શિવાય સુબ્રમણ્ય સ્વામી નામના એક તપસ્વીને એક રાત્રે એક સ્વપ્ન આવે છે. એમાં તેઓ શિવજીને એક અદ્ભુત અલભ્ય જગ્યા ‘કવાઈ’ નામના (હવાઈ ટાપુઓના સમૂહમાંનો એક) ટાપુ પર વિચરણ કરતાં જુએ છે
શિવમંદિર
હિન્દુસ્તાની પ્રજામાં સૌથી વધારે ઝઘડાઓ કઈ બાબતને લઈને થાય છે? એકઅવાજે બધા જ કહેશે કે ધર્મના નામે. બરાબરને? એક જ દેશના લોકો જ્યારે જુદા-જુદા ભગવાનોના નામે લડી રહ્યા હોય ત્યારે ક્યાંકથી એવું જાણવા મળે કે આપણા આરાધ્ય આદિદેવ શિવશંભુ તો અત્ર તત્ર સર્વત્ર છે અને માત્ર ભારતમાં નહીં, છેક વિદેશમાં અને એ પણ હવાઈ નામના એક મનોરમ્ય ટાપુ પર માનભેર બિરાજી રહ્યા છે ત્યારે કેવડો બધો આનંદ થાય! થાય કે નહીં?
શિવજીએ હંમેશાં વસી જવા માટે અલભ્ય અને અદ્ભુત સ્થળો જ પસંદ કર્યાં છે. પછી એ ભક્તોનું હૃદય હોય કે અનન્ય એવો કૈલાસ કે હિમાલય! તેમનું સ્થાન, તેમનું માન અને તેમનો મોભો જ જુદો. તો આજે આવી જ એક સુંદરતમ જગ્યાની સફરે જવાનું છે આપણે.
ADVERTISEMENT
ક્યાં, શું, કઈ રીતે?
શિવાય સુબ્રમણ્ય સ્વામી નામના એક તપસ્વીને એક રાત્રે એક સ્વપ્ન આવે છે. એમાં તેઓ શિવજીને એક અદ્ભુત અલભ્ય જગ્યા ‘કવાઈ’ નામના (હવાઈ ટાપુઓના સમૂહમાંનો એક) ટાપુ પર વિચરણ કરતાં જુએ છે. કંઈક અગમ નિગમના વર્તારા અને કંઈક પોતાની શ્રદ્ધા પર શંકા કર્યા વગર તેઓ સત્વર આ ટાપુ પર પહોંચી ગયા અને ત્યાં સાધના શરૂ કરી.
કેટલું આશ્ચર્યજનક કહેવાય કે આ કવાઈ ટાપુ આપણા ભારતમાં નહીં પણ છેક અમેરિકામાં આવેલો છે! જી હા, અમેરિકાનો સૌથી વિશાળ દ્વીપસમૂહ છે હવાઈ. ટૂરિસ્ટ-પ્લેસ તરીકે આપણે બધા જ આ જગ્યાથી પરિચિત છીએ. આ હવાઈ દ્વીપસમૂહ કુલ મળીને આઠ ટાપુઓથી બન્યો છે. હવે આ આઠ ટાપુઓમાંથી એક નાનકડો ટાપુ છે કવાઈ. બસ, આપણા ભોળા શંભુ તેમના સુંદરતમ સ્વરૂપે અહીં જ બિરાજમાન છે. હવે શિવાય સુબ્રમણ્ય સ્વામીને અહીં તપસ્યા દરમિયાન જ અંદરથી પ્રેરણા થઈ કે અહીં એક અલભ્ય શિવમંદિરનું નિર્માણ થવું જોઈએ અને તેમણે તેમના તમામ પ્રયત્નો આ દિશામાં શરૂ કરી દીધા.
કોણ છે શિવાય સ્વામી?
હવે શિવમંદિર અને કવાઈ ટાપુ વિશે જાણતાં પહેલાં જેમના થકી આ ભગીરથ કાર્ય શક્ય બન્યું તેમના વિશે એટલે કે શિવાય સ્વામી વિશે થોડી જાણકારી મેળવી લઈએ. મહાદેવના ભક્તો તો મહાદેવની જેમ જ અનન્ય અને અદ્ભુત હોવાનાને?
આ શિવાય સ્વામીનું બાળપણનું નામ હતું ‘રૉબર્ટ હેન્સંગ’ અને તેમનો જન્મ થયો હતો છેક કૅલિફૉર્નિયામાં! શ્રદ્ધામાં શંકા ન હોય બાપલિયા! રૉબર્ટ હેન્સંગ બાળપણથી જ હિન્દુ ધર્મથી ખૂબ પ્રભાવિત હતા. પુખ્ત ઉંમરે પહોંચ્યા બાદ તેમણે સનાતન ધર્મ ધારણ કર્યો. એટલું જ નહીં, શિવભક્તિના રંગે રંગાયેલા શિવાય સુબ્રમણ્ય સ્વામીએ કૈલાસના નંદીનાથ સંપ્રદાયની દીક્ષા પણ લઈ લીધી તથા પોતાનો દેશ અને જન્મભૂમિ છોડીને પોતાની જાતને સંપૂર્ણપણે શિવને સમર્પિત કરી દીધી. આગળ જતાં તેઓ આ નંદીનાથ સંપ્રદાયના એકસો બાસઠમા ગુરુ પણ બન્યા. આટલી બધી તપસ્યા પછી તો ભોલેનાથ પ્રસન્ન ન થાય તો જ નવાઈને?
આખરે ૧૯૭૦માં જ્યારે તેઓ ભારતમાં જ હતા ત્યારે તેમને આ સ્વપ્ન આવ્યું અને તેઓ આગળની સાધના માટે કવાઈ ટાપુ પર પહોંચ્યા અને ત્યાં મંદિર બનાવવાનો દૃઢ નિર્ધાર કર્યો.
સ્વનિર્મિત શિવલિંગની શોધ
મંદિર પણ પાછું જેવું તેવું નહીં, એની કેટલીક વિશિષ્ટતાઓ પહેલેથી જ નક્કી થઈ ચૂકી હતી જે અત્યંત દુર્ગમ, લગભગ અશક્ય લાગે એવી હતી. સ્વપ્ન સાકાર કરવાના આ પ્રયત્નોમાં મંદિર ગઠનના પ્રયત્નો તો શરૂ થયા, પરંતુ સ્વામીજીની ઇચ્છા કહો તો ઇચ્છા અને પ્રેરણા કહો તો પ્રેરણા કંઈક એવી હતી કે બનવા જઈ રહેલા આ અદ્ભુત મંદિરમાં એકદમ એવું જ શિવલિંગ બિરાજમાન થાય જેવું તેમણે સપનામાં જોયું હતું અને એ શિવલિંગ હતું ક્વર્ટ્ઝ ક્રિસ્ટલ એટલે કે સ્ફટિકનું! અને એ પણ પાછું સ્વનિર્મિત હોય એ જ સ્વામીને જોઈતું હતું. સ્ફટિકનું લિંગ એક વાર બનાવી, શકાય પણ સ્વનિર્મિત? લગભગ અશક્ય જેટલું જ મુશ્કેલ હતું આવું શિવલિંગ શોધવું. ફરી એક વાર શિવાય સ્વામીને એક જ રસ્તો દેખાયો - સનાતની ભૂમિ ભારત. તેઓ ફરી કવાઈ ટાપુથી ભારત આવ્યા અને આવા દુર્લભ લિંગની શોધ આદરી.
લગભગ ૧૦ વર્ષના અથાગ પરિશ્રમ અને સતત ચાલતી રહેલી શોધખોળ બાદ આખરે ૧૯૮૦માં છેવટે તેમને આવું એક સ્ફટિકનું પ્રકૃતિ દ્વારા નિર્મિત શિવલિંગ ભારત ભૂમિમાંથી જ મળ્યું! એને પછી કવાઈ ટાપુ પર લઈ જવામાં આવ્યું. શિવલિંગ એટલે જેવું તેવું નહીં, પૂરા સાતસો પાઉન્ડ એટલે કે ૩૧૮ કિલો વજન ધરાવે છે આ અદ્ભુત શિવલિંગ. સ્ફટિક જમીનમાંથી મળતી એક પ્રકારની ધાતુ જ છે. જેઓ જાણકાર હશે તેમને એના અસર વિશે પણ ખબર હશે જ. આપણા વડીલો ઘણી વખત માળા કરવા માટે સ્ફટિકની માળા વાપરતા હોય છે. ઠાકોરજીની સેવા કરવાવાળા ઘણા ભક્તો પણ એમના શણગાર તરીકે સ્ફટિકની માળાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે એવો પ્રશ્ન થાય કે એવું તે શું હોય છે આ ધાતુમાં? ઊર્જા! અત્યંત સકારાત્મક ઊર્જા. સાચા સ્ફટિકનો સ્પર્શ કરશો તો આ ઊર્જા અનુભવાયા વગર નહીં રહે એની પાક્કી ખાતરી. હવે વિચારો કે એક માળાનો આટલો પ્રભાવ હોઈ શકે તો આખેઆખા ૩૧૮ કિલોના શિવલિંગનો કેવો પ્રભાવ હશે!
મંદિર કઈ રીતે સર્જાયું?
આ તો થઈ શિવલિંગની વાત. મંદિરનું શું? જેમ સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ ઝિલાય એમ કહેવાય છેને એવી જ રીતે આ અલભ્ય શિવલિંગ માટે મંદિર પણ કંઈ જેવું તેવું તો ન જ ચાલેને? અને આ સ્વયંભૂ શિવલિંગ પણ કોઈ બે-ચાર હજાર નહીં પણ નેવું હજાર વર્ષ જૂનું છે!
જેમ શિવલિંગ માટે કેટલીક વાતો નક્કી હતી એ જ રીતે મંદિર માટેના પણ કેટલાક આયામો નિશ્ચિત જ હતા. એક, મંદિર બનાવવા માટે કોઈ પણ મશીનનો ઉપયોગ નહીં કરવામાં આવે. અર્થાત્, પથ્થરો કાપવાથી લઈને એમને નિર્ધારિત સ્વરૂપ આપવા માટે કાર્વિંગ માટે પણ કોઈ ઇલેક્ટ્રિક કે ઑટોમૅટિક મશીન નહીં વપરાશે. મંદિર સફેદ ગ્રેનાઇટના પથ્થરોથી જ બનશે. ભારતથી હજારો કિલોમીટર દૂર મંદિર બનાવવું, એ પણ સફેદ ગ્રેનાઇટથી અને એમાંય વળી એ જગ્યા એવી કે જ્યાં તો આવા ગ્રેનાઇટ ક્યાંય ઉપલબ્ધ જ નથી. કેવડું કપરું કામ અને કેવો મહાયજ્ઞ આદર્યો હશે આ! સૌથી પહેલાં તો મંદિરની વાસ્તુ સહિતની ડિઝાઇન તામિલનાડુની એક સુપ્રસિદ્ધ આર્કિટેકચર કૉલેજના નિવૃત્ત આચાર્ય અને મંદિર વાસ્તુનિષ્ણાત વી. ગણપતિ સ્થાપિત પાસે બનાવડાવવામાં આવી. આ આખી ડિઝાઇન પારંપરિક દક્ષિણ ભારતીય ચૌલ શૈલીમાં છે એ જાણીએ ત્યારે ભારત માટે છાતી ગજગજ ફૂલ્યા વગર રહે જ નહીં કે જે સફેદ ગ્રેનાઇટથી આ મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું છે એ ગ્રેનાઇટના મોટા-મોટા પથ્થરોને દસ હજાર માઇલ દૂર બૅન્ગલોરમાં ૭૨ કારીગરો દ્વારા પારંપરિક ટેક્નિકનો ઉપયોગ કરીને ફક્ત હાથથી એના પરનું તમામ નકશીકામ કરવામાં આવ્યું છે.
‘ઇરેવિયન’ મંદિર
હવે? આ બધું બની પણ ગયું તો એને દસ હજાર માઇલ દૂર કવાઈ ટાપુ પર પહોંચાડવું કેવી રીતે? એ માટે ૮૦ શિપિંગ કન્ટેનરની મદદ લેવામાં આવી અને દરિયાઈ રસ્તે વિશાળ કદના નક્કાશી કરેલા ગ્રેનાઇટ ટાપુ પર લઈ જવામાં આવ્યા. બધા ટુકડાઓ ટાપુ પર ભેગા થઈ ગયા પછી મંદિર બાંધકામની એક નિષ્ણાત ટીમ નીમવામાં આવી. તેમણે આ તમામ ૮૦ કન્ટેનર દ્વારા લાવવામાં આવેલા ટુકડાઓને ડિઝાઇન પ્રમાણે ગોઠવતા જઈને મંદિરનો એક અલભ્ય ઢાંચો તૈયાર કર્યો. આખરે ૩૪ વર્ષની કઠોર તપસ્યાના અંતે આ દુર્લભ શિવમંદિર બનીને તૈયાર થયું! જેને ‘ઇરેવિયન’ મંદિર નામ આપવામાં આવ્યું. ઇરેવિયનનો અર્થ થાય છે ‘પરમેશ્વર’.
મંદિરની છત દસ વિશાળ સ્તંભ પર સ્થાપિત થયેલી છે અને દરેક સ્તંભમાં ચોવીસ મૂર્તિકળાવાળી પૅનલ રચવામાં આવી છે. ગર્ભગૃહમાં જે ગુંબજ છે એની ઊંડાઈ લગભગ ૩૫ ફુટ છે. આ ગુંબજ સાત ટન એટલે કે ૭૦૦૦ કિલોના એક સિંગલ પથ્થરને કોતરીને બનાવવામાં આવ્યો છે! આ આખા ગુંબજને ચાર કારીગરોએ સતત ત્રણ વર્ષની મહેનત કરીને બનાવ્યો છે, એના પરના દુર્લભ નકશીકામ સહિત! સાથે-સાથે જ એના પર ૨૩ કૅરૅટ સોનાનો ઢોળ પણ ચઢાવવામાં આવ્યો છે. તો હવે જ્યારે કોઈ પણ મંદિરમાં દર્શન કરીએ ત્યારે ઈશ્વરની સાથે-સાથે એ તમામ કારીગર ભક્તો માટે પણ માથું આપોઆપ નમી નહીં જાય?
આ ભવ્ય શિવમંદિરના નિર્માણમાં લગભગ ૮ મિલ્યન ડૉલરનો અધધધ ખર્ચ થયો. મંદિર નિર્માણ માટે નાણાકીય રાશિ ફિજી અને મૉરિશ્યસનાં સ્કૂલમાં ભણતાં બાળકો સહિત બીજા ૮૯૦૦ દાતાઓની સહાયથી મેળવવામાં આવી અને ત્યારે આખા નિર્માણકાર્યની રાશિ એકત્રિત થઈ શકી.
લગભગ અશક્ય લાગી રહેલું કામ ઈશ્વરીય શક્તિ અને કારીગરોની અથાગ મહેનતથી પૂરું થયું છેક ૨૦૧૪માં. હવે આવડા મોટા મંદિરનો નિભાવ? ભગવાનની પૂજા? પહેલો વિચાર એ જ આવે કે ભારતથી બ્રાહ્મણો ગયા હશે; પણ નહીં, અહીં બધું જ, બધું જ ન વિચાર્યું હોય એવું જ થયું છે. વિદેશોથી ભારતીય સંસ્કૃતિનો ભેખ ધરીને આવેલા સંતો અહીં વસ્યા અને તેમણે આ સ્થળને પોતાની તપોભૂમિ બનાવી લીધી. અહીં આવીને પોતાને સંપૂર્ણ શિવમય બનાવી ચૂકેલા આ ૭૦ જેટલા પશ્ચિમી સંતો પોતાની નાનકડી કુટિર બનાવીને અહીં સાધના કરે છે અને મંદિર તથા શિવની સેવા પણ કરે છે.
અત્યંત દુર્ગમ છતાં રમણીય એવા આ સ્થળે લગભગ સાત એકરમાં ફેલાયેલું ચંદન વૃક્ષોનું વન છે અને એક આયુર્વેદિક વાટિકા પણ છે. નવાઈની વાત તો એ છે કે જે ટાપુ પર આ મંદિર ઊભું છે ત્યાં હિન્દુઓની સંખ્યા માંડ એક ટકા જેટલી પણ નથી! અહીંના એક પૂજારી પ્રવીણકુમાર વાસુદેવ યથાર્થ રીતે કહે છે, ‘ભારતમાં કદાચ સંભવ છે કે તમે આવું કંઈક બનાવી શકો, પણ ત્યાં આ નથી બન્યું. જ્યારે અહીં આ દુર્ગમ જગ્યાએ આ લગભગ અસંભવ છે છતાં અહીં આ બન્યું છે!’ કેવું આશ્ચર્ય?
અહીં આવીને વસેલા એક સંત પલાનીસ્વામી જેઓ શિવાય સ્વામીના શિષ્ય પણ રહી ચૂક્યા છે તેમણે અહીં રુદ્રાક્ષનાં એકસો આઠ વૃક્ષો તેમના ગુરુ શિવાય સ્વામી સાથે મળીને રોપ્યાં હતાં જે હવે તો અહીંની મહામૂલી સંપત્તિ બની ચૂક્યાં છે. રુદ્રાક્ષનો અર્થ કદાચ આપણને નહીં ખબર હોય, પણ વિદેશથી આવીને વસેલા આ સંત સમજાવે છે કે રુદ્રાક્ષ એટલે શિવનું આંસુ! એક દિવસ શિવે જ્યારે પૃથ્વી પર નજર નાખી ત્યારે તેઓ તેમનાં જ બનાવેલાં, તેમના જ અંશ એવાં તેમનાં સંતાનોની અધોગતિ જોઈને અત્યંત દ્રવિત થયા અને તેમની આંખેથી એક અશ્રુબિંદુ સરી પડ્યું. આ પહેલું અશ્રુબિંદુ જ્યાં પડ્યું ત્યાં રુદ્રાક્ષ વૃક્ષનો જન્મ થયો! વિચારો તો ખરા કે શિવનો ભેખ ધરીને કોઈ વિદેશી આપણી જ સંસ્કૃતિ વિશે આપણને સમજાવે એ કેવું દૃશ્ય હશે!
વાત ગર્વ અનુભવવાની છે, સનાતન ધર્મ અને સંસ્કૃતિ માટે ઉન્નત મસ્તક થવાની છે. શિવ અનંત, શિવની ભક્તિ અનંત. આ મંદિર વિશે આ બધી જ વિગતો જાણ્યા પછી એમ થાય કે જ્યારે ઈશ્વર સ્વયં પોતાનું ધામ બનાવવા માટે પ્રેરણાસ્રોત બને ત્યારે એ માટેના માર્ગો પણ એ જ નિર્ધારિત કરી આપતો હોય છે. જો વિદેશીઓ સનાતન હિન્દુ ધર્મને આટલી શ્રદ્ધાપૂર્વક માની, સ્વીકારી અને પ્રાર્થી શકે છે તો આપણે કેમ નહીં? આવો પ્રશ્ન આપણને બધાને થવો જોઈએ. જય શિવોહમ... જય ઇરેવિયન...

