Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ૭૫મા સ્વાતંત્ર્ય દિને ભારતના હસ્તકલા વારસામાં કમલા દેવી ચટ્ટોપાધ્યાયની નજરે ડોકિયું

૭૫મા સ્વાતંત્ર્ય દિને ભારતના હસ્તકલા વારસામાં કમલા દેવી ચટ્ટોપાધ્યાયની નજરે ડોકિયું

Published : 15 August, 2022 03:23 PM | Modified : 16 August, 2022 01:40 PM | IST | Gandhinagar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારતીય હસ્તકલા વારસાના મૂલ્યોનું અવલોકન કમલા દેવી ચટ્ટોપાધ્યાયની નજરે એમના પુસ્તક “ભારતનો હસ્તકલા વારસો” વાંચતા તેમાં આલેખાયેલ કારીગર, કારીગરી તથા હસ્તકલાને સંલગ્ન એમના વિશ્લેષ્ણાત્મક આલેખનને સમજવાનો અને લોકો સુધી પહોંચાડવાનો આ એક પ્રયાસ છે.

તસવીર સૌજન્ય: મેષાંક લખિયા

તસવીર સૌજન્ય: મેષાંક લખિયા


“જીવન ઉપયોગી, અલગ અલગ જરૂરિયાતની વસ્તુઓ સર્જનની પ્રક્રિયા માનવજાતનાં ઈતિહાસ સાથે વણાયેલી છે, પરંતુ ભારતીય આદિવાસી હસ્તકલા અને વારસામાં આ સર્જનાત્મક પ્રવૃત્તિ વ્યાપારલક્ષી બનાવટોની સાપેક્ષમાં જીવનમાં સુંદરતાના સિંચન સાથે સંકળાયેલ છે જેથી કરીને આ સર્જનાત્મક પ્રક્રિયા આનંદ દાયક બની રહે છે.” કમલા દેવી ચટ્ટોપાધ્યાય.


ભારતીય હસ્તકલા વારસાના મૂલ્યોનું અવલોકન કમલા દેવી ચટ્ટોપાધ્યાયની નજરે એમના પુસ્તક “ભારતનો હસ્તકલા વારસો” વાંચતા તેમાં આલેખાયેલ કારીગર, કારીગરી તથા હસ્તકલાને સંલગ્ન એમના વિશ્લેષ્ણાત્મક આલેખનને સમજવાનો અને લોકો સુધી પહોંચાડવાનો આ એક પ્રયાસ છે.



તેમણે જણાવ્યું છે કે આપણા દેશમાં પરંપરાગત કારીગરીનો અર્થ માત્ર કોઈ સાધન-સામગ્રી સાથેની કાર્ય દક્ષતા કરતાં ઘણો બહોળો અને ઊંડો છે. એ કારીગરની લાગણીઓ, માનસિક તથા શારીરિક પાંસાઓના લય-બદ્ધ સંકલનને આવરે છે. ભારતે સદીઓના અનુભવને આધારે આ જટિલ ફિલૉસૉફીનું તારણ કાઢ્યું છે. દરેક સમુદાયએ જીવનના આનંદ, જવાબદારીઓ તથા વિષાદને વહેંચીને એક સંકલિત લયબદ્ધ વાતાવરણમાં કરેલ કલ્પના હતી. એ માનવીના આંતરમનની ઉપજ હતી જે મન અને મટીરિયલને સંપૂર્ણ કુશળતાથી સાંકળીને એક ચોક્કસ હેતુપૂર્ણ સર્જન કરતી.


કોઈ પણ રચનાએ ‘સ્વ’ સાથે એકાકાર થયેલ વ્યક્તિત્વના અનુભવનો સાક્ષાત્કાર હતો જે સમયાંતરે વૈદિક સમાજ દ્વારા ‘સાધના’ તરીકે વર્ણવાયો. કોઈપણ સર્જનાત્મક પ્રવૃત્તિ આવકાર્ય અને પ્રતિષ્ઠા પાત્ર લેખાતી. કારીગરની કળાથી અવગત હસ્ત વૈભવી ગણાતા. અલબત્ત, નમુનાની ગુણવત્તાની પરખ તેને નિહાળનારના મન-હૃદયને સ્પર્શવાની ક્ષમતા તથા તેના દ્વારા મળતા પ્રતિભાવોથી થતી. આમ સામાજિક હેતુ તથા માનસિક સંતોષ એ બે ગુણવત્તા ચકાસવાના મુખ્ય પરિબળો હતા.

આ સર્વે વિશ્લેષ્ણોને આધુનિક સમયની ઝડપી જીવનશૈલીમાં સૌએ ફરીથી આવરવાની જરૂર છે. કમલાજી એ ખૂબ સચોટ કહ્યું છે કે માનવજાતની જરૂરિયાતો વધવાની સાથે તથા કારીગર સમુદાયોના વ્યાપ વધવાની સાથે કારીગરીએ વ્યવસાયનું રૂપ ધારણ કર્યું. પરંપરા તો આગળ વધી પણ હવે એ એક જટિલ માળખામાં પ્રવેશી છે. ગ્રાહકલક્ષી આ માળખામાં હવે કળા એક ક્ષેત્ર માત્ર બની રહી છે. કારીગરો અંતરિયાળ ગામડામાંથી વિકસતા શહેરમાં આવ્યા. આ રીતે બદલાતા જતા કળાના મહત્ત્વ તથા વિવિધતાની માગે ટુલ્સ અને ટેકનોલોજીને નિમંત્રણ આપ્યું જે માનવ મર્યાદાને પાર કરી શકે.


આ માહોલમાં કળા સંશોધક તરીકે અમે એ અનુભવ્યું છે કે કારીગરોમાં હરીફાઈની ભાવના વધતી જાય છે, જેના કારણે કળા હવે ઉપર પ્રમાણે જીવનનો એક ભાગ જે માનસિક શાંતિ આપે, જે કારીગરને સાધના તરફ, આધ્યાત્મિક માર્ગે દોરે એમ નહિ, પરંતુ માત્ર એક કમાણીનું સાધન બની રહી છે, જે સમુદાયોના સંસ્કૃતિક વારસાને અને સામાજિક ગુથણીને પણ નકારાત્મક અસર કરી શકે, જે યથાકાળે આપણા અમૂલ્ય કળા વારસા માટે સંકટમય પરિસ્થિતિ સર્જી શકે છે. અહીં, બદલાવનો બહિષ્કાર નથી પણ એવું ચોક્કસ લાગે છે કે ‘કોમ્પિટિટીવ ભાવના’ની જગ્યા એ ‘કો-ઓપેરટીવ ભાવના’ કેળવવાની જરૂર છે કે જે કળા સાધનાનાં મુખ્ય હેતુ અને સિદ્ધાંતને અનુલક્ષીને હોય. અમે કળા સંશોધક તરીકે આવા કો-ઓપેરટીવ કો-ક્રીએશઅનનો એક પ્રયોગ તાજેતરમાં કર્યો, જેમાં અલગ-અલગ કળામાં કુશળ કારીગરો સાથે તેમની વિવિધ કળાઓના સમ્નવયની ચર્ચા-વિચારણાનું આયોજન કરાયું, જે કારીગરોમાં આવકાર્ય રહેલ.

અત્યારની “નેશનલ એજ્યુકેશન પોલિસી” અંતર્ગત કળા શિક્ષણને ફરજિયાત બનાવાયું છે, જે અમૂલ્ય કળા વારસાને જીવંત રાખવા તરફન જતી કેડી કહી શકાય. આ દિશામાં દેશના ડિઝાઇન ઇન્સ્ટિટ્યુટ પણ ખૂબ સક્રિયતાથી કાર્ય કરી રહ્યા છે; જેથી કરીને દેશનો આ અમૂલ્ય વારસો તથા કળા વારસાનો મૂળભૂત હેતુ જળવાય રહે જેથી કરીને આવનારી પેઢીમાં આ મૂલ્યોના સિંચનથી વૈશ્વિક સહકારની ભાવના કેળવાય તે હેતુથી કમલા દેવી ચટ્ટોપાધ્યાયના આ વિચારો દ્વારા દર્શાવાયેલ મૂલ્યોને વારંવાર વાંચવા તથા વાગોળવા ખૂબ જરૂરી છે.

લેખક: ડૉ. કૃતિ ધોળકિયા અને અસિત ભટ્ટ; સહ પ્રાધ્યાપક; માસ્ટર ઑફ ડિઝાઈન ડિપાર્ટમેન્ટ; નેશનલ ઑફ ફેશન ટેકનોલોજી, ગાંધીનગર.

Whatsapp-channel Whatsapp-channel

16 August, 2022 01:40 PM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK