૨૧ ડિસેમ્બરે જેનો ડે ઊજવાયો એ મેડિટેશન આજના તાણયુક્ત જીવનમાં શારીરિક અને માનસિક રોગોના બંધનથી મુક્ત થવા માટે ઉપયોગી છે, પણ જેને ભવોભવના બંધનથી મુક્તિ જોઈએ છે
માગશરનો માસ
શ્રીકૃષ્ણની તસવીર
૨૧ ડિસેમ્બરે જેનો ડે ઊજવાયો એ મેડિટેશન આજના તાણયુક્ત જીવનમાં શારીરિક અને માનસિક રોગોના બંધનથી મુક્ત થવા માટે ઉપયોગી છે, પણ જેને ભવોભવના બંધનથી મુક્તિ જોઈએ છે અને જેને અહમ્ છોડીને પરમ (ઈશ્વર) તરફ ગતિ કરવી છે તેના માટે શ્રીકૃષ્ણે ભગવદ્ગીતામાં આખો છઠ્ઠો અધ્યાય ફાળવ્યો છે એ ધ્યાનયોગ અથવા આત્મસંયમયોગ તરીકે ઓળખાય છે.
આ અધ્યાયમાં શ્રીકૃષ્ણ કહે છે કે જેઓ યોગની અવસ્થા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તેમણે એકાંતમાં નિવાસ કરવો જોઈએ, નિયંત્રિત મન અને શરીર સહિત ધ્યાનમાં લીન રહેવું જોઈએ અને ભોગવાસનાથી દૂર રહેવું જોઈએ.
ADVERTISEMENT
કેવી રીતે બેસવું એનું પણ વર્ણન કરતાં કૃષ્ણ કહે છે, ‘યોગસાધના કરવા માટે કુશ (દર્ભ), મૃગચર્મ અને વસ્ત્રનું એકબીજા પર આવરણ કરીને પવિત્ર સ્થાન પર આસન બનાવવું જોઈએ. આસન બહુ ઊંચું કે બહુ નીચું ન હોવું જોઈએ. એના પર બેસીને વિચારોને નિયંત્રિત કરી મનને એક બિંદુ પર કેન્દ્રિત કરી ધ્યાન ધરવું જોઈએ. શરીર, ગરદન અને મસ્તકને એક સીધી રેખામાં દૃઢતાપૂર્વક સ્થિત કરીને મતલબ ટટ્ટાર બેસીને આંખના હલનચલન વિના નાકના આગળના ભાગ પર ત્રાટક કરવું જોઈએ. આ પ્રમાણે પ્રશાંત, ભયરહિત અને સ્થિર મનથી તથા બ્રહ્મચર્યમાં ચુસ્ત રહીને જાગૃત યોગીએ એકમાત્ર મને પરમ ધ્યેય માનીને મારું ધ્યાન કરવું જોઈએ. સદા મારામાં મનને લીન રાખીને સંયમિત મનવાળો યોગી નિર્વાણ પ્રાપ્ત કરે છે અને પરમ શાંતિ સાથે મારામાં સ્થિત થાય છે.’
ધ્યાનયોગમાં સફળતા મળે એ માટે કેવી રીતભાત રાખવી એ સમજાવતાં કૃષ્ણ કહે છે, ‘જે વધારે પડતું ખાય છે અથવા અતિ અલ્પ ખાય છે, અતિ નિદ્રા કરે છે કે અતિ અલ્પ નિદ્રા કરે છે તે યોગમાં સફળતા પ્રાપ્ત કરતો નથી; પરંતુ જે લોકો આહાર લેવામાં અને આનંદપ્રમોદ કરવામાં સંયમી રહે છે, કાર્ય કરવામાં સંતુલિત રહે છે અને નિદ્રામાં નિયમિત રહે છે તેઓ યોગની સાધના દ્વારા સર્વ દુઃખોને નષ્ટ કરી શકે છે. પૂર્ણ અનુશાસન દ્વારા તેઓ તેમના મનને સ્વાર્થી લાલસાઓમાંથી હટાવવાનું શીખી લે છે અને એને આત્માના સર્વોત્કૃષ્ટ કલ્યાણમાં તલ્લીન કરી દે છે. આવા મનુષ્યો યોગમાં સ્થિર કહેવાય છે અને તેઓ સર્વ વાસનાઓથી મુક્ત હોય છે.’
મન જ્યારે સાંસારિક પ્રવૃત્તિઓથી દૂર રહીને યોગસાધના દ્વારા સ્થિર થાય છે ત્યારે યોગી વિશુદ્ધ મનથી આત્મતત્ત્વને જોઈ શકે છે અને એ આંતરિક આનંદને માણે છે.
યોગ એ આનંદમય અવસ્થા જેને સમાધિ કહે છે એમાં પરમ અસીમ દિવ્ય આનંદની અનુભૂતિ કરે છે અને એ પ્રમાણે સ્થિત થઈને તે કદાપિ સનાતન સત્યથી વિચલિત થતો નથી.
આ પ્રમાણે સ્થિત થયેલા મનુષ્યો મોટામાં મોટી આપત્તિમાં પણ ગભરાતા નથી. દુઃખના સંયોગના અભાવને યોગ કહે છે. આ યોગની કૃતનિશ્ચયી બની, નિરાશાથી મુક્ત રહીને સાધના થવી જોઈએ.
ઇચ્છાઓનો ત્યાગ કરીને વ્યક્તિએ મન દ્વારા ઇન્દ્રિયોને બધી બાજુથી સંયમિત કરવી જોઈએ. ધીરે-ધીરે અને બુદ્ધિપૂર્વક દૃઢ પ્રતીતિ સાથે મન કેવળ ભગવાનમાં સ્થિર થઈ જશે અને અન્ય કંઈ પણ ચિંતન કરશે નહીં.
ચંચળ અને અસ્થિર મન જ્યાં-જ્યાં અને જ્યારે-જ્યારે ભટકતું હોય ત્યાં-ત્યાંથી અને ત્યારે-ત્યારે વ્યક્તિએ એને પાછું લાવીને ભગવાન પર નિરંતર કેન્દ્રિત કરવું જોઈએ.
જે યોગીનું મન શાંત છે, જેની કામનાઓ વશમાં છે, જે પાપરહિત છે અને જે પ્રત્યેક વસ્તુને ભગવાનના અનુસંધાનમાં જુએ છે તેને સર્વોચ્ચ દિવ્ય આનંદની પ્રાપ્તિ થાય છે.
આત્મસંયમી યોગી આ પ્રમાણે સ્વનું ભગવાન સાથે જોડાણ કરીને પરમાત્મા સાથેના નિરંતર સાંનિધ્યમાં પૂર્ણ આનંદની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે.
આજની પેઢી આરોગ્યની પ્રાપ્તિ માટે મેડિટેશનનો ઉપયોગ કરે છે, પણ શ્રીકૃષ્ણ તેને પરમયોગ સુધી લઈ જાય છે.
(ક્રમશઃ)