હતા ત્યારે વિષ્ણુભગવાને પોતાના સુદર્શનચક્રથી સતીમાતાની કાયાનું છેદન કર્યું અને તેમનાં વિવિધ અંગો ધરતી પર જે-જે સ્થળે પડ્યાં એ બની શક્તિપીઠ.
પ્રયાગરાજના મીરાપુર મહોલ્લામાં શ્રીયંત્ર પર આધારિત લલિતાદેવીનું પ્રાચીન મંદિર છે અને કહેવાય છે કે ત્યાં માતાના હાથની આંગળી પડી હતી. યમુના નદીના કિનારા નજીક આવેલું આ મંદિર અતિ પ્રાચીન છે અને છેલ્લાં ૧૦૦ વર્ષ દરમ્યાયાન અહીં રામ-લક્ષ્મણ-સીતાજી તેમ જ બજરંગબલીનું મંદિર છે. એ ઉપરાંત રાધા-કૃષ્ણ પણ છે અને નવગ્રહની મૂર્તિઓ પણ છે. મુખ્ય મંદિરમાં ભગવતી દુર્ગા મહાકાળી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મીરૂપે બિરાજમાન છે. દિવ્ય શક્તિની અનુભૂતિ કરાવતું આ મંદિર આખો દિવસ ખુલ્લું રહે છે તેમ જ નવરાત્રિ અને કુંભ તેમ જ માઘ મેળામાં અહીં સેંકડો શ્રદ્ધાળુઓ માતાને મત્થા ટેકી આશીર્વાદ લે છે.
મુંબઈ શું, હવે તો મૅનહટનથીયે પ્રયાગ પહોંચવું બહુ અઘરું નથી રહ્યું. રેલ અને રોડમાર્ગે તો એ સુપેરે જોડાયેલું છે જ અને હવાઈ સેવા પણ હવે ઝડપી બની ગઈ છે. દેશનાં વિભિન્ન શહેરોથી તીર્થરાજ માટેની ડાયરેક્ટ ઍર સર્વિસ શરૂ થઈ છે. એ જ રીતે રહેવા માટે પણ હજારોની સંખ્યામાં રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લક્ઝરી ટેન્ટ, સાદા ડોર્મેટરી તંબુ, હોટેલો, ગેસ્ટહાઉસ, ધર્મશાળાઓ તૈયાર થઈ છે. એ જ પ્રમાણે પ્રાંત-પ્રાંતનાં વ્યંજનો મળી રહે એવી સુવિધા પણ કવામાં આવી છે. હા, યમુના બૅન્ક રોડ પર ગુજરાતી ભોજનાલાય પણ છે.
(આવતા અઠવાડિયે પ્રયાગરાજનાં અન્ય પ્રાચીન અને મુખ્ય મંદિરોની માનસયાત્રા કરીશું)
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
દ્વાદશ માધવની શૃંખલામાં વેણીમાધવની નજીક અનંત માધવનું મંદિર છે. અક્ષયવટ પાસે અક્ષયવટ માધવ, નાગવાસુકિ મંદિર સમીપ અસિમાધવ, સોમેશ્વર મંદિર પાસે ચક્રમાધવ, જાનસેનગંજમાં મનોહર માધવ, દ્રૌપદી ઘાટ – રામપુર તરફ બિન્દુ માધવ, સંગમના મધ્ય ક્ષેત્રમાં જલરૂપે આદિ માધવ, છીવકી રેલવે સ્ટેશન પાસે શ્રી ગદા માધવ, દેવરિયા ગામે પદ્મ માધવ, બર્હિદેવીમા ગંગાકિનારે આવેલા વડ નીચે સંકટહર માધવ અને છતનાગ ગામે શંખ માધવ વાસ કરે છે. છેલ્લાં ત્રણ મંદિરો સિવાયનાં દેવાલયો પ્રયાગ શહેરમાં જ છે અને બાકીના નજીકનાં ગામોમાં છે. ત્યાં જવા રિક્ષા મળી રહે છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ પ્રયાગરાજમાં લલિતાદેવી મંદિર ઉપરાંત કલ્યાણીદેવી અને અલોપીદેવી ધામ પણ શક્તિપીઠ છે. કલ્યાણીદેવી મંદિર મહર્ષિ યાજ્ઞવલ્ક્યનું સાધનાસ્થળ છે અને તેમણે જ અહીં ૩૨ આંગળીઓ ધરાવતાં કલ્યાણીમાતાની મૂર્તિ સ્થાપન કરી છે. અલોપીદેવી વિશે માન્યતા છે કે આ છેલ્લી શક્તિપીઠ છે જ્યાંથી સતીમાતાનો સંપૂર્ણ દેહ અલોપ થયો હતો.