જેમ આપણે આ ભેદભાવ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જોયા એમ આપણે વિદેશમાં પાંગરેલો એક ભેદ પણ જોયો અને એ ભેદ એટલે રંગના નામે થતો ભેદભાવ અર્થાત્ રંગભેદ.
માગશરનો માસ
શ્રીકૃષ્ણની તસવીર
અગાઉ આપણે આ જ લેખમાળામાં પુરાવા સહિત જાણ્યું કે કૃષ્ણના સમયમાં જાતિભેદ કે ધર્મભેદ હતા જ નહીં.
જેમ આપણે આ ભેદભાવ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જોયા એમ આપણે વિદેશમાં પાંગરેલો એક ભેદ પણ જોયો અને એ ભેદ એટલે રંગના નામે થતો ભેદભાવ અર્થાત્ રંગભેદ.
ADVERTISEMENT
મહાત્મા ગાંધી જ્યારે બૅરિસ્ટર થઈને સાઉથ આફિકા ગયા ત્યારે તેમને ત્યાંની ટ્રેનમાંથી એેમ કહીને ઉતારી મૂકવામાં આવ્યા હતા કે આ બોગીમાં ગોરા લોકો જ બેસી શકે છે. શ્યામવર્ણીઓને ગુલામ બનાવી રાખવાની પ્રથાનો ભોગ વિશ્વમાં અનેક લોકો બન્યા હતા. સાઉથ આફ્રિકાની રંગભેદ નીતિના એક ભાગરૂપે દુનિયાની બધી ક્રિકેટ-ટીમે વર્ષો સુધી તેમનો બૉયકૉટ કર્યો હતો.
જોકે અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે એક વાત કહી દઈએ કે ગોરા રંગની મમત આપણાં છોકરા-છોકરીઓને પણ હોય છે.
અરે ખુદ કાનુડાને પણ એવો વિચાર આવ્યો હતો કે હું કાળો અને રાધા કેમ ગોરી? આ વાતના સમાધાનરૂપે જશોદામાતા કાનુડાને સમજાવે છે કે ‘તું અંધારી રાતે જન્મ્યો હતો એટલે શ્યામ છે પરંતુ તારે અને રાધાએ એકસરખાં દેખાવું હોય તો એેક કામ કર. તેના ચહેરાને લાલ-પીળા-લીલા રંગથી રંગી નાખ. તારા ચહેરાને પણ એ જ રીતે રંગી નાખ. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી. બેઉના અસલી ચહેરા-અસલ રંગ ગાયબ થઈ જશે. બેઉ એકસરખા કાબરચીતરા ચહેરાવાળા દેખાશે.’ કહેવાય છે કે રંગબેરંગી હોળી-ધુળેટીની શરૂઆત આ રીતે કનૈયાના કાળમાં થઈ હતી.
આ ઘટનાથી બીજી એક વાત પણ શીખી શકાય કે ચહેરાનાં રૂપરંગ ભાતભાતના કલર-શેડ્સ કે મેકઅપથી છુપાવી શકાય છે. રૂપરંગ નાશવંત છે, પણ સદ્ગુણ કાયમ રહે છે. માણસને પારખવો જ હોય તો તેના ગુણથી પારખવો જોઈએ. રંગથી કદાચ આકર્ષણ ઊભું થાય, પણ પ્રીત તો ત્યારે જ શક્ય બને જ્યારે માનવીની પ્રકૃતિ અર્થાત્ ગુણો ઊજળા હોય.
અગાઉના પ્રકરણમાં આપણે જોયું કે કૃષ્ણ ઇન્દ્રિય નિગ્રહ કરીને, નિષ્કામ કર્મ કરીને યોગબળથી અશક્ય લાગતાં કાર્યો કરી શકતા હતા. તેમણે અર્જુનને ગીતામાં ચોખ્ખું કહ્યું છે કે હું ધર્મને અતિશય હાનિ થાય છે ત્યારે મારા યોગબળથી પૃથ્વી પર જન્મ ધારણ કરું છું. જો કૃષ્ણે ધાર્યું હોત તો તેઓ ગોરો વાન પણ ધારણ કરી શક્યા હોત, પણ તેમણે શ્યામ વર્ણ પસંદ કર્યો.
કાળા-ગોરાની રકઝક કદાચ એ સમયનાં વર-કન્યામાં પણ થતી હોય તો નવાઈ નહીં. એે જે હોય તે, પરંતુ કૃષ્ણે શ્યામ રંગ સાથે જન્મ લઈને સાબિત કરી દીધું કે કાળો પણ ધોળાં કર્મો કરી શકે છે, કાળો પણ કામણગારો હોઈ શકે છે, કાળો પણ આકર્ષણ જમાવી શકે છે.
કાનુડો આબાલ-વૃદ્ધ, ગોપ-ગોપી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો એટલે જ તો કૃષ્ણના નામે ઓળખાય છે.
મહાત્મા ગાંધી તેમના વિચારો અને ગુણોને કારણે જ જનમેદનીને આકર્ષી શકતા હતા. એ એટલી હદ સુધી કે ગોરાઓ પણ તેમના ગુણથી અંજાઈ ગયા હતા.
જીવનમાં રંગ કરતાં ગુણ વધુ મહત્ત્વના છે એ વાતની ખબર પ્રકૃતિને પણ છે. સફેદ તલ કરતાં કાળાં તલ વધુ ગુણકારી છે. હાલની ઠંડીમાં કાળાં તલની ચીકી કે કચરિયું ખાવું આરોગ્ય માટે સારું છે. લીલી તુલસી કરતાં કાળી તુલસી વધુ ગુણકારી છે. વૈદરાજો આ તુલસીનો ઔષધિ રૂપે અનેક રીતે ઉપયોગ કરે છે. એ જ રીતે લીલી દ્રાક્ષ કરતાં કાળી દ્રાક્ષ વધુ આરોગ્યપ્રદ છે.
ગઈ કાલે આકાશમાં પૂનમનો શ્વેત ચાંદ શોભતો હતો, પરંતુ એની શોભા આજુબાજુના કાળા ડિબાંગ આકાશને કારણે વધુ ઊજળી હતી. પરીક્ષામાં પુછાય કે સફેદનો વિરોધી રંગ કયો તો
વિદ્યાર્થીઓ જવાબ આપે છે કે કાળો, પરંતુ હકીકતમાં તેઓ એકબીજાના મિત્રો છે. શ્યામ છે તો એની હાજરીમાં શ્વેતની કિંમત વધી જાય છે. મનોજકુમારની એક ફિલ્મનું આ ગીત
‘કાલે ગોરે કા ભેદ નહીં,
હર દિલ સે હમારા નાતા હૈ!
કુછ ઔર ન આતા હો હમ કો
હમેં પ્યાર નિભાના આતા હૈ...’
ભારતની શ્યામરંગી પ્રજાનો મિજાજ દર્શાવે છે. ઈશ્વરની નજરમાં કાળા-ગોરા જેવો કોઈ ભેદ નથી એ કૃષ્ણએ જન્મ સમયે શ્યામ વર્ણ ધારણ કરીને સમજાવી દીધું છે. કાળા હોવા છતાં જે આકર્ષક છે, જે ગુણિયલ છે એ શ્યામસુંદરને શત-શત પ્રણામ.
(ક્રમશઃ)