Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > આઓ ભોગ લગાઓ મેરે મોહન, રુચિ રુચિ ભોગ લગાઓ મેરે મોહન...

આઓ ભોગ લગાઓ મેરે મોહન, રુચિ રુચિ ભોગ લગાઓ મેરે મોહન...

Published : 03 August, 2023 04:00 PM | IST | Mumbai
Alpa Nirmal

તિરુવરપ્પુ કૃષ્ણ મંદિર મધ્યરાત્રિના બે વાગ્યે ખૂલે છે, કારણ કે કાનુડાને ‘ઉષા પાયસમ’નો ભોગ ધરાવવાનો હોય છે.

તિરુવરપ્પુ કૃષ્ણ મંદિર

તિરુવરપ્પુ કૃષ્ણ મંદિર


તિરુવરપ્પુ કૃષ્ણ મંદિર મધ્યરાત્રિના બે વાગ્યે ખૂલે છે, કારણ કે કાનુડાને ‘ઉષા પાયસમ’નો ભોગ ધરાવવાનો હોય છે. જો આ ભોગ ધરાવવામાં લેટ થઈ જાય તો નટવર આકુળવ્યાકુળ થઈ જાય છે અને એવું ન બને એ સારુ સવારના પૂજારી મંદિરની ચાવી સાથે કુહાડી રાખે છે. ઇન કેસ, ચાવીથી તાળું ખોલતાં વાર લાગી તો કુહાડીથી તાળું તોડી ઝટ મંદિરમાં જઈ શકાય


વહેલી સવારે બે વાગ્યે પ્રભુ શયનમાંથી જાગે એટલે તેમનો અભિષેક કર્યા બાદ પૂજારી ભગવાનનો ભીનો ચહેરો, વાળ કોરા કરી તરત ઘી, ગોળ, કેળું, ટોપરું ધરાવતી ચોખાની ખીર (ઉષા પાયસમ) ધરાવે છે. ત્યાર બાદ પૂજારી પ્રભુનાં બાકીનાં ભીનાં અંગ સૂકાં કરે છે.



૧૯૮૯માં કેરળ સરકારે રાજ્યનું પર્યટન ક્ષેત્ર વિકસાવવા એક ઍડ એજન્સીને હાયર કરી અને એના ક્રીએટિવ ડિરેક્ટરે એક લાઇન ક્રીએટ કરી ‘ગૉડ’સ ઓન કન્ટ્રી’. આ લાઇને કેરળ ટૂરિઝમને એવો જમ્પ કરાવ્યો કે દેશવિદેશમાં કેરળના હિલ્સ, બીચ, બૅકવૉટર્સ, આયુર્વેદ અને મસાજ છવાઈ ગયા.


નો ડાઉટ અહીંનો કમનીય દરિયાકાંઠો, લીલીછમ ઊંચી-નીચી પહાડીઓ, હૃષ્ટપુષ્ટ બૅકવૉટર્સ, અકસીર આયુર્વેદ અને રિલૅક્સિંગ મસાજ યુનિક છે, અદ્ભુત છે, માઇન્ડબ્લોઇંગ છે અને આવાં જ કારણોસર પેલા ક્રીએટિવ ડિરેક્ટરને આ ટૅગલાઇન સ્ફુરી હશે. પણ અમે માનીએ છીએ કે આ ધરતી ઉપર મહાદેવથી લઈ પાંડવો, રામ-સીતાથી લઈ અનેક તપસ્વી મુનિવરોએ પગલાં પાડ્યાં છે, અહીં નિવાસ કર્યો છે એટલે આ રાજ્ય ગૉડ’સ ઓન કન્ટ્રી (ઈશ્વરનો પોતાનો દેશ) છે. આમેય પૌરાણિક કથા અનુસાર કેરળનું નિર્માણ વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામે કર્યું છે. પોતાના ભક્તો શાંતિથી રહી શકે, આસુરી શક્તિના રંજાડ વિના તપ-જપમાં જીવન વ્યતીત કરી શકે એ માટે પરશુરામે સમુદ્રમાં પોતાની કુહાડી ફેંકી અને એ કુહાડી જ્યાં સુધી પહોંચી ત્યાં સુધી પાણી ઓછું થઈ ગયું. જોકે સાગરમાંથી ઉદ્ભવેલી આ ધરતી મીઠાના રણ સમાન હતી અને સજીવ સૃષ્ટિને રહેવા માટે અયોગ્ય હતી. આથી પરશુરામે નાગ રાજા વાસુકીને આહવાન કર્યું અને વાસુકીએ ફુંફાડા મારી ઝેર ઓક્યું, જે પવિત્ર ઝેર ફળદ્રુપ ભૂમિમાં પરાવર્તિત થયું ને આમ કર્ણાટકના ગોકર્ણથી તામિલનાડુના કન્યાકુમારી વચ્ચે કેરળ ભૂમિ નિર્મિત થઈ.

 અરે, પણ આપણે તીર્થાટનમાં કેરળના પ્રવાસનની વાત કેમ કરી રહ્યા છીએ? આપણે તો વાત કરવાની છે અહીંનાં અદ્વિતીય તીર્થસ્થાનોની, મંદિરોની, પ્રાચીન મૂર્તિઓની...


યસ, તો આ શૃંખલામાં આજે ઊપડીએ તિરુવરપ્પુ, ફેમસ ટૂરિસ્ટ પ્લેસ કોટ્ટાયમથી ૬-૭ કિલોમીટરના અંતરે મીનાચિલ નદીના તટે વસેલું નાનકડું ગામ તિરુવરપ્પુ. ગામ તો સાવ ખોબા જેવડું છે અને પહેલી નજરે તો ટિપિકલ કેરલિયન ગામ જેવું જ સામાન્ય ગામડું લાગે. પણ અહીં એક અસામાન્ય કૃષ્ણ મંદિર છે. આ કૃષ્ણ મંદિરની એક નહી, બે નહીં, ત્રણ નહીં પાંચ વિશેષતાઓ છે. પહેલી સ્પેશ્યલિટી એ છે કે અહીં જે કૃષ્ણની મૂર્તિ બિરાજમાન છે એ ખુદ કૃષ્ણએ પાંડવોને પૂજા કરવા આપેલી છે. બીજી ખાસ વાત એ છે કે માન્યતા અનુસાર મામા કંસનો વધ કર્યા પછી શ્રીકૃષ્ણ ખૂબ ભૂખ્યા થયા હતા અને તેમને અનેક વાર ખોરાક ખાવાની જરૂર પડી હતી. એ કૃષ્ણનું સ્વરૂપ અહીં છે. અને અહીંના હન્ગ્રી ગૉડને દિવસમાં ૭ વખત ભોગ ચડાવાય છે એ છે એની ત્રીજી વિશેષતા. ચોથી અનયુઝ્અલ વાત એ છે કે સૂર્ય કે ચન્દ્રગ્રહણ વખતે દરેક હિન્દુ મંદિરો બંધ કરવાનો નિયમ છે જેથી મંદિરની પવિત્રતા અખંડિત રહે, પરંતુ તિરુવરપ્પુનું કૃષ્ણ મંદિર ગ્રહણ દરમિયાન પણ ખુલ્લું રહે છે, કારણ કે ભગવાનને ભોગ લગાવવાનો હોય છે. પાંચમી અનન્ય વાત એ છે કે સદીઓ પહેલાં જ્યારે સ્થાનિકોને સમુદ્રમાંથી આ મૂર્તિ જડી ત્યારે તેમની પાસે કૃષ્ણને ભોગ ધરાવવા માટે લીલું નારિયેળ અને કાચી કેરીના અથાણા સિવાય કશું નહોતું. તેઓ એનો ભોગ ધરાવતા એ પરંપરા હજી પણ ચાલે છે. આજે પણ દિવસમાં એક ભોગમાં નારિયેળનું તાજું પાણી અને કચ્ચે આમ કા આચાર અચૂક હોય છે.

વેલ, આ વાતો વાંચ્યા પછી મનમાં કુતૂહલ ઉદ્ભવે છેને કે મૂર્તિની સ્ટોરી શું છે? તો જાણો આ પ્રતિમાની કથા. જે અગેઇન એક નહીં, બે નહીં, ત્રણ-ત્રણ છે. કુરુક્ષેત્રના યુદ્ધ પૂર્વે પાંડવો જ્યારે  વનવાસમાં હતા ત્યારે શ્રીકૃષ્ણએ પોતે પાંડવો નિત્ય પૂજા કરી શકે એ અર્થે તેમની મૂર્તિ આપી હતી અને પાંડવોએ સંપૂર્ણ અજ્ઞાતવાસ દરમિયાન આ કૃષ્ણની આરાધના કરી. વનવાસનો કાળ પૂર્ણ થતાં પાંડવો પરત હસ્તિનાપુર જવા તૈયાર થયા ત્યારે તેઓ જ્યાં હતા એ ક્ષેત્રના સ્થાનિકોએ પાંચે ભાઈઓને આ મૂર્તિ પૂજા અર્થે તેમને આપી જવાનો અનુરોધ કર્યો અને કુંતીપુત્રોએ તેમને એ મૂર્તિ ભેટ આપી. કેટલાંક વર્ષો તો લોકલ ભક્તોએ એ મૂર્તિની સરસ અર્ચના કરી, પરંતુ કાળક્રમે તેમનાથી પૂજા ન થતાં તેમણે એ મૂર્તિને સમુદ્રમાં પધરાવી દીધી. આ ઘટના બાદ અનેક સદીઓ પછી એક અતિ પવિત્ર મહાત્મા અહીંના દરિયા માર્ગે પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની હોડી એક સ્થાન પર ઊભી રહી ગઈ અને ત્યાંથી જળ સુકાઈ ગયું અને કૃષ્ણની આ મૂર્તિ પ્રગટ થઈ. એ સંતે એ કૃષ્ણ લઈ લીધા. કૃષ્ણની મૂર્તિ લઈ તેઓ તેમના ગંતવ્ય સ્થાને, પશ્ચિમ દિશા તરફ પ્રવાસ કરવાના હતા પણ નાવ એ દિશાએ ન જતાં પૂર્વ તરફ કુજામ, પલ્લિકાર થઈ તિરુવરપ્પુ પહોંચી. સંત અહીં ઊતર્યા અને આ ધરતી પર એક મંદિર જોયું, જેમાં કોઈ મૂર્તિ નહોતી. આથી સંતે ઈશ્વરની આ ઇચ્છા ગણી મૂર્તિને એ મંદિરમાં સ્થાપિત કરી દીધી.

આ સાથે બીજી વાર્તા પણ પૉપ્યુલર છે. એ પ્રમાણે વનવાસ બાદ પાંડવોએ તેમની પાસે રહેલા અક્ષય પાત્રમાં આ કૃષ્ણ મૂર્તિ મૂકી સમુદ્રમાં પધરાવી દીધી. લાંબા અરસા બાદ ફક્ત મૂર્તિ માછીમારોની જાળમાં આવી અને તેમણે આ મૂર્તિને સારમંગલમ્ ગામે પધરાવી, મૂર્તિ માટે મંદિરનું નિર્માણ પણ કરાવ્યું. કાળક્રમે અનેક પ્રાકૃતિક આપદાઓને કારણે મંદિરમાંના એ કૃષ્ણ ફરી ઉદધિમાં સમાઈ ગયા. અને કહે છે કે તે આ વખતે સીધા પેલા પાંડવોના અક્ષયપાત્રમાં જઈ એમાં જડાઈ ગયા. બીજી અને ત્રીજી કહાનીમાં સામ્ય એ છે કે દરિયામાં ગરક થઈ ગયેલી ભગવાન પુરુષોત્તમની મૂર્તિ પેલા સંતને સમુદ્રમાંથી જ મળી. પરંતુ એ વખતે મોસમ એટલી હદે ખરાબ થયું કે સંતને નાવમાંથી ઊતરવા જ ન મળ્યું અને આથી તેમણે નટખટ લાલાને ફરી સમુદ્રને હવાલે કર્યા અને એ વખતે એ મૂર્તિ ડાયરેક્ટ પાંડવોના અક્ષયપાત્રમાં પડી. થોડાં વર્ષો બાદ પેલા સંત અહીં પાછા પધાર્યા અને તેમણે અક્ષયપાત્રમાં જડાયેલી આ મૂર્તિ એક જહાજમાં જોઈ. જહાજના માલિકને વિનંતી કરતાં તેણે આ મૂર્તિ સ્વામીને આપી અને મંદિરનું નિર્માણ કરાવ્યું.

ખેર, સત્ય કથા જે હોય તે, પણ મીનાચિલ નદી, જે મીનાક્ષી નદી તરીકે પણ જાણીતી છે, એના કિનારે બૅકવૉટર્સ પાસે આજે કેરાલિયન સ્ટાઇલનું સુંદર અને સુઘડ મંદિર છે જેના ગર્ભગૃહમાં ચાર બાહુ ધરાવતો લાલો ઊભો છે. મસ્તીખોર મુખમુદ્રા ધરાવતા કિશોર કનૈયાનાં દર્શન કરતાં જ ભક્તો એની ઉપર ઓવારી જાય છે. મંદિર પરિસરમાં શંકર ભગવાન, પાર્વતી મા, ગણપતિ, સુબ્રમણ્યમનાં નાનાં દેવાલયો છે. થોડાં વર્ષ પૂર્વ સુધી આ મંદિર ૨૪ કલાકમાંથી ફક્ત બે મિનિટ માટે એટલે રાત્રે ૧૧.૫૮થી ૧૨ સુધી બંધ થતું હતું અને પરત ૧૨ વાગ્યે એનાં કપાટ ખૂલી જતાં હતાં પરંતુ હવે એ બે કલાક માટે રાત્રે બંધ રહે છે. મધરાત બેથી બપોરે એક અને સાંજે પાંચથી ૮ વાગ્યા સુધી એ દર્શનાર્થે ખુલ્લું રહે છે.

તિરુવરપ્પુ મંદિર કોટ્ટાયમથી સાવ ઢૂંકડું છે. તો કુમારકોમ, અલ્લપુઝા પણ નિયરેસ્ટ રિસૉર્ટ ટાઉન છે. મુંબઈથી કોચી જવા ડાયરેક્ટ ટ્રેન, ફ્લાઇટ ઉપલબ્ધ છે અને ત્યાંથી કોટ્ટાયમ ઓન્લી ૯૦ કિલોમીટર અવે. હા, આગળ કહ્યું એમ હજી આ વિલેજ વિલેજની જ કન્ડિશનમાં છે એટલે રહેવા-જમવાની ખાસ સગવડ નથી. રહેવા માટે તો કોટ્ટાયમ કે અલ્લપુઝા બેસ્ટ પ્લેસ છે, પણ જમવાને બદલે અહીંનો પ્રસાદ ખાસ ખાજો. કહેવાય છે કે અહીં પ્રસાદ ખાધા વગર જવું નહીં. આ પ્રસાદ જન્મોજન્મની ભૂખ મિટાવે છે અને મનુષ્યના વિવિધ પાપ-દોષનો નાશ કરે છે. જન્માષ્ટમી ઉપરાંત એપ્રિલ મહિનામાં અહીં ઊજવાતો ૧૦ દિવસનો વિલાકેડુપુ થિરૂવિઝા તહેવાર એકદમ અનોખો છે. ધ્વજ આરોહણથી શરૂ થતા આ ઉત્સવમાં નાની કિશોરીઓ શ્રીકૃષ્ણનો વેશ સજીને મંદિરમાં આવે છે અને દીપક પ્રજ્વલિત કરે છે. આ દસ દિવસમાં હાથીઓની પ્રદક્ષિણા સહિત ભગવાનનો સ્પેશ્યલ અભિષેક અને વિવિધ રથયાત્રાઓ નીકળે છે. અંતિમ દિને થતી રથયાત્રામાં મુખ્ય મૂર્તિને મંદિરના પરિસરમાં ડેકોરેટેડ પાલખીમાં પધરાવી પરિક્રમા કરાવાય છે. આ  પ્રમાણેની રથયાત્રા ફક્ત આ જ મંદિરમાં યોજાય છે જ્યારે મુખ્ય ભગવાન મંદિર છોડી નગરચર્યાએ નીકળે છે. આથી આ ઉત્સવ દરમિયાન હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્તો અહીં પહોંચે છે. એ સિવાય રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પણ ભાવિકોની સંખ્યા વધુ હોય છે.

શું ત્યાં કોઈ ભૂખ્યું છે?

કૃષ્ણ અહીં કિશોર સ્વરૂપે છે, જેને વારે-વારે ભૂખ લાગે છે. આથી પૂજારી જ્યારે-જ્યારે ગર્ભગૃહ બંધ કરે છે ત્યારે મલયાલી ભાષામાં ભગવાનને સંબોધીને જોરથી સાદ પાડે છે, જેનો મતલબ થાય છે કે ‘શું ત્યાં કોઈ ભૂખ્યું છે?’ ગ્રહણ દરમિયાન પણ આ મંદિર ખુલ્લું રાખવા વિશે કહેવાય છે કે એક વખત ગ્રહણમાં ગર્ભગૃહ બંધ કરી દેવામાં આવ્યું અને થોડા કલાક સુધી ભગવાનને ભોગ ન ધરાવાયો. ગ્રહણ પૂર્ણ થતાં મંદિર ખોલ્યું ત્યારે કૃષ્ણનો કમ્મરબંધ ઢીલો થઈ નીચે ઊતરી આવ્યો હતો. તેમનાં વસ્ત્રો પણ ઢીલાં થઈ ગયાં હતાં. દેવકીનંદનની આવી અવસ્થા જોઈ આદિ શંકરાચાર્યએ કહ્યું કે ‘ભગવાનને ભોજન ન મળવાથી પાતળા અને નિર્બળ થઈ ગયા છે. આથી આવું થયું છે. તેથી હવે ભગવાનનો ભોગનો સમય ક્યારેય મિસ કરવો નહીં. ગ્રહણ દરમિયાન પણ પ્રભુને ભૂખ્યા રાખવા નહીં.’

Whatsapp-channel Whatsapp-channel

03 August, 2023 04:00 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK