અરે ભલા માણસ, મુંબઈના મેયરને મળવું હોય તો પણ કેટલી ઔપચારિક વિધિ કરવી પડે છે. એથી ઉપર રાજ્યના મુખ્ય પ્રધાનને મળવું હોય તો વધારે મહેનત કરવી પડે છે.
માગશરનો માસ
શ્રીકૃષ્ણની તસવીર
માણસના મનમાં ઘણી વાર પ્રશ્ન થતો હોય છે કે ભગવાન છે તો પછી દેખાતા કેમ નથી?
અરે ભલા માણસ, મુંબઈના મેયરને મળવું હોય તો પણ કેટલી ઔપચારિક વિધિ કરવી પડે છે. એથી ઉપર રાજ્યના મુખ્ય પ્રધાનને મળવું હોય તો વધારે મહેનત કરવી પડે છે.
ADVERTISEMENT
વડા પ્રધાનને મળવા તો અનેક ફૉર્માલિટીમાંથી પસાર થવું પડે. સિક્યૉરિટીના અનેક સ્તરમાંથી પસાર થવું પડે. અમેરિકાના પ્રમુખને રૂબરૂ મળવું એ તો એેથીય મુશ્કેલ છે. પૃથ્વી પર હાલતા-ચાલતા માણસોને મળવા મહેનત કરવી પડે છે, પૂરતો ઇન્ટરેસ્ટ લેવો પડે છે ત્યારે મળી શકાય છે. તો પછી પૃથ્વી કરતાંય મોટા અનેક ગ્રહો, ઉપગ્રહો, અબજો તારાઓ અને અનેક આકાશગંગા સહિત પૂરા બ્રહ્માંડના નાથ અને ચૌદલોકના સ્વામી કંઈ રેઢે પડ્યા છે કે સરળતાથી દર્શન દે?
હવા છે પણ દેખાતી નથી. માત્ર અનુભવ થાય છે એમ ઈશ્વર સઘળી જગ્યાએ અલગ-અલગ શક્તિનાં સ્વરૂપોનો પરચો તો આપતા રહે છે, પરંતુ પ્રગટ નથી થતા.
જોકે સાવ એવું પણ નથી કે તેઓ આપણા માટે સુલભ અર્થાત્ અવેલેબલ નથી, પરંતુ તેમને રૂબરૂ મળવા માટેની અમુક શરતો છે.
ભગવદ્ગીતાના આઠમા અધ્યાયના ૧૪મા શ્લોકમાં કૃષ્ણ કહે છે...
અનન્યચેતાઃ સતતં યો માં
સ્મરતિ નિત્યશઃ।
તસ્યાહં સુલભઃ પાર્થ
નિત્યયુક્તસ્ય યોગિનઃ
અર્થાત્ ‘જે યોગીઓ અનન્ય ભક્તિ સાથે નિત્ય મારું સ્મરણ-ધ્યાન કરે છે હું તેમને સહજ રીતે સુલભ છું, કારણ કે તેઓ નિરંતર મારી ભક્તિમાં લીન રહે છે.’
સમગ્ર ભગવદ્ગીતા દરમ્યાન શ્રીકૃષ્ણએ ફરી-ફરીને ભક્તિ ઉપર ભાર મૂક્યો છે. અગાઉના શ્લોકમાં શ્રીકૃષ્ણએ ભગવાનના ગુણ રહિત, નિરાકાર સ્વરૂપના ધ્યાનની વાત કરી છે, પરંતુ આ પ્રકારનું ધ્યાન કેવળ શુષ્ક નથી, અતિમુશ્કેલ પણ છે. વારંવાર ધ્યાન ફંટાઈ જાય છે એથી તેઓ વધુ સહેલો ઉપાય આપે છે જેમાં ભગવાનના સાકાર સ્વરૂપ જેવા કે કૃષ્ણ, રામ, શિવ વગેરેનું ધ્યાન છે. એમાં ભગવાનનાં નામો, સ્વરૂપો, ગુણધર્મો, અવનવી લીલાઓ અને તીર્થધામોનો સમાવેશ થાય છે.
પૂરી ગીતામાં આ એક જ શ્લોક એવો છે જેમાં શ્રીકૃષ્ણ કહે છે કે તેમને પ્રાપ્ત કરવા સુલભ છે, સરળ છે, પરંતુ તેઓ ‘અનન્ય ચેતા:’ની શરત રાખે છે. આ અનન્ય શબ્દ અતિ અગત્યનો છે. અનન્ય એટલે ‘ન અન્ય’ અર્થાત્ ‘અન્ય નહીં.’ મન અન્ય કોઈ પ્રત્યે નહીં પરંતુ કેવળ એકમાત્ર ભગવાન પ્રત્યે જ આસક્ત હોવું જોઈએ. આ અનન્યતાની શરત ભગવદ્ગીતામાં અનેક ઠેકાણે રજૂ કરવામાં આવી છે.
અનન્યાશ્ચિન્તયન્તો માં...
તમેવ શરણં ગચ્છ...
મામેકં શરણં વ્રજ...
ભાગવતમાં પણ અનન્ય ભક્તિ પર ભાર મૂકવામાં આવ્યો છે.
મામેકમેવ શરણાત્માનં સર્વદેહિનામ્
‘કેવળ મારું શરણ ગ્રહણ કરો, જે સર્વ જીવોનો પરમ આત્મા છું.’
અનન્ય ભક્તિનું તાત્પર્ય એ છે કે મન કેવળ ભગવાન પ્રત્યે જ આસક્ત હોવું જોઈએ. આનો તર્ક અતિ સરળ છે. ધ્યાનનો પરમ હેતુ મનનું શુદ્ધીકરણ છે અને એ કેવળ પૂર્ણ ભગવાન પ્રત્યે તેની અનન્ય ભક્તિ કરવાથી જ થાય છે, પરંતુ જો આપણે ચિંતન દ્વારા મનને શુદ્ધ કરીને પુન: માયામાં ખૂંપીને એને મેલું કરી દઈએ તો પછી અનેક પ્રયાસો છતાં ભગવાનનાં દર્શન કરી કીશું નહીં. શુદ્ધ કાચની આરપાર દેખાય, મેલા કાચની આરપાર કશું ન દેખાય.
જેઓ ભગવાનને પ્રેમ કરે છે, પરંતુ ધ્યાન ધરતી વખતેય સંસારનો મોહ છોડી નથી શકતા તો ધ્યાન દ્વારા તેમને જે પૉઝિટિવ લાભ થયો હોય એ આવા ક્ષણિક મોહની માયામાં નષ્ટ પામે છે. કપડાં ધોવા માટે સાબુ ફેરવીએ અને સાથે-સાથે એના પર ગંદકી પણ નાખતા રહીએ તો આપણો પરિશ્રમ ફેલ થઈ જાય છે. એથી શ્રીકૃષ્ણ કહે છે કે કેવળ ભક્તિ નહીં પરંતુ અનન્ય ભક્તિથી તેઓ સરળતાથી પ્રાપ્ત થાય છે. જેમ ધનવાનનો અર્થ અધિક ધનવાળો થાય એમ ભગવાનનો અર્થ જ ભક્તવાન અર્થાત્ અનેક ભક્તોવાળો એવો થાય છે, પરંતુ નરસિંહ મહેતા કે મીરાબાઈ તેમનાં અનન્ય ભક્તો કહેવાય. ૫૦૦ વર્ષ પૂર્વે તેમને કૃષ્ણનાં સાકાર દર્શન થયાના પુરાવા મળી આવે છે. દ્રાક્ષ ન મળે તો એનો અર્થ એ નથી કે દ્રાક્ષ મોજૂદ નથી પણ એ મેળવવા ઊંચાઈ પ્રાપ્ત કરવી પડે. એકચિત્તે શ્રમ કરવો પડે. આપણે કામ, ક્રોધ, મોહ, માયા, અભિમાન અને આળસરૂપી કીચડમાં ખૂંપી ગયા છીએ. એમાંથી ઊંચા ઊઠવું નથી. એકચિત્તે ધ્યાન ધરવું નથી. અનન્ય ભક્તિ કરવી નથી. એ દિશામાં એકાગ્રતાથી શ્રમ કરવો નથી. વગર મહેનતે, વગર એકાગ્રતાએ તો અભ્યાસ દરમ્યાન એક ડિગ્રી પણ નથી મળતી તો ભગવાન કેવી રીતે મળે?
અનન્ય ભક્તિ જ જરૂરી છે.
(ક્રમશઃ)