કચ્છ : અંજારમાં આવેલ જેસલ તોરલ પણ છે એક વિશિષ્ટ પ્રેરણાસ્થળ
જેસલ તોરલ સમાધિ (All PC facebook account Jesal Toral)
ગુજરાતમાં આવેલ કચ્છ જીલ્લો અનેક રીતે લોકોમાં જાણીતો છે. ત્યારે આ કચ્છમાં આવેલ અંજાર શહેરમાં એક એવી કહાની રહેલી છે કે જેને પ્રલય સાથે પણ જોડવામાં આવે છે. અંજાર શહેરમાં ઐતિહાસિક દ્રષ્ટિએ જેસલ તોરલની કોઇપણ ચોક્કસ માહિતી મળતી નથી. પરંતુ એવું કહેવાય છે કે અંજાર શહેરમાં આવેલી જેસલ-તોરલની સમાધી એક બીજાથી થોડા અંતરમાં આવેલી છે. એક એવી માન્યતા રહેલી છે કે આ બંને સમાધી એક બીજાથી આકર્ષાય છે અને જ્યારે આ અંતર શુન્ય થઇ જશે ત્યારે પ્રલય આવશે.
ADVERTISEMENT
જાણો, જેસલ-તોરલને લઇને શું રહેલી છે માન્યતા
તેમના વિશે માન્યતા એવી છે કે જેસલ એ એક લૂંટારો હતો. તે તોરી ઘોડી, ચમત્કારી તલવાર અને રાણીને લૂંટવા નીકળે છે. એવામાં જેસલના જીવનમાં પરિવર્તન આવે છે કે, જે ત્રણ વસ્તુઓ તે લૂંટવા નીકળ્યો હતો તે ત્રણ વસ્તુઓ તેને સરળતાથી મળી જાય છે. આ ત્રણે પાસે કોઇક એવી ચમત્કારી શક્તિ હોવાથી જેસલની અંદરની નકારાત્મકતા પર સકારાત્મક ઘેરાતી જાય છે. સતી તોરલ, તોરી ઘોડી અને તે દૈવી તલવાર સાથે જેસલ દરિયાઇ માર્ગે પોતાના ગામે જતો હોય છે. ત્યારે દરિયામાં એકાએક તોફાન આવવાથી જેસલ ખૂબ જ ગભરાઈ જાય છે પરંતુ સતી તોરલ વિચલિત થતી નથી અને તેને કારણે જેસલના મનમાં તેના પ્રત્યે આશ્ચર્યભાવ જન્મે છે જેસલ જાડેજા સતી તોરલને પ્રશ્ન પૂછે છે કે "તમને ભય નથી આ તોફાનમાં આપણો જીવ હરાઇ જશે." સતી તોરલ જવાબમાં કહે છે કે જેસલે જેટલા પણ પાપ કર્યા હોય તે નિસ્વાર્થભાવે સ્વીકારી લે. આમ કરવાથી તેના પ્રાણ સંકટમાંથી ઉગરી જશે.
આ ઘટના બાદ જેસલ પોતાના કર્મોનો સ્વીકાર કરે છે અને તે ભજન સ્વરૂપે પણ પ્રચલિત છે. જેસલ પોતાના કર્મોનો સ્વીકાર કરી લે છે અને તેને કારણે તેનો જીવ બચી જાય છે એવી માન્યતા છે. આ એક ઘટનાને લીધે જેસલ લૂંટારામાંથી સન્માર્ગે વળે છે તે એક સંત તરીકે આજે પણ પૂજાય છે. જેસલ જગનો જોટો તરીકે ઓળખાતો હતો તે હવે જેસલ જાડેજા તેમજ સતી તોરલના ભક્ત તરીકે ઓળખાય છે.
સતી તોરલના સમાધી સમયે જેસલની ગેરહાજરીને કારણે તે બન્નેનાં સમાધીમાં પણ છેટું (અંતર) રહેલું છે, અને એવી પણ માન્યતા છે કે બન્ને સમાધીઓ એકબીજા તરફ આકર્ષાય છે અને જ્યારે આ અંતર શૂન્ય થશે ત્યારે પ્રલય સર્જાશે.
આ પણ વાંચો : કચ્છ : ચૈત્રી નવરાત્રીમાં અહીં કરો એકસાથે 33 કરોડ દેવી દેવતાઓના દર્શન
ઉલ્લેખનીય છે કે આ લોકવાયકા પરથી એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે. જે 2 કલાક અને 17 મિનિટની છે તેમજ તેની સ્ટાર કાસ્ટમાં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા અને અનપમા જેવા કલાકારો હતા. આ ફિલ્મનું દિગ્દર્શન રવીન્દ્ર દવેએ કર્યું છે.