મા દુર્ગાના ચોથા સ્વરૂપ એવાં મા કુષ્માન્ડાએ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું હોવાથી જ શાસ્ત્રો કહે છે કે જેઓ પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માગતા હોય તેમણે નિયમિત મા કુષ્માન્ડાની પૂજા કરવી જોઈએ
મા કુષ્માન્ડા
નવ દુર્ગા પૈકીનું ચોથું સ્વરૂપ મા કુષ્માન્ડાનું છે. કુરુક્ષેત્રનું યુદ્ધ જીત્યા પછી જ્યારે પાંડવોના હાથમાં હસ્તિનાપુરનો વહીવટ આવ્યો ત્યારે યુધિષ્ઠિરે નગરપ્રવેશની સાથે જ મા કુષ્માન્ડાની સ્થાપના કરવાની જાહેરાત કરી અને એલાન કર્યું કે માતાજીની સ્થાપના પછી જ તે રાજ્યાભિષેક કરશે. આવું કરવાનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ કે મા કુષ્માન્ડા સામ્રાજ્યનાં રચયિતા છે. સમગ્ર બ્રહ્માંડનું સર્જન મા કુષ્માન્ડાના હસ્તે થયું છે. મા કુષ્માન્ડા માટે કહેવાયું છે કે જ્યારે પણ અને જ્યાં પણ સામ્રાજ્યની સ્થાપના થઈ છે ત્યાં મા કુષ્માન્ડાનો પ્રભાવ રહ્યો છે. આર્થિક સામ્રાજ્યથી માંડીને બિઝનેસ એમ્પાયર એ જ સમયે ઊભાં થતાં હોય છે જે સમયે મા કુષ્માન્ડાની યેનકેન પ્રકારે મહેર રહી હોય. મા કુષ્માન્ડા બિહારમાં આજે પણ નિયમિત પૂજાય છે તો પુરાણકાળમાં નિર્મિત થયેલાં તેમનાં મંદિરો આજે પણ ઉત્તરાખંડના અમુક વિસ્તારોમાં હજી પણ છે. આજે જેમ આપણે ત્યાં શીતળામાતાજીનું દર વર્ષે પૂજન થાય છે એવી રીતે ઉત્તર પ્રદેશમાં મા કુષ્માન્ડાનું પૂજન દર વર્ષે કરવામાં આવે છે, જેમાં મા પોતાની સાથે બાળકને રાખે છે અને દેવીમાની પ્રદક્ષિણા કરે છે. આવું કરવાનું કારણ એ છે કે મા કુષ્માન્ડા સ્વાસ્થ્યરક્ષક છે.
નામ શું કામ કુષ્માન્ડા? | કુ, ઉષ્મા અને અન્ડા. સંસ્કૃતના આ ત્રણ શબ્દો દ્વારા મા કુષ્માન્ડાનું નામકરણ મહાદેવ દ્વારા કરવામાં આવ્યું છે. સંસ્કૃતમાં ‘કુ’ શબ્દનો અર્થ થાય છે થોડું, જરા. ઉષ્મા શબ્દનો અર્થ આપણે સૌ જાણીએ છીએ - લાગણી અને અન્ડાનો અર્થ થાય છે કૉસ્મિક એનર્જી સાથેનું ભારણ. સૃષ્ટિમાં બ્રહ્માંડની રચના થાય એવા જ ભાવ સાથે મા કુષ્માન્ડાની રચના થઈ હતી.
સમગ્ર દેવી-દેવતાઓમાં એકમાત્ર મા કુષ્માન્ડા એવાં દેવી છે જે ભક્તો પાસે કશું જ માગતાં નથી. માત્ર હાથ જોડીને તેમને ખરા મનથી યાદ કરવામાં આવે તો પણ એ પ્રશ્ન થઈ જાય છે. તેમનો આવો સ્વભાવ હોવાની પાછળનું કારણ સમજાવતાં વેદવ્યાસે કહ્યું હતું કે બ્રહ્માંડની રચના કરનારાં દેવી માટે જગતનો દરેક જીવ સંતાન સમાન હોય અને મા ક્યારેય સંતાન પાસે ભૌતિક સુખ માગે નહીં. તે તો ભાવનાઓ સાથે જ પીગળી જાય. મા કુષ્માન્ડાનું પણ એવું જ છે.
ADVERTISEMENT
મા કુષ્માન્ડા શું આપે? | સામ્રાજ્ય ઘડવાની ક્ષમતા આપવાની સાથોસાથ મા કુષ્માન્ડા એ સામ્રાજ્યને અકબંધ રાખવા માટે આર્થિક, માનસિક અને શારીરિક ક્ષમતા પણ આપે છે તો સાથોસાથ મા કુષ્માન્ડા સાચા-ખોટાનો ભેદભાવ સમજાવવાનું કામ પણ કરે છે. કહેવાય છે કે મા કુષ્માન્ડાના પૂજનથી આવનારી તકલીફોનો અણસાર પણ મળે છે.
આગળ કહ્યું એમ મા કુષ્માન્ડા સ્વાસ્થ્યરક્ષક પણ છે. નાનાં બાળકોની રક્ષા કરવાનું કામ તે સહજ રીતે કરે છે, જેના માટે તે માત્ર એટલી અપેક્ષા રાખે છે કે મા તેના બાળકને તેમના મંદિરે લઈ આવે. મા કુષ્માન્ડાએ પ્રસાદમાં પણ કોઈ જાતની બાંધછોડ નથી રાખી. પ્રસાદ સ્વરૂપે તે કંઈ પણ એટલે કંઈ પણ સ્વીકારે છે.
ગર્ભવતી મહિલાઓને કરાવેલું ભોજન મા કુષ્માન્ડાને અત્યંત પ્રિય છે. પ્રેગ્નન્ટ મહિલાને જમાડનારી વ્યક્તિના જીવનમાંથી શારીરિક પીડાઓ દૂર થાય છે અને તે માનસિક પ્રાપ્ત કરે છે.

