વાત સાંભળતાં જ બધાને પોતાનો ધર્મ તેમના સંપ્રદાયના રૂપમાં યાદ આવે છે. ગીતાની રચના થઈ ત્યારે ભારતમાં વ્યક્તિની પ્રકૃતિ કે સ્વભાવ એ જ તેનો ધર્મ કહેવાતો. પોતાની પ્રકૃતિ કે સ્વભાવને પસંદ આવે એવા ક્ષેત્રમાં કાર્ય કરે તો જ માણસ આનંદમાં રહે છે.
માગશરનો માસ
શ્રીકૃષ્ણની તસવીર
શ્રીકૃષ્ણના આ શ્લોકે હાલના યુગમાં ઘણી ગેરસમજ ઊભી કરી છે, એને સમજવો જરૂરી છે.
ગીતાના ત્રીજા અધ્યાયમાં અર્જુનને કહ્યું કે ‘સ્વધર્મે નિધનં શ્રેય: પર ધર્મો ભયાવહ!’
ADVERTISEMENT
અર્થાત્ પોતાના ધર્મમાં રહેતાં મૃત્યુ આવે તોય કલ્યાણકારી છે, પરંતુ બીજાનો ધર્મ તો ભયપ્રદ છે.
આ વાત સાંભળતાં જ બધાને પોતાનો ધર્મ તેમના સંપ્રદાયના રૂપમાં યાદ આવે છે. ગીતાની રચના થઈ ત્યારે ભારતમાં વ્યક્તિની પ્રકૃતિ કે સ્વભાવ એ જ તેનો ધર્મ કહેવાતો. પોતાની પ્રકૃતિ કે સ્વભાવને પસંદ આવે એવા ક્ષેત્રમાં કાર્ય કરે તો જ માણસ આનંદમાં રહે છે.
અહીં ધર્મ એટલે હિન્દુ-મુસ્લિમ, ખ્રિસ્તી કે સિખ એવા કોઈ ધર્મ એ વખતે હતા જ નહીં,
માત્ર માણસની પ્રકૃતિને જ ધર્મ કહ્યો છે.
આજના ફાસ્ટ યુગમાં પૂરી ગીતા વાંચવાનો કોઈને સમય કે રસ નથી એટલે ઘણી વાર લોકો અધૂરા જ્ઞાનનો ભોગ બની જાય છે.
બાકી ઉપરોક્ત શ્લોકની આગળ જણાવાયું છે કે જ્ઞાની સહિત બધાં પ્રાણીઓ પ્રકૃતિને અનુસરે છે. આપણે આપણી પ્રકૃતિને પસંદ હોય, આપણા સ્વભાવને માફક હોય એવાં કાર્યો જ કરવાં જોઈએ. એમાં સફળતા મળવાના ચાન્સ વધી જાય છે. આપણાં સંતાનોને પણ તેમની રુચિ અનુસાર કામ કરવાની તક આપવી જોઈએ.
મારા છોકરાને આ લાઇન શીખવાનું કહું એમાં સ્કોપ વધારે છે એમ કહીને આપણે તેને ઉકસાવીએ, પણ શક્ય છે કે એ તેની પસંદગીની લાઇન ન હોય તો પૂરતી સફળતા ન પણ મળે.
પોતાની પસંદગીની લાઇનમાં આગળ વધે તો કદાચ એ વખતે સ્કોપ ન દેખાતો હોય, પણ વહેલી કે મોડી સફળતા જરૂર મળે છે. માત્ર પૈસાને ખાતર પોતાનું મનપસંદ ક્ષેત્ર છોડીને અન્ય ક્ષેત્રમાં કામ કરતો માણસ અંદરથી અસંતુષ્ટ હોય છે.
પોતાને જે ગમતું હોય એમાં જ જે વ્યક્તિ નોકરી કે ધંધારૂપે આવક મેળવી શકે કે જીવનનિર્વાહ કરી શકે એનાથી સુખી માણસ આ દુનિયામાં બીજું કોઈ હોઈ જ ન શકે.
પોતાને ગમતી મંજિલ પ્રાપ્ત કરવા માટે જે રસ્તો પકડ્યો હોય એમાં મુશ્કેલીઓ આવે તો પણ એ હસતે મોઢે સહન કરે તો અંતે સારું જ પરિણામ આવે છે. બીજાનો રસ્તો સહેલો હોય પરંતુ ત્યાંથી જે મુકામ પર પહોંચાય છે એ પસંદ ન હોય તો શું ફાયદો?
અર્જુનનો જન્મ જ રાજવી કુટુંબમાં થયો હતો. તેને નાનપણથી જ ગુરુ દ્રોણે યુદ્ધવિદ્યા શીખવી હતી. એ સમયનો એ શ્રેષ્ઠ બાણાવળી હતો. પોતાના રાજ્યનું રક્ષણ કરવું અને અધર્મ સામે લડવું એ જ રાજાની પ્રકૃતિ હોય છે અને એ જ રાજાના સ્વભાવમાં હોય છે.
અર્જુન પોતાનો આ ક્ષત્રિય સ્વભાવ ભૂલે છે અને શસ્ત્રો હેઠાં મૂકે છે ત્યારે શ્રીકૃષ્ણ તેને આ શ્લોક સમજાવતાં કહે છે કે ‘અન્યાય સામે લડવું તારા સ્વભાવમાં છે માટે યુદ્ધ કર. જો યુદ્ધ છોડીને ભાગીશ તો નાલેશી ભોગવીશ, પણ પોતાનો સ્વધર્મ આચરતાં-આચરતાં મોત પણ આવે તો સ્વર્ગ મળશે અને જીતીશ તો રાજ્ય મળશે. પ્રજાને અધર્મથી મુક્તિ મળશે. માટે અત્યારે જ્ઞાની પંડિતોની જેમ વાતો કરવી એ તારી પ્રકૃતિ નથી, એ તારો સ્વભાવ નથી, એ તારી નબળાઈ છે.’
હવે દ્વાપરયુગમાં આ શ્લોકનો ઉપર મુજબનો અર્થ હતો, જ્યારે આજના યુગમાં આપણે કોમ કે સંપ્રદાયને જ ધર્મનું બિરુદ આપ્યું છે. માણસ પોતાની પ્રકૃતિ કે પસંદગીના કાર્યક્ષેત્ર માટે
મક્કમ રહેવાને બદલે પોતાના સંપ્રદાય માટે કટ્ટર બનતો જાય છે. આ જ કારણે સાંપ્રદાયિક વિખવાદો અને દંગા-ફસાદ વધતા જાય છે. જેમ દેડકાને પોતાનું જ તળાવ દરિયા જેવું લાગે છે એમ દરેક લોકોને પોતાના જ સંપ્રદાય મહાન લાગે છે. આમ થવાથી બે કોમ વચ્ચેનો વિગ્રહ વધી જાય છે. જે લોકો પોતાના સંપ્રદાયને જ ધર્મ સમજી બેઠા છે તેમને માટે ઉપરોક્ત શ્લોક ગેરસમજ ફેલાવે છે. તેઓ બીજાના સંપ્રદાયને પરધર્મ ગણે છે અને પોતાના સંપ્રદાયને સ્વધર્મ ગણે છે. આને કારણે જ જાતિવાદ અને કોમવાદ જેવા વિષચક્રમાં લોકો ફસાતા જાય છે. આ લોકોને કેવી રીતે સમજાવવા કે શ્રીકૃષ્ણ જે સ્વધર્મની વાત કરે છે એ સ્વભાવગત પ્રકૃતિ છે. ફરજ છે, કર્તવ્ય છે. પોતાના ઈષ્ટદેવ કે ધર્મગુરુને અનુસરતો કોઈ સંપ્રદાય નથી.
(ક્રમશ)