ભગવાન કૃષ્ણને નિત્ય એક પ્રાર્થના કરજો કે ભગવાન કોઈ ને કોઈ રીતે હું આપની સાથે જોડાઈ રહું
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)
ભગવાન કૃષ્ણનું ચરિત્ર આપણું કલીકલ્મષ હરનારું છે. ભગવાન કૃષ્ણનું ચરિત્ર જ્યારે પરીક્ષિતજીએ મહાયોગી શુકદેવજીને પૂછ્યું ત્યારે શુકદેવજી દ્વારા સુતપૂરણીજીએ કરેલાં શૌનકઋષિજીનાં વખાણમાં કલીકલ્મષ એવો શબ્દ ભાગવતના દશમ સ્કંધના આરંભમાં આવ્યો છે. કલી એટલે કળિયુગ અને કલ્મષ એટલે આપણને નજરે ન દેખાતો આંતરિક મેલ.
પ્રત્યક્ષ મેલ તો આપણને દેખાઈ જાય જેને સાફ કરવાના આપણે પ્રયાસ કરતા રહીએ, પરંતુ અમુક મેલ એવો છે જે પ્રત્યક્ષ નથી હોતો. એ માત્ર ને માત્ર પરોક્ષ રીતે આપણામાં રહેતો હોય છે. દાખલા તરીકે આપણે ભક્તિ કરતા હોઈએ, આપણામાં જ્ઞાન હોય, આપણામાં વિવેક હોય, આપણામાં વિજ્ઞાન હોય, આપણામાં સમજ હોય, આપણામાં આત્મબોધ હોય; પરંતુ આ બધું ધારણ કરવા છતાં આપણા હૃદયમાં ક્યાંકથી અમુક પ્રકારનો મેલ આવી જાય.
ADVERTISEMENT
ઈર્ષાનો, અહંકારનો, દ્વેષનો માયા, મત્સર, મોહ આદિનો જે મેલ આવી જાય તો એ આપણે કેવી રીતે સાફ કરીશું? પ્રત્યક્ષ મેલને તો આપણે સાબુથી અથવા પાણીથી ધોઈ શકીએ, પણ અંતરના કચરાને કેવી રીતે ધોઈશું? એના માટે શુકદેવજીએ સમાધાન આપ્યું છે કે ભગવાન કૃષ્ણના ચરિત્રને સાંભળવાથી અંતરમેલ આપણને ખબર પડ્યા વગર નીકળી જાય છે. જેને ઇંગ્લિશમાં આપણે ઇનવિઝિબલ ઇમ્પ્યુરિટી કહીએ છીએ એ આપણા સૌમાં હોય છે. આપણા ઘરની ઉપર પાણીની ટાંકી હોય એ હવાચુસ્ત બંધ હોય છતાં એને દર છ મહિને સાફ કરવી પડે. હવા પણ નહોતી જઈ શકતી તો કચરો આવ્યો ક્યાંથી? ખરેખર તો એ પાણીએ જ ઉત્પન્ન કરેલો કચરો છે. એમ આપણે ભક્તિ કરતા હોઈએ, જ્ઞાન આપણામાં હોય, વૈરાગ્ય આપણામાં હોય, વિવેક આપણામાં હોય, એ જ ક્યારેક-ક્યારેક કચરો ઉત્પન્ન કરી દે તો એને સાફ કરનારું આ જગતમાં તત્ત્વ છે ભગવાન કૃષ્ણની કથા. રામચરિત માનસમાં પણ ગરુડજીએ પ્રશ્નો પૂછ્યા અને ભૂસુંડીજી મહારાજે જવાબ આપ્યા ત્યારે ત્યાં પણ શબ્દ વપરાયો છે...
પ્રેમ ભગતિ જલ બિનુ રઘુરાઈ, અભિઅંતર મલ કબહું ન જાઈ એટલે ભગવાન કૃષ્ણનું ચરિત્ર એ મલને હરનારું છે. ભગવાન કૃષ્ણ સર્વાવતારી, સર્વેશ્વર પરમાત્મા છે. એમનું ભજન, એમનું સુમિરન, એમનું સ્મરણ, એમનું કથન અને એમનું શ્રવણ આપણા હૃદયમાં આપણને ખબર પડ્યા વગર જ ભરાયેલો જે કચરો છે એને હરવામાં પ્રબળ છે.
ભગવાન કૃષ્ણને નિત્ય એક પ્રાર્થના કરજો કે ભગવાન કોઈ ને કોઈ રીતે હું આપની સાથે જોડાઈ રહું. ભક્તિ કરવા લાયક છું કે નહીં મને ખબર નથી, જ્ઞાનને લાયક છું કે નહીં મને ખબર નથી, આપની કથાના શ્રવણની મને અનુકૂળતા મળે કે કેમ એની મને ખબર નથી; પણ નિત્ય તમારું સ્મરણ, તમારી સ્મૃતિ મારા માનસપટ પર બની રહે એ જ આપજો!