ભારતના પશ્ચિમી છેડાનાં રખોપાં કરતા કોટેશ્વર મહાદેવ ત્રેતાયુગથી અહીં બિરાજમાન છે. આ મહાદેવજીનું સ્વરૂપ જેટલું અલૌકિક છે એટલું જ અદ્ભુત શંભુનાથના મંદિરનું લોકેશન છે
તીર્થાટન
કોટેશ્વર મહાદેવ
નજર પહોંચે ત્યાં લગી, અરે ઠેઠ ક્ષિતિજ સુધી સમુદ્રનું સ્થિર પાણી દેખાય તો સમજી જજો કે તમે કચ્છમાં છો. ખારા ઉદધિના પટમાં ક્યાંક-ક્યાંક સફેદ માટી જેવા દેખાતા મીઠાના પટ્ટા નજરે ચડે તો જાણજો કે તમે કચ્છમાં છો. કમરબૂડ કીચડમાં ૮થી ૧૦ કલાક ખડેપગે રહ્યા છતાં હસતા અને હેતાળ આર્મીમૅન મળે તો માની લો કે તમે કચ્છમાં છો. પોતાની મસ્તીમાં મસ્ત છતાં આગંતુકોને આવકારવા આતુર માડુ (માનવો)ઓનો ભેટો થાય તો તો પાક્કું તમે કચ્છમાં જ છો.
દેશના આ સૌથી મોટા જિલ્લાનું વર્ણન શબ્દોમાં કરવું શક્ય જ નથી. કચ્છને તો અનુભવવું પડે, શ્વાસમાં ભરવું પડે, પણ કચ્છનાં નસીબ થોડા વાંકાં કે એની ઓળખ દેશ-વિદેશને અહીં આવેલા વિનાશક ભૂકંપ પછી થઈ. એ પહેલાં તો નૉન-કચ્છીઓ માટે આ ડિસ્ટ્રિક્ટ ભારતના નકશામાં આવેલો એક પ્રદેશ માત્ર હતો.
ADVERTISEMENT
વેલ, આ ધીંગી ધરાની જાણ કાળા માથાના માનવીને ભલે એકવીસમી સદીમાં થઈ, પણ સનાતન ધર્મના ત્રણેય ભગવાનોને કચ્છની ધરતીના ખમીરનો અંદાજ હતો એટલે જ કૈલાશપતિ અહીં કોટેશ્વર રૂપે, બ્રહ્માજી ગાય સ્વરૂપે તથા વિષ્ણુજી તપસ્વી બ્રાહ્મણ રૂપે અહીં પ્રગટ થયા હતા.
અચ્છા! ક્યારે? ક્યાં? કેવી રીતે એ જાણવા, ઓવર ટુ ત્રેતાયુગ. પ્રિસાઇસલી રામાયણકાળ.
રાજા વિશ્રવા અને રાણી કૈકસીનો જયેષ્ઠ પુત્ર રાવણ. જેઓ ૬ શાસ્ત્ર તથા ચાર વેદના પારંગત તો હતા જ સાથે શિવતાંડવ સ્તોત્રના રચયિતા પણ ખરા. આમ તો રાવણના વડવાઓ સપ્તર્ષિઓમાંના એક. તેમના દાદા ઋષિ પુલસ્ત્ય બ્રહ્માજીના માનસપુત્ર એથી તેઓ જન્મે બ્રાહ્મણ, પણ તેમનાં માતા કૈકસી અસુર સુમાલીનાં પુત્રી અને નાના સુમાલીના પિતા રાક્ષસોના રાજા સુકેશ. સુમાલીની ઇચ્છા હતી કે તેમની પુત્રી કૈકસી ભૂલોકના શક્તિશાળી વ્યક્તિ સાથે વિવાહ કરે જેથી અસાધારણ ઊર્જાવાન અને વિદ્વાન બાળકોના જન્મ થાય અને ઋષિ તેમ જ દૈત્ય કૈકસીનાં રાવણ, કુંભકર્ણ, વિભીષણ તથા શૂપર્ણખા એમ ચાર સંતાનો જન્મ્યાં. આ ચારેય ભાઈ-બહેનો શક્તિશાળી તો હતાં જ (જેની કથાઓ આપણાં અનેક પુરાણોમાં આલેખાયેલી છે) તથા ત્રણેય ભાઈઓએ તો ગોકર્ણ પર્વત પર ૧૧,૦૦૦ વર્ષ તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કરી અનેક વરદાન મેળવ્યાં હતાં.
હવે, આપણી આજની કથાના નાયક રાવણની શક્તિઓ અને ભક્તિ પર ફોકસ કરીએ. રાવણે પિતા વિશ્રવાના પાસેથી વેદો અને યુદ્ધકલાનું જ્ઞાન મેળવ્યું હતું. પોતાના આદ્ય પૂર્વજ બ્રહ્માની તપસ્યા તો કરી, સાથે વિશિષ્ટ ધાર્મિક જ્ઞાન મેળવતાં ભગવાન શંકરનો પણ પરિચય થયો અને દશાનન એવા પરમ શિવભક્ત બની ગયા કે એક વખત તેમણે ભોળાનાથને પ્રસન્ન કરવા પોતાના માથાની બલિ ચડાવી દીધી અને એ પણ એક વખત નહીં, ૧૦ વખત. બાબા અમરનાથ ભોળા હોવાની સાથે દયાળુ પણ ખરા એથી ભક્તનો આવો પ્રેમ અને ઉપાસના જોઈ દસ વખત તેમણે રાવણને નવાં મસ્તક જોડી આપ્યાં (આથી રાવણ દશાનન કહેવાય છે). ઉપરાંત તેઓ સદાય વિજેતા બની રહે એવું દિવ્ય અમૃત આપ્યું. કહેવાય છે કે આ અમૃત વરદાનની શક્તિ એવી હતી કે રાવણ જ્યાં સુધી જીવતો રહે ત્યાં સુધી તેને કોઈ પરાસ્ત ન કરી શકે.
બસ, મબલક શક્તિ અને અજેયપણું પામી રાવણને અહંકાર આવી ગયો. તેમણે ચંદ્ર-સૂર્ય સહિત નવેનવ ગ્રહો, અનેક દેવો, આસુરી શક્તિઓને કબજે કરી લીધાં અને પછી તેમને અજર-અમર થવાનું શૂર ઊપડ્યું અને ફરી તેઓએ શંભુનાથની ઉગ્ર તપસ્યા માંડી.
અહીં રાવણની એક વાત નોંધવી ઘટે કે અભિમાની, બેસુમાર તાકાતવાન, અનેક વિશેષ શક્તિઓના સ્વામી હોવા છતાં તેમનો એક પણ દિવસ શિવલિંગની પૂજા-અર્ચના વિનાનો નહોતો જતો. તેઓ દેવલોકમાં હોય કે પૃથ્વીલોકના કોઈ પણ છેડે, શિવવિગ્રહ ન હોય તો પોતે બનાવતા, પણ આશુતોષની પૂજા કરવાનું ચૂકતા નહીં.
રાવણને અમરત્વ પ્રાપ્ત કરવું હતું એથી તેમને થયું કે સ્વયં શિવજી જેઓ અતિ પવિત્ર છે, દિવ્ય છે, એ જ હું વિશ્વેશ્વર પાસે માગી લઉં અને મારી સાથે, મારા રાજ્યમાં રાખું તો મને તેમની અર્ચના-ભક્તિ કરવામાં અડચણ ન આવે અને હું ક્યારેય મરણને શરણ ન થાઉં. આ સંકલ્પ કરી તેઓ બેસી ગયા સાધનામાં. ઘોર તપસ્યા બાદ અઘોરીનાથ પ્રગટ થયા અને રાવણે દિવ્ય લિંગમ્ માગી લીધું. પશુપતિનાથ તો ભોળા એથી તેમણે ભક્ત રાવણની માગણી પૂર્ણ કરી અને નીલકંઠે પોતાની આત્મશક્તિથી એક લિંગ પ્રગટ કર્યું અને એ શરત સાથે રાવણને આપ્યું કે લિંગને નીચે ક્યાંય મૂકવું નહીં, એ જ્યાં મૂકશે ત્યાં સ્થિર થઈ જશે. શરત કબૂલ રાખીને લંકાપતિ તો ઊપડ્યા લંકા.
રાવણની આ ચેષ્ટા જાણીને પૃથ્વીના અન્ય દેવતાઓના પેટમાં ફાળ પડી કે એ દિવ્ય લિંગ આ ભૂમિ પરથી લંકામાં જતું રહેશે તેમ જ લિંગને કારણે દશાનનને અમરત્વનું વરદાન પણ મળી જશે એટલે દેવતાઓ બ્રહ્માજી અને વિષ્ણુ પ્રભુ પાસે પહોંચ્યા અને આખી વાત કરી ત્યારે આ બેઉ ભગવાને એક આઇડિયા કર્યો. બ્રહ્માજી ધરતી પર ગાય બનીને અવતર્યા અને વિષ્ણુ તપસ્વી બ્રાહ્મણ રૂપે. રાવણ શિવલિંગ લઈ આકાશમાર્ગે કચ્છની ભોં પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વિષ્ણુ અને બ્રહ્માએ માયા રચી. ગાયને કીચડમાં ફસાવી દીધી અને ગાયની સાથે રહેલા બ્રહ્મદેવ ગૌમાતાને કાદવમાંથી કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. ગાયનું કણસવાનું રાવણે સાંભળ્યું. તપસ્વીનો મદદનો પોકાર પણ તેમણે સાંભળ્યો અને અંબરમાંથી નીચે ભૂમિ પર જોતા રાવણને આ દૃશ્ય દેખાયું. વિદ્વાન અને બ્રહ્મપુત્ર રાવણની જીવદયા જાગી ઊઠી અને તેઓ નભમાંથી ધરા પર ઊતર્યા.
શંકર ભગવાનની નીચે લિંગ ન મૂકવાની શરત મંદોદરીના કાંતને યાદ હતી એટલે તેમણે એક હાથથી જ બ્રાહ્મણ સાથે મળીને ગાયને કીચડમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ ગાય વજનમાં ભારે થતી ગઈ અને કાદવમાં વધુ ઊંડી ખૂંપી ગઈ. ગૌમાતાની આવી પરિસ્થિતિ જોતાં રાવણને એની દયા ઊપજી અને તેમણે શિવલિંગને હાથમાંથી એક નાની ટેકરી પર મૂક્યું અને બેઉ હાથે ગાયને કાદવમાંથી કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા. દિવ્ય લિંગ નીચે મૂકતાં જ ગાય ગાયબ થઈ ગઈ અને બ્રાહ્મણ પણ બ્રહ્મલીન. ચતુર રાવણ દેવોની એ ચાલાકી સમજી ગયા, કારણ કે અગાઉ પણ તેમણે રાવણ સાથે આવું છળ કર્યું હતું. (એ બે લિંગ ઝારખંડમાં બૈધનાથ તથા કર્ણાટકમાં મહાબળેશ્વર રૂપે છે) એથી તેમણે એ સ્થિર થઈ ગયેલા લિંગને બળથી કાઢવાના પ્રયાસ કર્યા. તો અગેઇન દેવોએ લીલા કરી અને ત્યાં દિવ્ય લિંગ જેવાં જ કોટિ લિંગ મૂકી દીધાં.
હવે, દશાનન ચકરાવે ચડ્યા, આમાંથી મારું શિવલિંગ કયું? અને કન્ફ્યુઝન વધતાં જ ખાલી હાથે પોતાના દેશમાં જવા ઊપડી ગયા. તેમના ગયા બાદ દેવોએ રચેલાં માયાવી શિવલિંગો પણ અલોપ થઈ ગયાં અને રહી ગયું માત્ર રાવણને મળેલું ઓરિજિનલ લિંગ અને એનું નામ પડ્યું કોટેશ્વર. આમ રાવણની જીવદયા થકી કચ્છને દિવ્ય લિંગ પ્રાપ્ત થયું.
સો, તીર્થાટનપ્રેમીઓ, પાકિસ્તાન બૉર્ડરથી સાવ ઢૂંકડે આવેલું કોટેશ્વર સ્થિત પિન્ક પથ્થરનું વિશાળ શિવાલય તો નવું છે, પરંતુ ગર્ભગૃહ પ્રાચીન છે અને ટેકરી પર હોવાથી આખો પરિસર થોડો ઊંચો છે. નવા નિર્માણને લીધે શિવલિંગ આજુબાજુની જમીનથી અડધો ફુટ નીચે છે, પણ આનંદની વાત એ છે કે કોટેશ્વરનાથનાં સ્પર્શદર્શન કરી શકાય છે તેમ જ બપોરે ૧૨ વાગ્યા પહેલાં જાઓ તો જળાભિષેક પણ કરી શકાય છે. હંમેશાં ન્યુઝમાં હૉટ સ્પૉટ બની રહેતી કોરી ક્રીકના કાંઠે આવ્યું હોવાથી આ સ્થળે આર્મીની ચોકી છે અને મુખ્ય મંદિરની પછીતે પણ અન્ય મંદિર છે. થોડી સીડીઓ ચડી ઉપર જાઓ તો મંદિરના આખા પરિસરમાંથી સમુદ્રદેવનાં દર્શન થાય છે અને અલૌકિક શિવલિંગ સાથે અહીંનો અદ્ભુત નઝારો પણ એટલો જ મોહનીય છે. કોટેશ્વર મંદિરમાંથી નીચે ઊતરી ૩૦૦ મીટર દૂર દરિયાઈ ભૂશિર પર સ્થાનેશ્વર મહાદેવ બિરાજે છે અને કહેવાય છે કે એ પણ આ વિસ્તારનું પ્રાચીન શિવાલય છે.
આંતરરાષ્ટ્રીય સીમાથી નજીક હોવાને કારણે અહીં કોઈ સ્થાનિક લોકોની વસ્તી નથી. બસ, મંદિરના પ્રવેશદ્વારની બહાર પંદર-વીસ હાટડીઓમાં પૂજાપો અને ચા-નાસ્તો મળી રહે છે અને મંદિર બંધ થતાં એ પણ સમેટાઈ જાય છે. સીમાંત કોટેશ્વર ગામમાં રહેવાની કોઈ સુવિધા નથી. રહેવા માટે અહીંથી અઢી કિલોમીટરના અંતરે આવેલા નારાયણ સરોવરમાં એક ધર્મશાળા અને ગુજરાત ટૂરિઝમની હોટેલ છે. એ ધર્મશાળામાં બેઉ ટંક ભોજન મળી રહે છે અને રાતવાસો કરવા ડિસન્ટ રૂમ પણ મળી રહે છે. બાકી સરકારી હોટેલનો કોઈ ભરોસો હોતો નથી. ક્યારેક ચાલુ તો ક્યારેક તાળાચંદ-સાંકળચંદ. જોકે અમુક અપવાદ છોડીને મોટા ભાગના યાત્રાળુઓ ભુજથી પ્રાઇવેટ વાહનોમાં અહીં આવે છે. નારાયણ સરોવરમાં વિષ્ણુજીનું રૂપ તિકમરાયને અને કોટેશ્વર મહાદેવને માથું ટેકવી પાછા ભુજ અથવા વાઇટ ડેર્ઝટના મુકામે પહોંચી જાય છે. રહેવાની જેમ અહીં સરકારી પરિવહન સુવિધાઓ પણ જૂજ છે. હા, મુંબઈથી ભુજ જવા માટે ટ્રેન અને ફ્લાઇટ દરરોજ છે. કચ્છમાં સામાન્ય સરકારી સુવિધાનો અભાવ હોવા છતાં યાત્રાળુઓને રહેવા, ફરવા, જમવાની બધી સગવડ મળી રહે છે. ઍન્ડ મોસ્ટ નોટિસેબલ, આખો પ્રદેશ સેફ છે એટલે વહેલી સવારે ટ્રાવેલ કરો કે મોડી રાતે, કોઈ પ્રૉબ્લેમ નથી.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
કોટેશ્વરની નજીક આવેલું લખપત એક સમયે લાખોપતિઓનું શહેર કહેવાતું. એ કાળે ધમધમતા બંદરની જાહોજલાલીના અવશેષરૂપે અહીંનો કિલ્લો, ગુરુદ્વારા અને મંદિર બચ્યાં છે એ જોવાનું ચૂકતા નહીં.
નારાયણ સરોવરની કહાણી પણ રોચક છે અને ઇતિહાસ અલબેલો છે. તીર્થાટનપ્રેમીઓને ક્યારેક એની પણ જાત્રાએ લઈ જઈશું.
પવિત્ર કોટેશ્વરના દિવ્યલિંગ જેવી જ દિવ્ય છે અહીંની શાંતિ અને સ્વચ્છતા. શિવાલયનો એકેય ખૂણો ગંદો નથી અને અન્ય મંદિરોમાં હોય એવી ધાંધલધમાલ પણ નથી.