Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > પ્રેમની તો સીધી વાત, મારો માલિક મારા માટે જે કરે એ મારે કબૂલ

પ્રેમની તો સીધી વાત, મારો માલિક મારા માટે જે કરે એ મારે કબૂલ

Published : 15 January, 2025 10:44 AM | IST | Mumbai
Jainacharya shree Udayvallabhasuri | feedbackgmd@mid-day.com

કૃષ્ણને સમજવાની કોશિશ કરીએ એમાં મોટી તકલીફ છે. કોણ સમજ્યું છે? કૃષ્ણને સમજવા ગયેલા મોટા-મોટા મહાનુભાવોએ ગોથાં ખાધાં છે. આ ગૂંચવણ એવી છે જેનો હલ જ નથી. કૃષ્ણને સમજવા સરળ નથી.

શ્રીકૃષ્ણની તસવીર

સત્સંગ

શ્રીકૃષ્ણની તસવીર


એક જગ્યાએ મેં કૃષ્ણનું ચિત્ર જોયું હતું. એની નીચે લખ્યું હતું, ‘Don’t try to understand me, Just love me!’


કેટલું સરસ!



‘મને સમજવાની કોશિશ ન કરો, ફક્ત મને પ્રેમ કરો.’


કૃષ્ણને સમજવાની કોશિશ કરીએ એમાં મોટી તકલીફ છે. કોણ સમજ્યું છે? કૃષ્ણને સમજવા ગયેલા મોટા-મોટા મહાનુભાવોએ ગોથાં ખાધાં છે. આ ગૂંચવણ એવી છે જેનો હલ જ નથી. કૃષ્ણને સમજવા સરળ નથી. સમજાય જ નહીં. જન્મે જેલમાં અને કામ કરે મુક્તિ આપવાનું. એક બાજુ ગોપીઓનાં ચીર હરે અને બીજી બાજુ દ્રૌપદીનાં ચીર પૂરે. એક બાજુ અર્જુનને યુદ્ધમાં લડવા માટે પ્રેરે અને બીજી બાજુ પોતે રણમેદાનમાંથી મુઠ્ઠીઓ વાળીને ભાગે, રણછોડની તો વાત જ ન્યારી! તેને સમજવા મુશ્કેલ એટલે જાણે આપણા ભલા માટે જ ન કહેતા હોય કે ‘મને સમજવાની કોશિશ ન કરો, ફક્ત મને પ્રેમ કરો.’

રાધાને કોઈએ પૂછ્યું કે ‘તને કૃષ્ણ પર આટલો પ્રેમ કેમ છે?’ રાધા કહે છે કે ‘મને જે ગમે છે એ કૃષ્ણ કરે છે એટલે.’


‘એમ! તને શું ગમે છે?’

જવાબમાં રાધા કહે છે કે ‘તે જે કરે છે એ બધુંય મને ગમે છે.’

કદાચ દુઃખ આવે તો એનો પ્રસાદ. હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. ભગવાનને પ્રેમ કરે અને શરત મૂકે, ‘માળા કરું છું એટલે દુઃખ ન આવવું જોઈએ’ આવા જ્યારે આગ્રહો આવે ત્યારે એ પ્રેમ, ભક્તિ નથી; પ્રેમ એટલે મારો માલિક મારે માટે જે કરે એ મારે કબૂલ. ગોપીઓને શ્રીકૃષ્ણ પ્રત્યે છે એવો નિર્વ્યાજ પ્રેમ જે પ્રગટ કરાવે એનું નામ ધર્મ. કહેવાય છે કે હરિ ભજન
બિના સુખ-શાંતિ નહીં. મારું મન બીજે ચકરાવા લેશે, પણ અંતે થાકવાનું. એને નિરાંત ક્યારે થશે? જ્યારે તારી પાસે આવશે. એના સિવાય શાંતિ નથી. ચાહે ધર્મ હો, પૂજા, પ્રવચન, કથાશ્રવણ, સત્સંગ હો એ બધું ‘સ્વ’માં સ્થિર થવાનાં સાધન છે. આપણે જ્યારે કોઈને પ્રેમ કરીએ છીએ તો તેને સ્વમાં અપનાવી લઈએ છીએ, ઘૃણા કરીએ છીએ તો સ્વથી દૂર થઈ જઈએ છીએ. સ્વયંને ગુમાવી દઈએ છીએ. નફરતના ઝેરને મિટાવી દે, અમૃતથી ભરી દે એ ધર્મ અને એ પ્રેમ સર્વને માટે થઈ જાય, પ્રાણીમાત્રને માટે થઈ જાય. ચેતના જેમ-જેમ વધતી જાય, તેમ-તેમ પ્રેમ પ્રાણીમાત્ર માટે થતો જાય અને પ્રેમ જ્યારે અનંત થઈ જાય ત્યારે એનું નામ જ સંતત્વ. એટલે જ કહ્યું છે :

પ્રેમ જબ અનંત હો ગયા,
રોમ-રોમ સંત હો ગયા,

દેવાલય હો ગયા બદન,
હૃદય તો મહંત હો ગયા

Whatsapp-channel Whatsapp-channel

15 January, 2025 10:44 AM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK