આજે ઘણા લોકો ભણતરમાં બે કે વધુ ડિગ્રી મેળવે અને સફળતાનાં શિખર ચડવા માંડે તો ઍટિટ્યુડ રાખતા થઈ જાય છે. કોઈ નાનું કામ કરવામાં તેમનો ઈગો હર્ટ થાય છે.
માગશરનો માસ
શ્રીકૃષ્ણની તસવીર
આજે ઘણા લોકો ભણતરમાં બે કે વધુ ડિગ્રી મેળવે અને સફળતાનાં શિખર ચડવા માંડે તો ઍટિટ્યુડ રાખતા થઈ જાય છે. કોઈ નાનું કામ કરવામાં તેમનો ઈગો હર્ટ થાય છે. થોડા દિવસ પહેલાં બનેલો એક સાચો પ્રસંગ તમને જણાવું. એક શેઠે તેમની કંપનીમાં ઊંચો પગાર આપી એક ડબલ ગ્રૅજ્યુએટ માણસની મૅનેજર તરીકે નિમણૂક કરી. તેને કહ્યું કે સ્ટાફના બધા માણસોને મળી ઓળખાણ કરી લો. એની સામે આ માણસનું વલણ એવું રહ્યું કે તેણે શા માટે તેના હાથ નીચે કામ કરતા માણસોને મળવા જવું જોઈએ. બધા તેની કૅબિનમાં આપોઆપ આવશે. બધા લોકો કામ છોડીને મળવા આવે એના કરતાં મૅનેજર બધાના ટેબલ પર મળી આવે એવો શેઠનો ઇરાદો હતો, પરંતુ મૅનેજરનો ઈગો વચ્ચે આવી ગયો.
આથી ઊલટું દૃષ્ટાંત હવે આપણે જાઈએ. દ્વારિકાના નરેશ ૧૪ વિદ્યા અને ૬૪ કળાના જાણકાર એવા જગદ્ગુરુ વાસુદેવ જ્યારે પાંડુપુત્ર યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ યોજ્યો ત્યારે પધાર્યા હતા. તેમણે પાંડવોને કહ્યું કે આ યજ્ઞકાર્યમાં મારે લાયક કંઈ કામ હોય તો જણાવો. પાંડવોએ હાથ જોડીને કહ્યું કે આપે બસ આસન ગ્રહણ કરી સર્વ વિધિ નિહાળવાની છે. પરંતુ કૃષ્ણનું મન ન માન્યું. તેમણે આ પ્રસંગે પધારેલા મહેમાનોનો જમણવાર પૂરો થાય એટલે તેમનાં એઠાં પતરાળાં-પડીલાં ઉપાડવાનું શ્રમિક કાર્ય કર્યું. પોતાની અસંખ્ય ગાયો અને ઘોડાઓની ખુદ ખબર કાઢવા જતા. ખવડાવતા-પીવડાવતા. બીમાર પશુઓની સારવાર પણ ખુદ કરતા. મિત્ર સુદામા મહેલમાં પધાર્યા હતા ત્યારે તેમને સિંહાસન પર બેસાડી પોતે નીચે બેસી તેમના પગમાં પડેલા છાલા જળ વડે સાફ કરવા લાગ્યા હતા. આવાં કામ કરતો ગોવાળિયો મલ્ટિપલ ડિગ્રી અને મલ્ટિપલ ટૅલન્ટનો સ્વામી હશે એમ આજની કોઈ વ્યક્તિ માને?
ADVERTISEMENT
પણ હકીકત એ છે કે તેઓ ૧૪ વિદ્યા શીખ્યા હતા.
જેમાં ચાર વેદ, છ વેદાંગ અને ચાર ઉપવેદ મુખ્ય હતા. આટલું ભણે એટલે આખા સંસારનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. પરંતુ કૃષ્ણ તો એથીયે એક ડગલું આગળ વધ્યા. નાનાથી માંડીને મોટા અને કારીગરીથી માંડીને કલાકારીના ક્ષેત્રે પણ પ્રભુત્વ મેળવ્યું.
શ્રીકૃષ્ણનું શિક્ષણ ઉજ્જૈનમાં ગુરુ સાંદીપનિના આશ્રમમાં થયું હતું. અહીં તેઓ ઉપરોક્ત ૧૪ વિદ્યા શીખ્યા હતા, જેનો સાર તેમની ભગવદ્ગીતા દ્વારા તેમણે અર્જુન સહિત આપણને પણ સમજાવ્યો. એ ઉપરાંત તેમણે માત્ર ૬૪ દિવસમાં ૬૪ કળામાં નિપુણતા પ્રાપ્ત કરી લીધી હતી. આ કળાઓની મદદથી શ્રીકૃષ્ણ અને બલરામે કેટલાંય મહાયુદ્ધોમાં જીત પ્રાપ્ત કરી હતી. ગુરુ સાંદીપનિએ શ્રીકૃષ્ણ અને બલરામને બધા વેદ, ઉપનિષદ, મંત્ર તથા દેવતાઓ સાથે જોડાયેલું જ્ઞાન, ધનુષ્યવિદ્યા વગેરે શાસ્ત્રોની સાથે ન્યાયશાસ્ત્રનું જ્ઞાન પણ આપ્યું હતું.
હવે તેઓ કઈ ૬૪ કળાઓ અહીં શીખ્યા હતા એ આપણે જોઈએ...
નૃત્ય-નર્તન, વાદ્ય-વાંસળી સહિત જુદાં-જુદાં વાજિંત્રો વગાડવાં.
ગાયન વિદ્યા-ગાયકી.
નાટ્ય - વિવિધ પ્રકારના હાવભાવ અને અભિનય.
ઇન્દ્રજાળ – જાદુગરી.
નાટક આખ્યાયિકા વગેરેની રચવા કરવી.
સુગંધિત વસ્તુઓ - અત્તર, તેલ વગેરે બનાવવું.
ફૂલોનાં આભૂષણોથી શણગાર કરવા.
વેતાળ વગેરેને વશમાં રાખવાની વિદ્યા.
જીત પ્રાપ્ત કરાવનાર વિદ્યા.
મંત્રવિદ્યા.
શુકન-અપશુકન જોવાં.
રત્નવિદ્યા.
કેટલાય પ્રકારનાં માતૃકા યંત્ર (મશીન) બનાવવાં.
સાંકેતિક ભાષા (કોડવર્ડ) બનાવવી.
જળને બાંધવું (હાલની ડૅમ બાંધવા જેવી કળા)
શાખાઓ બનાવવી.
ચોખા અને ફૂલોથી પૂજાના ઉપહારની રચવા કરવી (દેવપૂજન કે અન્ય શુભ અવસરો પર કેટલાય રંગબેરંગી ચોખા, જવ વગેરે વસ્તુઓ અને ફૂલોને જુદી-જુદી રીતે સજાવવું).
ફૂલોની સેજ (પથારી) બનાવવી.
મેના-પોપટ વગેરે પક્ષીઓની બોલી બોલવી-સમજવી.
વૃક્ષોની ચિકિત્સા.
યુદ્ધવિદ્યા ઉપરાંત ઘેટાં-બકરાં, મરઘાં, તેતર વગેરેને લડાવવાની રીત.
જડમૂળથી ઉખેડી નાખવાની વિધિ.
સ્થાપત્ય અર્થાત્ ઘર વગેરે બનાવવાની કારીગરી.
પાથરણાં, ગોદડું, કામળો વગેરે બનાવવું.
સુથારી કામ-કારીગરી.
ધાતુની પટ્ટી, નેતરકામ, બાણ વગેરે બનાવવું એટલે કે આસન, ખુરસી, પલંગ વગેરે વસ્તુ વાંસ વગેરેથી બનાવવી.
રસોઈકળા - વિવિધ પ્રકારનું ભોજન બનાવવું એટલે કે કેટલાય પ્રકારનાં શાક, રસ, મીઠા પકવાન, કઢી વગેરે બનાવવાની કળા.
લોકોના ભલા માટે હાથચાલકીનું કામ.
ઇચ્છિત વેશ ધારણ કરી લેવો.
રસાયણવિદ્યા – જુદાં-જુદાં પીણાં બનાવવાં.
દ્યૂતક્રીડા.
બધા છંદોનું જ્ઞાન.
વસ્ત્રોને સંતાડવાં કે બદલવાની વિદ્યા.
દૂરની વ્યક્તિ કે વસ્તુને આકર્ષિત કરવી.
વસ્ત્રસજ્જાના અલંકાર બનાવવા, કપડાં અને ઘરેણાં બનાવવાં.
હાર-માળા વગેરે બનાવવું.
એવી સિદ્ધિઓ દેખાડવી કે એવા મંત્રોનો પ્રયોગ કરવો અને જડીબુટ્ટીઓને મેળવીને એવી વસ્તુ કે ઔષધિ બનાવવી જેનાથી શત્રુને પરાજિત કરી શકાય.
કેશસજ્જા - ગૂંથેલા વાળ માટે ફૂલોનાં ઘરેણાં બનાવવાં - સ્ત્રીઓના વાળને સજાવવા માટે ઘરેણાંનું રૂપ આપીને ફૂલોને ગૂંથવાં.
કઠપૂતળી બનાવવી-નચાવવી.
મૂર્તિ ઘડવી-પ્રતિમા વગેરે બનાવવું.
પઝલ બનાવવી - કોયડા બનાવવા.
દરજીકામ અર્થાત્ સોયનું કામ એટલે કે કાપડની સિલાઈ, રફૂ વગેરે કરવું.
વાળની સફાઈનું કૌશલ્ય.
મનની વાત કહી દેવી, જાણી લેવી.
ભાષાજ્ઞાન - કેટલાય દેશોની ભાષાનું જ્ઞાન.
ગૂઢ કાવ્યોને સમજી લેવું - એવા સંકેતો લખવા અને સમજવાની કળા, જે તેને જાણનાર જ સમજી શકે છે.
ધાતુવિદ્યા - સોના-ચાંદી વગેરે ધાતુ તથા હીરાપન્ના વગેરે રત્નોની પરીક્ષા.
સોના-ચાંદી વગેરે બનાવી લેવું.
મણિના રંગને ઓળખવો.
ખાણોની ઓળખાણ – જાણકારી.
ચિત્રકળા.
દાંત, વસ્ત્ર અને અંગોને રંગવું.
શૈયારચના - પથારીની સજાવટ.
મણિઓથી ઘરનો પૃષ્ઠ ભાગ બનાવવો એટલે કે ઘરના પૃષ્ઠ ભાગના કેટલાક હિસ્સા મોતી, રત્નોથી જડવા.
કૂટનીતિ – રાજનીતિ.
ગ્રંથોને ભણવાની ચતુરાઈ.
નવી-નવી વાતો કાઢવી.
સમસ્યાને હલ કરવી.
બધા કોષોનું જ્ઞાન.
મનમાં કટક રચના કરવી એટલે કે કોઈ પણ શ્લોક વગેરેમાં છૂટાં પદ કે ચરણને મનમાં પૂર્ણ કરવું.
છળ (ચાલાકી)થી કામ કઢાવવું.
કાનની સજાવટ એટલે કે શંખ, હાથીદાંત સહિત કેટલાય પ્રકારનાં કાનનાં ઘરેણાં તૈયાર કરવાં. વગેરે વગેરે.
આમાંની અમુક કળા આજના સમયમાં અપ્રસ્તુત લાગે, પણ એ સમયમાં પૂરી પ્રજાના ભલા માટે ઉપયોગી હતી. બધી વિદ્યા શીખવી જરૂરી નહોતી, પરંતુ કૃષ્ણ એ શીખ્યા હતા. આજના સમયમાં કોઈ યુવાનને શર્ટમાં બટન ટાંકતાંય નહીં આવડતું હોય ત્યારે કૃષ્ણ કપડાની સિલાઈ કરી શકતા હતા.
વાહ, ઑલરાઉન્ડ૨ છતાંય ડાઉન ટુ અર્થ એવા શ્રીકૃષ્ણને વારંવાર વંદન.
(ક્રમશઃ)