બે માણસ સામસામે મળે ત્યારે હું-મારું અને તું-તારું થતું રહે
માગશરનો માસ
શ્રીકૃષ્ણની તસવીર
કૃષ્ણભક્ત નરસિંહ મહેતાએ પોતાની એક કવિતામાં સરસ પંક્તિ મૂકી છે...
હું કરું... હું કરું... એ જ અજ્ઞાનતા
ADVERTISEMENT
શકટનો ભાર જેમ શ્વાન તાણે!
અર્થાત્
બળદગાડું ચાલી રહ્યું હોય અને એની નીચે કૂતરો ચાલતો હોય તો એને તો એમ જ લાગે કે પૂરા બળદગાડાનો ભાર મારા માથે છે અને હું જ આ ગાડું ચલાવું છું. હકીકતમાં બળદગાડું તો ગાડાનો માલિક ચલાવતો હોય છે, પરંતુ આપણા આ શ્વાનભાઈ તો એમ જ વિચારતા રહેતા હોય છે કે ‘હું ગાડું ચલાવું છું.’
આવું ‘હુંપણું’ એક શ્વાન કરતાં પણ વિશેષ માણસમાં હોય છે. પૂરા બ્રહ્માંડનો માલિક આ આખી સૃષ્ટિનો વ્યવહાર ચલાવે છે અને માત્ર છ ફુટનો માણસ જરાઅમથી સફળતા કે સિદ્ધિ મળે તો એટલો અહંકારમાં રાચવા લાગે છે કે જાણે પૂરો સંસાર તેના થકી ચાલે છે. તે અહમને પોષીને પરમને અવગણે છે.
દસ મસ્તક જેટલી બુદ્ધિ અને વીસ હાથ જેટલી શક્તિ જેનામાં હતી તે લંકાનરેશ રાવણને પણ એટલો બધો અહમ્ હતો કે તેમણે પરમ (રામ)ને અવગણ્યા અને પરિણામ આપણી સામે જ છે. દરેકેદરેક સંતો કે મોટિવેશનલ સ્પીકરો પણ આ હુંપણાને છોડવાનું કહે જ છે.
પરંતુ હવે આપણા મનમાં પ્રશ્ન ઊભો થઈ શકે એવી બાબત એ છે કે ભગવદ્ગીતામાં તો કૃષ્ણ અનેક જગ્યાએ હું... હું... કરે છે તો એ તેમનો અહંકાર ન થયો?
જી ના, એ અહંકાર નથી. કેમ એ અહંકાર નથી એ હવે આપણે સમજીએે.
ભગવદ્ગીતામાં કૃષ્ણનાં બે સ્વરૂપ બતાવ્યાં છે. એકમાં તેઓ માત્ર આપણા જેવી વ્યક્તિ છે, વાસુદેવના પુત્ર છે, પાંડવોના પિતરાઈ છે અને દ્વારિકાના નરેશ છે; પરંતુ અર્જુનને દિવ્યચક્ષુ આપીને વિરાટ સ્વરૂપનાં દર્શન આપે છે, વિશ્વરૂપના દીદાર કરાવે છે એમાં કૃષ્ણ જીવાત્મા મટીને પરમાત્મા બની ગયા છે, સૃષ્ટની દરેકેદરેક શક્તિ એમાં ભળી ગઈ છે. આ સ્થિતિમાં કૃષ્ણ એક વ્યક્તિ નહીં પણ સમષ્ટિ બની ગયા છે.
બે માણસ સામસામે મળે ત્યારે હું-મારું અને તું-તારું થતું રહે, બન્ને વચ્ચે હુંસાતુંસી થતી રહે; પરંતુ તે બે માણસ સંપી જાય તો બન્નેનો અહમ્ ઓગળી જાય. આવી રીતે અનેક વ્યક્તિ પોતાનો અહમ્ ભૂલીને ભેગી થાય ત્યારે સમાજ બને, અનેક સમાજ ભેગા મળીને દેશ બનાવે. વ્યક્તિ પોતે અભિમાન ન કરે; પરંતુ એક વાર સમષ્ટિરૂપે પૂરા દેશનો ભાગ બની ગઈ તો દેશ માટે અભિમાન લઈ શકે, ગર્વ કરી શકે; કારણ કે તે કોઈ વ્યક્તિગત લાભ ન જોતાં પૂરા દેશ વિશે વિચારે છે. બસ, આ જ રીતે કૃષ્ણ પાંડવોના મિત્ર મટી, વાસુદેવના સંતાન મટીને દરેકેદરેક જીવાત્માની, દેવ-દેવીઓની શક્તિ કહો કે પૂરા જગતની શક્તિઓને સંપપૂર્વક એકત્ર કરીને વિશ્વરૂપ ધારણ કરે છે. આ વિરાટ રૂપમાં કૃષ્ણ વ્યક્તિ નહીં પણ અનેક ચેતનાઓનો સમૂહ અર્થાત્ સમષ્ટિ બની જાય છે. આ રૂપમાં તેઓ કેવળ પોતાનું નહીં, પૂરા બ્રહ્માંડનું વિચારતા હોય છે. હવે તે જ્યારે હું કહે છે ત્યારે એ કોઈ જીવાત્મા નહીં પરંતુ પરમાત્મા (અનેક નિ:સ્વાર્થ જીવાત્માનો) સમૂહ છે.
આવી શક્તિ પૂરી દુનિયાને કંઈક આપે છે, લેવાની લાલચ નથી. અગ્નિદેવ તેજ આપે છે, વાયુદેવ હવા આપે છે, વરુણદેવ જળ આપે છે, લક્ષ્મીજી ધન આપે છે, શિવજી શક્તિ આપે છે, ગણપતિ બુદ્ધિ આપે છે. તેમનામાં અહંકાર નથી. સૃષ્ટિને સુચારૂરૂપે ચલાવવાની ફરજરૂપે તેઓ નિ:સ્વાર્થ સેવા આપે છે. આ બધી શક્તિ કૃષ્ણમાં એકત્રિત થાય ત્યારે વિશ્વરૂપ બને છે. તેઓ હવે અહમ્ નથી, પરમ છે. તેઓ હુંકાર ભરે એટલે પૂરું વિશ્વ હુંકાર કરે. તેમનું ‘હું’ એટલે કોઈ એક વ્યક્તિનો અહંકાર નહીં પણ પૂરી સૃષ્ટિનું અભિમાન બતાવે છે, ગૌરવ દર્શાવે છે.
વળી જગતમાં જે-જે સમય, ઋતુ કે અન્ય ચીજવસ્તુઓ શ્રેષ્ઠ છે એ વિભૂતિ હું છું એમ શ્રીકૃષ્ણ કહે છે. જેમ કે મહિનાઓમાં માગશર હું છું, ઋતુઓમાં વસંત હું છું, પાવન કરનારાઓમાં પવન હું છું વગેરે વગેરે. આમ કહીને તેઓ આપણને એ સમજાવવા માગે છે કે તમે જે કાર્યક્ષેત્રમાં હો એમાં શ્રેષ્ઠ બનો, બાણાવળી બનો તો અર્જુન જેવા બનો, ઑલરાઉન્ડર બનો તો કપિલ દેવ જેવા બનો, અભિનેતા બનો તો અમિતાભ બચ્ચન જેવા બનો. જે ક્ષેત્રમાં જાઓ એમાં માસ્ટરી મેળવો. લોકો એવું કહેતા થાય કે આ ક્ષેત્રમાં તેણે કુશળતા મેળવી છે ત્યારે એ પણ એક પ્રકારનો શ્રેષ્ઠ યોગ જ છે. ‘યોગ: કર્મસુ કૌશલમ’ - તમે તમારા કામમાં કુશળ બનો એ પણ યોગ જ છે. આવા યોગથી તમે વ્યક્તિ મટીને સમાજ કે દેશ માટે સેલિબ્રિટી બની શકો છો તો કૃષ્ણ જેવા માનવ અનેક ગુણોનો (શક્તિઓનો) સમૂહ કુશળતાપૂર્વક એકઠો કરીને પૂરી સૃષ્ટિ માટે સેલિબ્રિટી બની શકે છે, વ્યક્તિત્વ છોડીને પ્રભુત્વ મેળવી શકે છે. આવી સિદ્ધિ હાંસલ કરવા માટે સખત મહેનત કરવી પડે. ઇન્દ્રિયો પર સંયમ રાખીને પોતાના ક્ષેત્રનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. કોઈ સિદ્ધિથી અભિમાન ન આવવું જોઈએ; નમ્રતાપૂર્વક વધુ સિદ્ધિ મેળવવા તત્પર રહેવું જોઈએ; જ્ઞાતિના, સમાજના, દેશના, દુનિયાના ભલા માટે પોતાની શક્તિ ખર્ચવી જોઈએ. રાવણ શક્તિશાળી અને બુદ્ધિશાળી પણ હતો, પરંતુ તેને એ વાતનું ઘમંડ આવ્યું કે પોતાનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે અને એવા સપનામાં રાચતા રાવણને નારી પ્રત્યેના મોહે મારી નાખ્યો, જ્યારે નિર્મોહી રામની જીત થઈ. સીતાને પત્ની તરીકે મેળવવી એ રાવણનો અંગત સ્વાર્થ હતો; જ્યારે રામ અંગત સુખ ભૂલી, સ્વાર્થ ભૂલી પ્રજાના ભલા માટે જીવ્યા. જીવાત્માના ‘હુંપણા’ અને પ૨માત્માના ‘હુંપણા’ વચ્ચે આટલો ફરક છે. માણસનો હુંકાર ‘અહંકાર’ બને છે, ઈશ્વરનો હુંકાર વ્યક્તિગત નહીં પણ સમગ્ર સૃષ્ટિનું ગૌરવ બને છે. દુર્યોધનનો હુંકાર તેને સત્તા ભોગવવી છે એ માટે છે, કૃષ્ણનો અર્જુન સામેનો હુંકાર અધર્મીઓનો નાશ કરીને ધર્મની સ્થાપના માટેનો લલકાર છે.
વ્યક્તિનો અહંકાર અજ્ઞાનતામાંથી જન્મે છે, જ્યારે ઈશ્વર હુંકાર કરે ત્યારે પૂરી સૃષ્ટિનું કલ્યાણ કરવું છે એવી સભાનતા તેમનામાં હોય છે.
(ક્રમશઃ)