આઝાદી પહેલાંના કચ્છનું પત્રકારત્વ અને પ્રકાશનો
આમ તો ગુજરાતી પત્રકારત્વના બે સદીના ક્રમિક વિકાસની વાત આલેખવા જતાં એવા-એવા પડાવો દેખાય કે આશ્ચર્યથી દંગ રહી જવાય. જ્યારે એક તરફ સ્થાનિક રજવાડાનો અંકુશ હતો, બીજી તરફ બ્રિટિશ સરકારનો કોરડો વિંઝાતો હતો ત્યારે કેવી-કેવી મુશ્કેલી વચ્ચે છાપાં નીકળતાં હશે? એનાથી અગત્યનો પ્રશ્ન એ છે કે પ્રેસ ચલાવનારા અને છાપાં કાઢનારા શા માટે જોખમ વહોરીને એ કામ કરતા હશે? કચ્છીઓને જાણીને નવાઈ લાગશે કે ખુદ કચ્છરાજે પ્રકાશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. કચ્છમાં પત્રકારત્વ અને છાપકામની શરૂઆત બહુ મુશ્કેલીઓ વચ્ચે આગળ વધી છે. ઉપરાંત કચ્છમાં છાપકામની ટેક્નૉલૉજી પણ બહુ મોડેથી પ્રવેશી છે.
આજે જ્યારે આખું જગત મોટી ટપાલપેટી બની ગયું છે. અદ્યતન ટેક્નૉલૉજી થકી દરેક માણસ સમાચારવાહક બની ગયો છે. સોશ્યલ મીડિયાના નકારાત્મક પાસાને કેમ અંકુશમાં લેવું એ બાબતે ભલભલી સરકારો માથું ખંજવાળી રહી છે. એટલે વર્તમાન પેઢીને અંદાજ પણ ન આવે કે એનાથી આગલી પેઢીઓ માટે સમાચાર અને સમાચારપત્ર એક મોટી ઘટના હતી. આઝાદીની લડાઈનો જે ઇતિહાસ લખાયો એમાં અંગ્રેજો સામે લડનારા, અહિંસક આંદોલન ચલાવનારા મહાપુરુષોથી માંડીને સામાન્ય ભારતવાસીઓની પણ નોંધ લેવાઈ છે, પરંતુ એવા સમયે જીવનું જોખમ લઈને, આર્થિક ફટકા ખાઈને છાપું ચલાવનારા પત્રકારો કે પ્રેસના માલિક કેવી સ્થિતિમાં હતા, તેમને શું મુશ્કેલીઓ પડી એની દાસ્તાન ક્યાંય ખાસ કિસ્સા સિવાય નોંધાયેલી નથી. વાસ્તવિકતા એ છે કે અંગ્રેજો સામેની લડાઈમાં વર્તમાનપત્રો અને પત્રકારોનો ફાળો નાનો-સૂનો નથી. એ સમયનાં સમાચારપત્રોએ લોકજાગૃતિની મોટી ભૂમિકા ભજવી છે. આઝાદી પહેલાં કચ્છ મોટા ભાગે સિંધ પ્રાંત સાથે સાંસ્કૃતિક અને અન્ય બાબતોથી જોડાયેલું હતું. ઉપરાંત કચ્છનો સીધો નાતો મુંબઈ સાથે પણ હતો એટલે કચ્છના પત્રકારત્વ પર મુંબઈ અને સિંધ પ્રાંતની અસરોનો મોટો પ્રભાવ હતો એમ કહી શકાય. તેમ છતાં, જેમ-જેમ આ ક્ષેત્ર આગળ વધ્યું તેમ-તેમ કચ્છની આગવી છાંટ અને અસર ઊભી થતી ગઈ જે આજપર્યંત છે. આઝાદી પૂર્વે પત્રકારત્વમાં શરૂઆતે બે બળુકા નામ ઊભર્યાં હતાં તે મહમદ અલારખ્યા શીવજી અને પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા. તેમની નોંધ લેવી અંગ્રેજો માટે ફરજિયાત થઈ પડી હતી કે બન્નેના છેડા આઝાદીની લડત સાથે જોડાયેલા હતા, પરંતુ કચ્છના પત્રકારની વાત થતી હોય તો પ્રથમ નામ દેવજી ભીમજીનું આવે, કેમ કે તેઓ કેરલમાં પત્રકારત્વની શરૂઆત કરનાર પ્રથમ કચ્છી હતા. ઓગણીસમી સદીમાં કચ્છમાંથી બૃહદ ભારતમાં જનારી કેટલીક એવી વ્યક્તિઓ પણ હતી જેમણે આ ક્ષેત્રમાં ઓછી કે વધુ પ્રગતિ કરી હતી.
ADVERTISEMENT
કચ્છમાં આઝાદી પહેલાં ઓગણીસમી સદીમાં છાપકામ કરવા કે સમાચારપત્ર પ્રસિદ્ધ કરાવવા કે કરવા પર પ્રતિબંધ હતો. પરિણામે કચ્છથી બહાર વસનારાને કચ્છની સ્થિતિની, પોતાના મુલકની કોઈ જાણ થતી નહીં. રાજાશાહીમાં જેટલાં સમાચારપત્રો કે સામયિકો છપાઈને આવતાં એનું છાપકામ મોટા ભાગે મુંબઈમાં થતું હતું. એ પછી અમદાવાદ પણ કચ્છનાં વર્તમાનપત્રો અને સામયિકોનાં છાપકામનું કેન્દ્ર બન્યું હતું. પોતાના વતન તરફની નિષ્ઠા અને વ્યક્તિત્વની ખુમારી થકી કેટલાક લોકો રાજની ખફગી વહોરીને પણ વર્તમાનપત્રો પ્રસિદ્ધ કરાવતાં અને કચ્છમાં વહેંચતાં. આવા લોકો પર રાજની નજર પણ રહેતી. તેમ છતાં, તેમની વતન પરસ્તી તેમને એમ કરતા રોકી શકી ન હતી. એ તેમની નીડરતા હતી અને કચ્છ તરફની ચાહત અને ખેંચાણ હતું. કચ્છનો પત્રકાર ઇતિહાસ અને વૃત્તપત્રોની શરૂઆત પર નજર કરતાં ‘કચ્છી દરબારી જાહેરખબર’ને પ્રથમ પ્રકાશન ગણી શકાય. નાના કદનું આ છાપું ૧૮૭૩ની ૨૬ ફેબ્રુઆરીએ શરૂ થયું અને એ પછી ૧૮૭૭ની ૧૩ જૂનથી એ ‘કચ્છ રાજ્ય પત્ર’ (દરબારી ગૅઝેટ) તરીકે છપાવા લાગ્યું. એનું પ્રકાશન ૧૯૪૮ સુધી ચાલુ રહ્યું હતું, પરંતુ એનું આંતરિક સ્વરૂપ એક વર્તમાનપત્ર કરતાં જુદું હતું. એ પછી ૧૮૯૨ની સાલમાં વ્યવસાયે વકીલ એવા માંડવીના શ્રી દયારામ દેપાળા મુંબઈ ગયા અને ત્યાંથી ‘કચ્છ સમાચાર’ નામનું છાપું પ્રસિદ્ધ કર્યું. આ છાપું તત્કાલિન મુંબઈમાં રહેતા કચ્છીઓ માટે ઉપયોગી હતું. દયારામ દેપાળાએ એ પછી ‘કચ્છી ઢોલ’ નામનું વૃત્તપત્ર પણ પ્રકાશિત કર્યું હતું. તો ચત્રભુજ જગજીવન ભટ્ટે ‘કચ્છી કાકો’ એવા વ્યંગભર્યા નામે વર્તમાનપત્ર પ્રસિદ્ધ કર્યું હતું. ૧૮૯૮માં જીવરામ અજરામર ગોર જેઓ એક ભાષાવિદ હતા તેમણે ‘સરસ્વતી શૃંગાર’ નામનું પ્રકાશન શરૂ કર્યું હતું.
પરંતુ કચ્છના પત્રકારત્વની ખરી શરૂઆત વીસમી સદીમાં થઈ. ૧૯૦૧માં મહમદ અલારખ્યા શીવજીએ ‘ગુલશન’ શરૂ કર્યું. બીજી તરફ ૧૯૦૫માં શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનથી ‘ઇન્ડિયન સોશ્યોલૉજિસ્ટ’ શરૂ કર્યું. જોકે લંડનમાં રહીને અંગ્રેજી અખબાર ચલાવવું, એમાંય જ્યારે ભારતમાં અંગ્રેજો વિરુદ્ધ આઝાદીની લડત ચાલતી હોય ત્યારે એ હિંમતનું કામ તો કહેવાય સાથે-સાથે એક કૌશલ્ય પણ ગણી શકાય, કેમ કે છાપું એ કોઈ હાથે લખેલો પત્ર નથી. એની સાથે પ્રેસ મશીન જોડાયેલું છે. શ્યામજી કૃષ્ણ વર્માના એ છાપાની ચર્ચા એ વખતે બ્રિટનની સરકારમાં થતી હતી. એટલું જ નહીં, તેમના પર નજર પણ રાખવામાં આવતી હતી. મહમદ અલારખ્યા શીવજીનું ‘ગુલશન’ એક જ વર્ષમાં બંધ થયું પછી ૧૯૧૬માં તેમણે ‘વીસમી સદી’ નામનું છાપું બહાર પાડ્યું જે બહુ જ ચર્ચાસ્પદ અને નોંધપાત્ર રહ્યું હતું. એ જ ગાળામાં ડૉ. બિહારીલાલ અંતાણીએ જંગબારમાં રહીને ‘ઝાંઝીવાર વૉઇસ’ નામનું પ્રકાશન શરૂ કર્યું અને પચીસ વર્ષ સુધી એના તંત્રી રહ્યા હતા. ૧૯૨૩માં બી. એન. મહેશ્વરીએ ‘સ્વદેશ’ નામનું અખબાર શરૂ કર્યું. એ જ અરસામાં છગનલાલ ભવાનીશંકર મહેતાએ ‘કચ્છ વર્તમાન’ શરૂ કર્યું. છગનલાલ ભવાનીશંકર મહેતાનું એ છાપું કચ્છરાજમાં બહુ જ ચર્ચાસ્પદ રહ્યું હતું. મુંબઈથી પ્રગટ થતું એ છાપું કચ્છમાં આવતું બંધ કરવાનો કચ્છરાજ અને બ્રિટિશ સરકારે નિર્ણય કર્યો અને એ છાપું કચ્છીઓને કચ્છમાં મળતું બંધ થયું. તેમણે ‘હિન્દુ જીવન’ અને ‘વતન’ નામનું છાપું શરૂ કર્યું હતું જે પણ બંધ થયું. ૧૯૩૪માં તેમણે ‘જય કચ્છ’ નામનું સાપ્તાહિક પત્ર શરૂ કર્યું. કચ્છમાં પ્રિન્ટિંગ પ્રેસ નાખવાની છૂટ ન હોવાથી એ સાપ્તાહિક મુંબઈથી પ્રકાશિત થઈને આવતું હતું. ‘જય કચ્છ’ આજે પણ નવા કલેવર સાથે ચાલુ છે. ગુલાબશંકર ધોળકિયાએ ‘જાગૃત કદમ’ નામે એક સાપ્તાહિક મુંબઈથી પ્રસિદ્ધ કર્યું હતું. આ સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થતા લેખો અને વિચારો સાથે કચ્છરાજને વાંધો પડ્યો હતો અને કચ્છરાજે ‘જાગૃત કદમ’ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એક તરફ બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું. દુનિયાના કેટલાય દેશો આર્થિક ખુવારીમાંથી કેમ બેઠા થવું એની મથામણમાં ડૂબેલા હતા ત્યારે ભારતની પ્રજા પોતાની સ્વતંત્રતા માટે બ્રિટિશ સત્તા સામે લડી રહી હતી. લોકોને વર્તમાનપત્રોમાં ગજબનો વિશ્વાસ હતો.
આઝાદી પહેલાં જ્યારે અભિવ્યક્તિ સ્વતંત્રતા નામની જ હતી. રજવાડાં અને બ્રિટિશ સરકારના બેવડા કાયદાઓ વચ્ચે એ વખતના પત્રકારો અને અખબારો ચલાવનારાના હેતુઓ આર્થિક નહોતા કે ન તો તેમને અન્ય કોઈ વ્યક્તિગત લાભોની ઇચ્છા હતી. તેઓ પોતાની માતૃભૂમિનું કર્જ ચૂકવવા, આઝાદીની લડતને વેગ આપવા તથા સમાજમાં પ્રવર્તતા કુરીવાજો સામે લાલબત્તી ધરવા એ સમયના પત્રકારો અને છાપું ચલાવનાર ઝઝૂમતા હતા. ભારતના ખૂણામાં આવેલા કચ્છને દેશ સાથે જોડી રાખવામાં એ સમયનાં નાનાં અને અલ્પકાલિન પ્રકાશનોનો પણ ફાળો છે.