શરીરનાં સુખો ભોગવવા માનવજન્મ મળ્યો છે એવું ઘણાં રાષ્ટ્ર સમજી બેઠાં છે અને એના પરિણામે આખો સમાજ મૉર્ગેજ (લોન) પર જીવે છે અને માનસિક તાણ અનુભવે છે અને ડિપ્રેશનની દવા લે છે. એનો આંકડો ખબર છે?
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
જે રાષ્ટ્રે ધર્મની ઉપેક્ષા કરી એની હાલત તમે જુઓ. આવા ઘણાં રાષ્ટ્રનાં નામ ગણાવી શકાય જ્યાં સમાજવ્યવસ્થા ભાંગી પડી છે. માનવ સ્વયંની મર્યાદામાં નથી. કેટલા દેશોમાં બાળકની પાછળ પિતાનું નામ નથી લખાતું, પણ માતાનું નામ લખાય છે. પિતાનું નામ એટલા માટે નથી લખાતું કે તે પુત્રને માતા પ્રત્યે પ્રેમ છે. વાસ્તવિકતા એ છે કે માતાને જ ખબર નથી કે આ બાળકનો પિતા કોણ છે. આફ્રિકાના એક દેશમાં માનવભક્ષી માનવજાતિ વસે છે. સ્વજનનું મૃત્યુ થતાં માનવ શરીરને આરોગી જાય છે. કેટલાય દેશોમાં બાળકો અનાથ હાલતમાં ફરી રહ્યાં છે એ જાણો છો? એનું કારણ છે પુરુષ અને સ્ત્રી અનેક વાર લગ્ન કરે છે એ છે.
શરીરનાં સુખો ભોગવવા માનવજન્મ મળ્યો છે એવું ઘણાં રાષ્ટ્ર સમજી બેઠાં છે અને એના પરિણામે આખો સમાજ મૉર્ગેજ (લોન) પર જીવે છે અને માનસિક તાણ અનુભવે છે અને ડિપ્રેશનની દવા લે છે. એનો આંકડો ખબર છે?
ADVERTISEMENT
એવા દેશોનો અભ્યાસ કર્યો છે જ્યાં સમાજવ્યવસ્થા ભાંગી પડી હોય. સંસ્કાર અને સભ્યતા નથી. ત્યાં કેટલાં ઓલ્ડ પીપલ્સ હાઉસ છે એની ગણતરી કરી છે? એ હાઉસમાં વડીલો કઈ હાલતમાં જીવે છે એનો અભ્યાસ કરીને ક્યારેય આવા ઘરડાઘરની મુલાકાત લીધી છે?
ધર્મ કોઈના મનની ઊપજ છે અને કોઈની આજીવિકા માટે આ બધું કરવામાં આવ્યું છે એમ કહેવું એ બહુ મોટો અપરાધ છે. જ્યાં-જ્યાં ધર્મની ઉપેક્ષા થઈ છે ત્યાં બીજું બધું છે, પણ સુખ નથી અને સુખ વિનાનું બીજું બધું દુ:ખ જ કહેવાય. જીવનભર પુરુષાર્થ કર્યા પછી જો માનવને સુખ અને હૃદયની શાંતિ ન મળતાં હોય તો એવો પુરુષાર્થ શું કામ કરવો જોઈએ? એટલા માટે હિન્દુ સંસ્કૃતિ ધર્મને સાથે રાખે છે. ધનાત્ ધર્મ તતઃ સુખં કહીને પુરુષાર્થના પરિણામે સુખપ્રાપ્તિની વાત કરે છે. ધનથી ધર્મ અને ધર્મથી સુખ. પાશ્ચાત્ય સંસ્કૃતિઓ ધનથી સુખની વાત કરે છે એ કદાપિ સંભવ જ નથી. ધર્મ વિના માનવ માનવ નથી કહેવાતો અને ધર્મ વિના માનવને સુખ પણ મળતું નથી. ધર્મ તો આપણને કયા રસ્તે ચાલવું, કયા રસ્તે ન ચાલવું એ બતાવે છે અને માનવ એની અવગણના કરે છે. માનવ સમાજે ધર્મની અવગણના કરી તેથી તે વિનાશ તરફ ધકેલાઈ રહ્યો છે. ધર્મએ જે રસ્તે જવાની ના પાડી એ રસ્તે માનવ ચાલ્યો. એનું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ. માનવજાત જ્વાળામુખી પર બેઠી છે અને આ જ્વાળામુખી જ્યારે ફાટશે ત્યારે માનવજાતનું શું થશે એ કલ્પના કરવી મુશ્કેલ છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે દરેક દેશના શસ્ત્રભંડારમાં પૂર આવે અને શસ્ત્રો તણાઈ જાય અને બૉમ્બનાં સુરસુરિયાં થઈ જાય.
- આશિષ વ્યાસ (શ્રીમદ ભાગવતના યુવા કથાકાર આશિષ વ્યાસ છેલ્લાં ૧૭ વર્ષથી યુવા પેઢીને સાચો માર્ગ ચીંધવાનું કામ કરી રહ્યા છે.)