ગુજરાતનું સ્વર્ગ એટલે ડાંગ..તમે જોયું કે નહીં?
આવું છે ગુજરાતનું સ્વર્ગ(તસવીર સૌજન્યઃ ડાંગ કલેક્ટર કચેરી)
ગુજરાતનો પ્રાકૃતિક સૌંદર્ય અને નૈસર્ગિક વનસંપદાનો ભંડાર એટલે ડાંગ. જ્યા આવેલું છે સાપુતારા હિલ સ્ટેશન, ગિરા ધોધ, બોટાનિકલ ગાર્ડન, ડોન હિલ્સ, શબરી ધામ, ધરમપુર હિલ્સ..આવા તો કેટ કેટલાય સ્થળો. ડાંગને કુદરતનું વરદાન મળ્યું છે. અને એટલે જ તે ગુજરાતનું સ્વર્ગ ગણવામાંઆવે છે.
ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે. અહીં સાગ, સાદડ અને વાંસના ગાઢ જંગલો આવેલા છે. આ જિલ્લાની સરહદ મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. અહીં અંબિકા, પૂર્ણા, સર્પગંગા, ખાખરી, ગિરા નદી આવેલી છે. જ્યારે અહીંનો મુખ્ય પાક નાગલી, વરી, મકાઈ, ડાંગર, કોદરા, રાગી, અડદ, તુવેર છે. ડાંગ જિલ્લો વસ્તીની દ્રષ્ટિએ રાજ્યનો સૌથી નાનો જિલ્લો છે. અને રાજ્યમાં સૌથી વધુ વરસાદ અહીં જ પડે છે.
આવો છે ડાંગનો ઈતિહાસ
ડાંગ જિલ્લો ઐતિહાસિક મહત્વ ધરાવે છે. રામાયણના સમયમાં ડાંગ જિલ્લાને દંડકારણ્ય અથવા દંડકના નામે ઓળખવામાં આવતું હતું. કહેવાય છે કે પાંડવો પણ એક સમયે ડાંગમાં રહ્યા હતા. આજે પણ આહવા નજીક પાંડવ ગુફા આવેલી છે. આ વિસ્તારમાં મૌર્ય, સાનપ્રાસ, સત્યવાહન, કાહત્રા અને આભીર રાજાઓ રાજ કરી ગયા છે. જ્યારે શિવાજી મહારાજે સુરત પર ચડાઈ કરી ત્યારે ડાંગમાં તેમણે પડાવ નાખ્યો હતો. બાદમાં અંગ્રેજોએ ડાંગનું જંગલ લીઝ પર પણ લીધું હતું. અને ત્યાંના મજબૂત લાકડાનો ઉપયોગ તેઓ લડાયક વહાણ અને મકાન બાંધવામાં કરતા હતા.
ADVERTISEMENT
ડાંગના પરંપરાગત નૃત્યની ઝલક(તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)
દેશ આઝાદ થયો ત્યાર બાદ ડાંગ જિલ્લાને મુંબઈ સ્ટેટ સાથે ભેળવી દેવામાં આવ્યો હતો. 1948માં ડાંગને અલગ જિલ્લા તરીકે કરવામાં આવ્યો. 1960માં જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયું ત્યારે ડાંગનો સમાવેશ ગુજરાતમાં કરવામાં આવ્યો છે.
ડાંગની સંસ્કૃતિ
ડાંગ મોટાભાગે આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીંનું હવામાન એકદમ ખુશનુમા રહે છે. કુદરતના ખોળે વસેલું હોવાના કારણે ગરમીમાં પણ અહીં 28 ડિગ્રીથી વધુ તાપમાન નથી રહેતું. ઉનાળામાં રજાઓ ગાળવા માટે ડાંગ સૌથી સારી જગ્યા છે. ખાસ કરીને સાપુતારા ખૂબ જ રળિયામણી જગ્યા છે. ડાંગના ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો સર્પની પૂજા કરે છે. હોળીના સમયે તેઓ ખાસ ઉજવણી કરી છે. ડાંગ દરબાર અને ડાંગના આદિવાસીઓનું નૃત્ય ખૂબ જ પ્રસિદ્ધ છે.
તો આવું છે આપણું ડાંગ..અહીંની ઘણી વસ્તી પ્રવાસન પર નભે છે. અહીં તમને આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળશે. જો તમારે પ્રકૃતિની સાથે સંસ્કૃતિની પણ ઝલક મેળવવી હોય તો ડાંગની મુલાકાત જરૂર લેજો.