ઇમોશનલ ઇન્ટેલિજન્સની પ્રતિમૂર્તિ હતા પ્રમુખસ્વામી મહારાજ.
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
ઇમોશનલ ઇન્ટેલિજન્સની પ્રતિમૂર્તિ હતા પ્રમુખસ્વામી મહારાજ. તેઓ સન ૧૯૮૧માં અમદાવાદના આંગણે ભગવાન સ્વામીનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ ઊજવી રહેલા. ૩૭ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવ માટે ૨૦૦ એકરની જમીન પર ભવ્ય સ્વામીનારાયણ નગર ખડું કરવામાં આવેલું. આ પ્રસંગે ઊમટનારા લાખો ભક્તો-ભાવિકોની પાણીની સુવિધા માટે નજીકમાં એક ઊંચા ટેકરા પર પાણીનો હોજ તૈયાર કરાવેલો. આ હોજની ફરતે ધૂળ દાબીને એને ઢાળ આપી દીધેલો જેથી હોજ પાણીથી ભરપૂર હોય તોય હોજની દીવાલ ફાટી-ફસકી ન જાય.
આ હોજમાં પાણી ભરવા માટે બાજુમાં આવેલા બોર સાથે હોજનું જોડાણ કરવામાં આવેલું. એથી વાલ્વ ખોલતાં જ હોજમાં પાણી ભરાવા માંડતું, પરંતુ એક રાતે આ વાલ્વ ભૂલથી ખુલ્લો રહી જતાં હોજ પાણીથી ઊભરાઈ ગયો અને માટીનું ધોવાણ થતાં હોજ મિનિટોમાં ફસકી ગયો જેને કારણે મોટી આર્થિક નુકસાનીની સાથે લોકોને પણ ઘણી હાલાકી પહોંચી. આ જોઈ પાણી વિભાગની જવાબદારી સંભાળતા સંત મૂંઝવણમાં મુકાઈ ગયા. તેમને મનમાં ફડક હતી કે આવી ગંભીર ગફલતને કારણે ઠપકો મળશે અને ઠપકો મળે એ વાજબી પણ કહેવાય, પરંતુ બન્યું સાવ વિપરીત.
ADVERTISEMENT
પ્રમુખસ્વામી મહારાજે ભૂલ બદલ ઠપકો નહીં, પરંતુ કાર્યને પુનઃ ચાલુ કરવા યોગ્ય માર્ગદર્શનની સાથે હૂંફ અને આશીર્વાદ આપ્યાં એટલે પેલા સંત વધુ ઉત્સાહ અને ચીવટપૂર્વક કામ કરવા કટિબદ્ધ થઈ ગયા.
એક વાત યાદ રાખજો કે ઉત્તમ મૅનેજર એ છે જે પોતાના કર્મચારીઓને એવો અહેસાસ કરાવે કે ભૂલના સમયે પણ તે મારી સાથે જ રહેશે. એથી કર્મચારી નિશ્ચિંત થઈ કામ કરે છે અને ઉત્તમ પરિણામ લાવી આપે છે, જેનો ફાયદો કંપની કે સંસ્થાને તો થાય જ છે, પણ સાથોસાથ એનો ફાયદો મૅનેજરને પણ થાય છે અને ટીમ તેમના પ્રત્યે આદર અને સત્કાર ધરાવતી થઈ જાય છે. આધુનિક મૅનેજમેન્ટનો આ સિદ્ધાંત પ્રમુખસ્વામી મહારાજના ઉપરોક્ત પ્રસંગમાં ઝળકે છે. તેઓ ભૂલભરેલાને નભાવી જાણતા. એથી ભૂલોની પરંપરા અટકતી અને ભૂલભરેલા સુધરતા.
પ્રમુખસ્વામી મહારાજનું આ મૅનેજમેન્ટ પૂરેપૂરું માનવીય અને મૂલ્યવાન છે. એને અપનાવનારી વ્યક્તિનાં સંસાર અને સદન બન્ને શોભી રહે અને સૌકોઈના મનમાં પણ કાયમ માટે સ્થાન બનાવી જાય.
- પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સ્વામીનારાયણ સંસ્થા (લાઇફ-કોચ અને ખ્યાતનામ સ્પીકર તરીકે યુવાનોમાં લોકપ્રિય એવા જ્ઞાનવત્સલ સ્વામી સોશ્યલ મીડિયા પર લાખો ફૉલોઅર્સ ધરાવે છે.)