દર વર્ષે નૂતન વર્ષાભિનંદન કહેતી વખતે આપણે એકબીજા માટે આવનારા નવા વર્ષમાં સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ વધે એવી કામના કરતા હોઈએ છીએ. જોકે ફક્ત ઇચ્છાથી આમ નહીં ચાલે. ખરા અર્થમાં આ ત્રણેય વસ્તુ વધે એ માટે કેવા પ્રયાસોની જરૂર છે એ થોડું સમજવાની કોશિશ કરીએ
પ્રતીકાત્મક તસવીર
આવતી કાલે નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતી વખતે આપણે એકબીજા માટે સારી કામના પાઠવતા હોઈએ છીએ. એમાં જીવનમાં સૌથી જરૂરી એવી સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિની કામના આપણને આપણા અને આપણા પરિજનો માટે રહેતી હોય છે. નવું વર્ષ એક નવી ઉમંગ, નવું સાહસ
અને નવા પ્રયાસો સાથે ખીલે એવું આપણે સૌ માટે ઇચ્છીએ. જે વસ્તુની અછત છે એ છતમાં બદલાય અને આપણો બધી જ રીતે વિકાસ થાય એ કામના યોગ્ય છે, પરંતુ મોટા ભાગે થતું એવું હોય છે કે સારું ઇચ્છવાથી કામ થઈ જતું નથી. ઘણા લોકો તો એવું કહે છે કે વર્ષ આવે અને જાય, કશું બદલાતું નથી. કદાચ એનું એ કારણ છે બદલાવ માટે આપણે અમુક પ્રકારનાં ખૂબ મોટાં નહીં, નાનાં-નાનાં પણ સ્ટેપ્સ ઉપાડવાં જરૂરી છે. આજના યુગમાં ધનવાનથી લઈને ગરીબ સુધી દરેકની જરૂરિયાતોમાં આ ત્રણ જરૂરિયાતો મહત્ત્વની છે - સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ, પણ એ મેળવવી કઈ રીતે? એના શું રસ્તા છે? આજે કેટલાક એક્સપર્ટ સાથે વાત કરીએ અને સમજવાની કોશિશ કરીએ એના રસ્તાઓ.
ADVERTISEMENT
સૌથી પહેલી વાત એ કે સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ જેટલાં સહજ લાગે છે પામવાં એટલાં જ આજના સમયમાં અઘરાં બની ગયાં છે. સ્વાસ્થ્ય પામવા માટે જિમમાં જવાનું, આ ખાવાનું જ અને આ નહીં જ ખાવાનું, સમયસર હેલ્થ-ચેકઅપ કરાવતા જ રહેવાનું આ બધું બધાને ખબર તો છે, પણ ફૉલો કરવાનું લાગે છે અઘરું. સુખની વાત કરીએ તો સુખ ક્યારેય ભૌતિક વસ્તુઓમાં હતું જ નહીં. મન જો ઠેકાણે રહે તો જીવન સુખમય જ છેl; પણ એને ઠેકાણે રાખવા માટે સ્ટ્રેસ નહીં જ લેવાનું, ધ્યાન કરવાનું, ખુદ પર ધ્યાન આપવાનું, કોઈ લાગણી દબાવવાની નહીં જેવી અઢળક સલાહો આપણે ખુદ લોકોને આપતા હોઈએ છીએ. જોકે એમાંથી આપણે જાત પર કેટલી લાગુ પાડીએ છીએ? સમૃદ્ધિ માટે તો આપણે બધા જ ખૂબ પ્રયત્નો કરીએ છીએ. બૉસની ચાપલૂસીથી લઈને શૅરબજારમાં રિસ્ક લેવા સુધી, સ્ટાર્ટ-અપનાં સપનાં જોવાથી લઈને લક્ષ્મીજીની પૂજા કરવા સુધી બધા પ્રયાસો સમૃદ્ધિને વધારવા માટેના જ તો હોય છે. જોકે આપણને જોઈએ એટલી એ વધતી નથી, કારણ કે કમાવું એ સહેલું તો નથી. પણ જો સરળ રસ્તાઓ જોઈતા હોય તો? આજે નવા વર્ષે વાત કરીએ કેટલાક સરળ રસ્તાઓની જેના દ્વારા આપણે સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ પામી શકીએ.
સ્વાસ્થ્ય ત્યારે મળશે જ્યારે શરીરનું સાંભળશો
સારું સ્વાસ્થ્ય પામવું સરળ નથી, એના માટે ખૂબ મહેનત કરવી પડે એ વાત પ્રસ્થાપિત કરીને સ્વાસ્થ્ય જે સહજ હોવું જોઈએ એના માટે અસહજ ધારણાઓ બાંધવામાં આવી રહી છે. આ વાત કરતાં ધ યોગ ઇન્સ્ટિટ્યૂટ, સાંતાક્રુઝનાં યોગગુરુ હંસાજી યોગેન્દ્ર કહે છે, ‘કોઈ પણ વસ્તુ સહજ રીતે જ્યારે જીવનમાં તમે લાવો તો એ ટકશે. સ્વાસ્થ્ય માટે અથાગ પ્રયત્નોનો બોજ લઈને શરૂઆત કરશો તો ગાડી લાંબી નહીં ચાલી શકે. સ્વસ્થ રહેવાનો એકમાત્ર ઉપાય છે અને એ છે તમારા શરીરનું સાંભળો. આપણું શરીર એક ખૂબ સુંદર ડિવાઇસ છે જે એની મેળે ઠીક થઈ શકે છે જ્યારે તમે એનું સાંભળો. રાત્રે આંખો ઘેરાય તોય પરાણે આંખો ફાડી-ફાડીને પાર્ટી માટે કે કોઈ વેબ-સિરીઝ જોવા ખાતર જાગવાનું છોડવું પડશે. પેટ કહે છે કે એ ભરાઈ ગયું છે, પણ લાલચના માર્યા હજી એક મીઠાઈનું બટકું મોઢામાં મૂકતા અટકવું જરૂરી છે. પીઠ કહે છે કે હું થોડી અકળાઈ ગઈ છું તો ઑફિસની ખુરશી છોડીને પાંચ મિનિટ થોડાં આસન કરી લેવાં જરૂરી છે. જો તમે શરીરનું સાંભળશો તો તમારે શરીરને સંભાળવાની જરૂર નહીં પડે, એ જાતે જ પોતાનું ધ્યાન રાખી લેશે. આમ જો સ્વાસ્થ્ય બનાવવું હોય તો શરીર તમને શું કહે છે એ સમજો અને એનું સાંભળો. પછી બધું ધીમે-ધીમે એની જગ્યાએ ગોઠવાતું જશે.’
સુખ આપશો તો એ મળશે
સુખની પરિભાષા ઘણી વ્યાપક છે. વળી એ દરેક માટે જુદી-જુદી પણ હોઈ શકે છે. જોકે સુખ અને શાંતિનો સીધો હિસાબ મન સાથે છે. એટલે જ ઝૂંપડામાં રહેનારી વ્યક્તિ પણ સુખી હોઈ શકે છે અને કૅન્સરના દરદીને પણ આટલી પીડા વચ્ચે શાંતિનો અનુભવ થઈ શકે છે જ્યારે તમારું મન ઠીક હોય. એ વિશે વાત કરતાં હંસાજી યોગેન્દ્ર કહે છે, ‘આ સંસારનો નિયમ છે કે જે વસ્તુ તમે વાવશો એ વસ્તુ તમને મળશે. જો તમે તમારા જીવનમાં આનંદ રોપશો તો જ આનંદ મળશે. ઘણા લોકો અમારી પાસે દુખી થઈને આવે છે કે મને પ્રેમ નથી મળ્યો, મને કોઈ ચાહતું નથી. હું તેમને કહું છું કે ભાઈ, પહેલાં આપવાનું તો શરૂ કર. તમને જે પણ જોઈએ છે એ પહેલાં આપવાનું શરૂ કરો. સુખ જોઈએ છીએ તો સુખ આપતાં શીખો પહેલાં. સુખ આપોઆપ તમારી પાસે આવશે. તમને માનસિક શાંતિ જોઈએ છે, પણ તમે બીજાના જીવનમાં ઉત્પાત કરો છો તો તમને કઈ રીતે માનસિક શાંતિ મળશે?’
સમૃદ્ધિ ત્યારે જ્યારે પૈસા કરતાં કામને વધુ મહત્ત્વ મળે
પૈસો ધનવાન હોય કે ગરીબ દરેકની જરૂરિયાત છે. ગરીબની જરૂરિયાત છે પૈસા કમાવા, ધનવાનની જરૂરિયાત છે વધુ પૈસા કમાવા. એ કઈ રીતે શક્ય બને એ બાબતે એ વિશે વાત કરતાં સર્ટિફાઇડ ફાઇનૅન્શિયલ પ્લાનર સીએ મુકેશ દેઢિયા કહે છે, ‘મારા આટલાં વર્ષોના અનુભવથી હું એ તારણ પર આવ્યો છું કે જે વ્યક્તિ પૈસાને મહત્ત્વ આપે છે તે વ્યક્તિ કમાઈ નથી શકતી, પરંતુ જે વ્યક્તિ તેના કામને મહત્ત્વ આપે છે તેની પાસે પૈસો આવે છે - પછી એ બિઝનેસ હોય કે નોકરી. એક ડૉક્ટર જ્યારે તેના દરદીને અને એક દુકાનદાર જ્યારે તેના ગ્રાહકને પોતે કમાયેલા પૈસા કરતાં વધુ મહત્ત્વ આપે છે ત્યારે સમૃદ્ધિ વધે છે. જ્યારે તમે કામને પ્રાધાન્ય આપો છો ત્યારે તમે વધુ ને વધુ સારું કામ કઈ રીતે થઈ શકે એના પર ફોકસ કરો છો અને એને કારણે પૈસો વધે છે. તમે તમારી આજુબાજુ જોશો તો સમાજમાં આનાં અઢળક ઉદાહરણો મળી આવશે.’